જિમ કેરીએ ગર્લફ્રેન્ડ મિન આહ સાથે ગુપચુપ લગ્ન કરી લીધાં

હોલિવુડના કરોડો દર્શકોના ચહેરા પર સ્મિત લાવનાર દિગ્ગજ કોમેડિયન જિમ કેરીના જીવનમાં પ્રેમનું નવું પ્રકરણ શરૂ થયું છે. 'ધી માસ્ક', 'એસ વેન્ચ્યુરા', 'ડમ્બ એન્ડ ડમ્બર' અને 'લાયર લાયર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ૬૪ વર્ષીય જિમે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મિન આહ સાથે લગ્ન કરી લીધા છે. લોસ એન્જલસમાં યોજાયેલા એક અત્યંત ખાનગી અને સાદગીપૂર્ણ સમારંભમાં બંનેએ નજીકના સ્વજનોની હાજરીમાં એકબીજાને 'આઈ ડુ' કહી દીધું છે.
આ લગ્નમાં સેલિબ્રિટી પાર્ટીઓની ચમકધમકના બદલે શાંતિ જોવા મળી. ફેબુ્રઆરી ૨૦૨૨માં એક ચેરિટી શો દરમિયાન સાથે જોવા મળ્યા પછીથી બંનેએ પોતાના અંગત સંબંધોને લાઈમલાઈટથી સભાનપણે દૂર રાખ્યા હતા.
પડદા પરની વાત કરીએ તો, જિમ કેરીએ તાજેતરમાં 'સોનિક ધી હેજહોગ' ફ્રેન્ચાઈઝી દ્વારા નવી પેઢી સાથે જોડાણ સાધ્યું છે. 'સોનિક ધી હેજહોગ' ટુ અને થ્રીમાં ડો. રોબોટનિક તરીકેના પાત્રમાં પોતાની આગવી બોડી લેંગ્વેજ અને ઉર્જાએ ફરી સાબિત કર્યું કે તેની સ્ક્રીન પ્રેઝન્સ અડીખમ છે.
આમ છતાં, આજનો જિમ કેરી માત્ર હસાવતો સુપરસ્ટાર નથી. ૨૦૨૨માં તેણે અભિનયમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપતા જણાવ્યું હતું કે તેને પેઇન્ટિંગ, શાંતિ અને આધ્યાત્મિક જીવન વધુ સંતોષ આપે છે. જોકે યોગ્ય સ્ક્રિપ્ટ મળે તો જ તે કેમેરા સામે આવશે. મિન આહ સાથેનાં લગ્ને તેના શાંત અને સંતુષ્ટ જીવનદર્શનને વધુ મજબૂત બનાવ્યું છે. એક સમયે સમગ્ર વિશ્વને હસાવનાર હોલિવુડનો આ બેતાજ બાદશાહ આજે સાચી ખુશી અને આંતરિક શાંતિ માણી રહ્યો છે. હવે દરેક ફિલ્મ કરવાની દોડ કરતા અર્થપૂર્ણ કામ અને વ્યક્તિગત સંતોષ વધુ મહત્વ ધરાવે છે. અને હવે મિન આહ સાથેના લગ્નએ આ નવા જિમ કેરીને વધુ સુંદર ઓળખ આપી છે. એક સમયનો હોલીવૂડનો સૌથી બેકાબૂ કોમેડી સ્ટાર આજે પ્રેમ, પરિવાર, કલા અને આધ્યાત્મિક શાંતિને પોતાની દુનિયાનું કેન્દ્ર બનાવી રહ્યો છે. કદાચ જીવનની સૌથી મોટી કોમેડી એ જ છે, જે માણસે આખી દુનિયાને હસાવી, તેને અંતે સાચી ખુશી શાંતિ અને પ્રેમમાં મળી.




