FOLLOW US

જેકલીન ફર્નાન્ડીસ : સઘળું ડામાડોળ હોય ત્યારે સમતા ખાસ જાળવી રાખવી!

Updated: Mar 17th, 2023


- 'આપણે આપણા શબ્દો પર કાબુ રાખવો પડે. એક્સરસાઇઝ અને મેડિટેશનથી ચોક્કસ લાભ થાય છે. આપણે સમજી લેવું જોઈએ કે કોઈ પણ બાબત એટલી મહત્ત્વની નથી કે આપણે આપણો મૂડ ખરાબ કરીએ. '

આ વખતના ઓસ્કર સમારોહમાં દુનિયાભરનાં મોટાં મોટાં ફિલ્મી માથાંઓ સાથે આપણી જેક્લીન ફર્નાન્ડીઝ પણ જોવા મળી. શા માટે? એની 'ટેલ ઇટ લાઇક અ વુમન' ફિલ્મનું ગીત ઓસ્કરની બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટગરીમાં નોમિનેટ થયું હતું. આ અવોર્ડ, અફ કોર્સ, 'આરઆરઆર'નું 'નાટો નાટો' ગીત જીતી ગયું. છેલ્લા ઘણા સમયથી જેક્લીન બાપડી સુકેશ ચંદ્રશેખર નામના થર્ડ રેટ બિઝનેસમેન સાથેના 'પ્રેમસંબંધ'ના મામલે મિડીયામાં સતત બદનામ થઈ રહી હતી. આવા માહોલમાં આ ઓસ્કર ન્યુઝ, ફોર અ ચેન્જ, પોઝિટિવ હતા. 

 જેકલીન આમ તો મૂળભૂત રીતે પોઝિટિવ વ્યક્તિ ખરી. ફિલ્મોમાં સફળ થયા પછી એક્ટિંગ સ્કૂલમાં જનારી કેટલીક જૂજ એક્ટ્રેસ પૈકી એક છે! જેકલીન પોતાનો મત વ્યક્ત કરતાં જરા પણ અચકાતી નથી. ફિલ્મ ઉદ્યોગમાં ટકી રહેવાના પોતાના સંઘર્ષ વિશે પણ તે ખૂબ જ વાચાળ છે.

જેકલીનને  અત્યંત નાની વયથી એક્ટર બનવાની ઈચ્છા હતી. સુજોય ઘોષની પારખું નજર તેના પર પડી અને ૨૦૦૯માં આવેલી 'અલ્લાદીન' ફિલ્મથી તેની સફર શરૂ થઈ. જેકલીન કહે છે, 'મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પણ મેં જેટલી અપેક્ષા રાખી તે તમામ મને મળી ગયું છે.'

ફિલ્મોમાં પોતાના સંઘર્ષ વિશે હંમેશા ખુલીને વાત કરતી જેકલીન કહે છે, 'સંઘર્ષ તો જીવનનો એક હિસ્સો માત્ર છે. આપણે જો તેનો સકારાત્મકતાથી સ્વીકાર કરીએ તો ચોક્કસ લાભ થાય છે. ધૈર્ય મુખ્ય વસ્તુ છે અને દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્ત્વનું છે. સફળતા ન મળે ત્યાં સુધી ધીરજ રાખવી જ પડે.' 

પોતાના નવા વીડિયો 'મેરે અંગને મેં' વિશે જેકલીન કહે છે, 'ટી-સીરીઝના ચેરમેન ભૂષણ કુમારે આ ગીત માટે મારો સંપર્ક કર્યો હતો. અમને બંનેને લાગ્યું કે આ ગીતમાં હજી આકર્ષણ છે અને તેના પર વધુ કામ કરવું જોઈએ. વીડિયોનો કોન્સેપ્ટ પણ તદ્દન ભિન્ન અને રસપ્રદ છે.'

ફિલ્મ અને ડિજિટલ બંને મંચ પર કામ કરી ચુકેલી જેકલીન માને છે કે તેના માટે બંને વચ્ચે ખાસ કોઈ ફરક નથી. સાથે કામ કરનારા કલાકારો તેમજ ટેકનીશિયનો એ જ હોય છે. માત્ર કોન્ટેન્ટમાં ફરક હોય છે. ડિજિટલ કોન્ટેન્ટ કમર્શિયલ ઓછો હોય છે અને તેમાં નવીનતા વધુ હોય છે.

