Chitralok

યે જો મન કી સીમારેખા હૈ, મન તોડને લગતા હૈ...

By GS Team
8 Oct 20264 mins read
યે જો મન કી સીમારેખા હૈ, મન તોડને લગતા હૈ...
  • કેવી સરસ કલ્પના છે. ફૂલોનાં સ્મિતની વાત છે. સતત મરકતા કયા ફૂલને ચોરીછૂપીથી લઇને મનના ઉદ્યાનમાં સજાવવાની વાત છે. આ નાજુક સંવેદનને રજૂ કરવા સંગીતકારે રાગ માંઝ ખમાજનો આધાર લીધો છે. 'રજનીગંધા' ફિલ્મની કથાની જેમ 'કઈ બાર યું ભી દેખા હૈ' ગીતની તર્જ સીધી સાદી કહરવા તાલમાં વહ્યે જાય છે.

એક તરફ બોક્સ ઓફિસ પર ટંકશાળ મચાવતી 'રોટી કપડા ઔર મકાન' (મનોજ કુમાર, અમિતાભ બચ્ચન અને શશી કપૂર), 'રોટી' (રાજેશ ખન્ના, મૂમતાઝ), 'આપ કી કસમ' (રાજેશ ખન્ના, મૂમતાઝ), 'ચોર મચાયે શોર' (શશી કપૂર, મૂમતાઝ) અને 'દોસ્ત' (ધર્મેન્દ્ર, હેમા માલિની) જેવી ફિલ્મો રજૂ થઇ હોય ત્યારે એક પણ એક્શન વિનાની, કોઇ સેલેબલ સ્ટાર વિનાની, કોઇ પ્રકારના મનોરંજક મસાલા વિનાની, સાવ સાદી સીધી પ્રણય ત્રિકોણની નોન-ગ્લેમરસ કથા ધરાવતી ફિલ્મ રજૂ કરવા માટે પણ હિંમત જોઇએ. બાસુ ચેટરજીમાં એવી હિંમત હતી. એમની ફિલ્મ 'રજનીગંધા' એ હિંમતનો જીવંત પુરાવો હતી ધમધોકાર બિઝનેસ કરતી મોટા સ્ટાર્સની ફિલ્મો વચ્ચે 'રજનીગંધા'એ રજત જયંતી ઊજવી ત્યારે બોલિવુડમાં એક પ્રકારનો ખળભળાટ થઇ ગયો હતો.
૧૯૬૦ના દાયકામાં હિન્દી સાહિત્ય જગતમાં નયી કહાની નામે એક આંદોલન ચાલેલું. એ સમયે પ્રસિદ્ધ વાર્તાકાર મન્નુ ભંડારીએ 'યહી સચ હૈ' નામની વાર્તા લખેલી. સાવ સાદી સીધી પ્રણય ત્રિકોણની કથા હતી. ભૂતકાળમાં મનદુ:ખ સાથે એક યુવક યુવતીનો મુંબઇમાં સંબંધ વિચ્છેદ થયેલો. એ યુવતીનું દિલ્હીમાં અન્ય એક યુવક સાથે મન મળી ગયું. મુંબઇવાળો યુવક સમયનો પાક્કો, શિસ્તબદ્ધ અને સારો કેરટેકર. દિલ્હીવાળો યુવક સાવ લહેરી લાલો, નક્કી કરેલા સમયે આવવાનું ભૂલી જાય, મોજીલો અને દિલનો સાફ. સંજોગવશાત્ નાયિકાએ ફરી મુંબઇ જવાનું થાય છે. વિસરાઇ ગયેલો બોયફ્રેન્ડ પાછો મળે છે. નાયિકા દ્વિધા અનુભવે છે કે ભૂતકાળના આ પ્રિયપાત્રને અપનાવું કે વર્તમાનના મિત્રને અપનાવું. નાયિકા કયા સંજોગોમાં કેવી રીતે કયો નિર્ણય કરે છે એ આ વાર્તાનું હાર્દ.
બાસુ ચેટરજીએ 'યહી સચ હૈ' પરથી સ્ક્રિપ્ટ લખી. એ સમયે એમના મનમાં શશી કપૂર અને શમલા ટાગોર હતાં. પાછળથી બંગાળી કલાકારો અપર્ણા સેન અને સમિત ભાંજાને લેવાનું વિચાર્યું. અરે એક તબક્કે આપણી ગુજરાતી ક્લાસિકલ ડાન્સર મલ્લિકા સારાભાઇને લેવાનું પણ વિચારેલું. કોઇ વાત જામી નહીં. દરમિયાન, બાસુદાએ મરાઠી રંગભૂમિના નાટય અભિનેતા અમોલ પાલેકરને જોયો. અમોલને બોલિવુડમાં બહુ બધાં પિછાણતા નહોતા. અમોલે એક મરાઠી ફિલ્મ 'શાંતતા કોર્ટ ચાલુ આહે…' કરેલી. બાસુદાએ પહેલાં અમોલને મૂળ વાર્તા વાંચવા આપી. પછી સ્ક્રીપ્ટ આપી. અમોલને સ્ક્રીપ્ટ ગમી. એને નાયક તરીકે પસંદ કર્યો. વિદ્યા સિંહા નામની અભિનેત્રીને નાયિકા તરીકે પસંદ કરી. આ બંનેનું વ્યક્તિત્વ મુંબઇની ઉપનગરીય લોકલ ટ્રેન કે બેસ્ટની બસમાં રોજ મુસાફરી કરતા નોકરિયાત જેવું.
શૂટિંગ શરૂ થયું. માંડ વીસ દિવસનું મુંબઇનું શૂટિંગ પૂરું થયું ત્યાં પ્રોડયુસર પાસે નાણાં ખૂટી પડયા. ફિલ્મ અટકી પડી. દોઢેક વરસ પછી ફિલ્મ પૂરી થઇ. સદ્ભાગ્યે રાજશ્રીના સંચાલકોને ગમી. એ લોકોએ વિતરણના હક્કો ખરીદ્યા અને નરીમાન પોઇન્ટ પર આવેલા આકાશવાણીના થિયેટરમાં ફિલ્મ રજૂ કરી. ફિલ્મ જોનારા દર્શકોના મોઢામોઢ એટલા બધા વખાણ થયા કે ફિલ્મે સિલ્વર જ્યુબિલી ઊજવી. 'રજનીગંધા' પછી બાસુદાની 'છોટી-સી બાત' અને 'ચિતચોર'માં પણ અમોલ હીરો હતો અને એ ફિલ્મોએ પણ સિલ્વર જ્યુબિલી ઊજવી. અમોલ પાલેકર સિલ્વર જ્યુબિલીની હેટ્રીક કરનારો ડેબ્યુ કલાકાર બની રહ્યો.
સૌથી મોટો પડકાર સંગીતકાર સલિલ ચૌધરી માટે હતો એમ સલિલદાની મોટા ભાગની ફિલ્મોમાં સરોદ અને મેંડોલીન છેડનારા ગુજરાતી લેજન્ડ કિશોર દેસાઇ કહે છે કે, માત્ર બે ગીતો અને સાવ સાદી સીધી સરળ રીતે વહી જતી કથા. જેવા નોન-ગ્લેમરસ કલાકારો હતા એવી જ નોન-ગ્લેમરસ કથા. એટલે સલિલદાએ ઓડિયન્સને કથા સાથે તદ્રુપ કરી દે એ પ્રકારનું સાવ પાંખા ઓરકેસ્ટ્રા સાથેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતોની તર્જ આપવાની હતી.
ગીતકાર યોગેશે બે ગીતો રચ્યાં હતાં. એક ગીત લતાજીને ફાળે અને એક ગીત મૂકેશના ફાળે આવેલું. મૂકેશનાં ગીતે એને બેસ્ટ પુરુષ ગાયકનો નેશનલ એવોર્ડ અપાવ્યો. બાસુદાને બેસ્ટ ફિલ્મનો ક્રિટિક એવોર્ડ મળ્યો.
મૂકેશના કંઠે રજૂ થયેલા ગીતના શબ્દો હતા - 'કઇ બાર યું ભી દેખા હૈ, યે જો મન કી સીમારેખા હૈ, મન તોડને લગતા હૈ, અનજાની આશ કે પીછે મન દૌડને લગતા હૈ…' અંતરામાં કહ્યું છે- 'રાહોં મેં રાહોં મેં, જીવન કી રાહોં મેં, જો ખીલે હૈં ફૂલ ફૂલ મુસ્કુરા કે, કૌન-સા ફૂલ ચુરા કે રખ દું, મન મેં સજા કે…' કેવી સરસ કલ્પના છે. ફૂલોનાં સ્મિતની વાત છે. સતત મરકતા કયા ફૂલને ચોરીછૂપીથી લઇને મનના ઉદ્યાનમાં સજાવવાની વાત છે. આ નાજુક સંવેદનને રજૂ કરવા સંગીતકારે રાગ માંઝ ખમાજનો આધાર લીધો છે. કથાની જેમ ગીતની તર્જ સીધી સાદી કહરવા તાલમાં વહ્યે જાય છે.
લતાજીના કંઠે જે ગીત ગવાયું છે એ ટાઇટલ ગીત કહી શકાય. 'યું હી મહકે પ્રીત પિયા કી, મેરે અનુરાગી મન મેં, રજનીગંધા ફૂલ તુમ્હારે મહકે યું હી જીવન મેં…' અહીં નાયિકા સંપૂર્ણપણે નાયકને સમપત છે એવું અંતરામાં સૂચવ્યું છે. અંતરાના શબ્દો છે- 'અધિકાર યે જબ સે સાજન કા હર ધડકન પર માના મૈંને, મૈં જબ સે ઉન કે સાથ બંધી, યે ભેદ તભી જાના મૈંને, કિતના સુખ હૈ બંધન મેં, રજનીગંધા ફૂલ તુમ્હારે મહકે યું હી જીવન મેં…'
આ ગીત આપણા સૌની માનીતી સદા સુહાગિન રાગિણી ભૈરવી પર આધારિત છે. અહીં પણ સાદો કહરવા તાલ વાપર્યો છે. સીધી સાદી કથાની જેમ બંને ગીતો સરળપણે વહ્યે જાય છે. આજે પચાસ વરસ પછી પણ આ બંને ગીતોની તાજગી પરોઢિયાનાં ઝાકળબિંદુ જેવી જ છે. બંને ગીતો એવરગ્રીન ગણાયાં છે.