જેકલીન મુશ્કેલીભર્યા સંજોગોમાં પણ પોતાની ધીરજ, સ્વસ્થતા અને વિનય જાળવી રાખે છે. આ સંતુલન વિશે તે જણાવે છે, 'આવું કરવું સરળ નથી. આપણે આપણા શબ્દો પર કાબુ રાખવો પડે છે. એક્સરસાઇઝ અને મેડિટેશનથી ચોક્કસ લાભ થાય છે. આપણે સમજી લેવું જોઈએ કે કોઈપણ બાબત એટલી મહત્ત્વની નથી કે આપણે આપણો મૂડ ખરાબ કરીએ. શાંત રહીને તમે ઘણા વિવાદ ટાળી શકો છો.'

અનેક મલ્ટિસ્ટાર પ્રોજેક્ટ સાથે સંકળાયેલી જેકલીન કહે છે, 'અમે માત્ર વાર્તા કહેનારા છીએ અને લોકોનું મનોરંજન કરવા ફિલ્મ બનાવીએ છીએ. આખી ટીમ સાથે સંયોજન રાખીને શાંતિ જાળવી રાખવી મહત્ત્વની છે. ફિલ્મનું સર્જન એક જટિલ પ્રક્રિયા છે, જેમાં નિશ્ચિત સમયપત્રક નથી હોતાં અને સંજોગો તણાવપૂર્ણ હોય છે. આવી બાબતોથી પરિણામ પર ફરક ન પડે તેનું ધ્યાન રાખવું પડે છે. હું હમેંશા મારી આસપાસ પોઝિટિવ લોકો હોય તેનું ધ્યાન રાખું છું. એનાથી મારા જીવનમાં ઘણો ફરક પડયો છે.'

ફિલ્મોમાં એક દાયકો પૂરો કર્યા પછી અને ૨૦ ફિલ્મોમાં કામ કર્યા બાદ એક્ટિંગ સ્કૂલમાં દાખલ થવાના પોતાના નિર્ણય વિશે જેકલીન ખુલાસો કરે છે, 'મને પરફોર્મન્સ બાબતે તણાવ રહ્યો છે. આથી મને લાગ્યું કે એને દૂર કરવા એક્ટિંગ સ્કૂલમાં દાખલ થવું જોઈએ. મારે આ તાલીમ લેવાનું ચાલુ રાખવું છે, કારણ કે એનાથી મારો આ વ્યવસાય પ્રત્યે આદર વધ્યો છે. એક્ટિંગ પ્રત્યે અતિશય ધગશ ધરાવતા લોકો મેં આ સ્કૂલમાં જોયા છે. મારે અહીં શીખવું પણ છે અને શીખવવું પણ છે.'

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી જેકલીન માને છે કે ઈન્ટરનેટના વપરાશકારો તમારા માટે અભિપ્રાય જલદી બાંધી લે છે અને તમે બધાને ખુશ નથી કરી શકતા. જેકલીનને પ્રાણીઓ પ્રત્યે મને ખૂબ જ પ્રેમ છે. એ કહે છે, 'મારો ઉછેર નવ શ્વાનો સાથે થયો છે અને મેં અનેક બિલાડીને બચાવી છે. મેં પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતા જોઈ છે. એક માનવી તરીકે મને આ જોઈને ખૂબ દુઃખ થાય છે. લોકોએ સમજવું જોઈએ કે પ્રાણીઓ અને માનવીઓએ આ ધરતી પર સાથે જીવવાનું છે.' 

 જેકલીન પોતાનો ફિટનેસ રૂટીન ચાહકો સાથે શેર કરતા કહે છે, 'વ્યાયામ માટે સવારે વહેલા ઊઠવું સૌથી આનંદદાયક હિસ્સો છે. ઘણી વાર હું સવારે સાડાપાંચ વાગ્યે ઊઠીને ઘોડેસવારી કરું છું. હવે મારે પાતળા થવા અથવા ફિટનેસ માટે મહેનત કરવી પડતી નથી, પણ મારે મારું મન અને શરીર મજબૂત બનાવવા કસરત કરવી પડે છે. જ્યારે શૂટ ન હોય ત્યારે હું નૃત્યની તાલીમ મેળવું છું અને  જ્યારે પણ સમય મળે ત્યારે સ્ટ્રેચીંગ કરું છું.'

જેકલીનને આગામી પ્રોજેક્ટમાં 'ક્રેક' અને 'ફતેહ' નામની ફિલ્મો છે. જોઈએ, ઓસ્કરના માહોલના સ્પર્શ પછી જેકલીનનો કરીઅર ગ્રાફ કેવી રીતે આગળ વધારે છે. 

Gujarat
News
News
News
Magazines