For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હું મારી જાતને સારી રીતે ઓળખું છું: રાશિ ખન્ના

Updated: Apr 25th, 2024

હું મારી જાતને સારી રીતે ઓળખું છું: રાશિ ખન્ના

- સિદ્ધાર્થ મલ્હોત્રા અને હું બંને અંતર્મુખી છીએ 

- 'મારો આત્મવિશ્વાસ જબરદસ્ત છે અને તે  મારી તાકાત છે. કોઇ મને નીચું જોવડાવી શકે તેમ નથી. કોઈ એમ જ મારી ટીકા કરી ન શકે. હું ખૂબ મહેનત કરૃં છું અને મને મારી જાત પર પૂરો ભરોસો છે... '

લોકપ્રિય વેબ સિરિઝ 'ફર્ઝી'માં રાશિ ખન્નાએ શાહિદ કપૂર સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બ્લેક કોમેડી ક્રાઇમ થ્રીલરનું નિર્માણ અને નિર્દેશન રાજ અને ડીકેએ કર્યું હતું. એક નિરાશ કળાકાર કંટાળીને કેવી રીતે નકલી નોટ છાપવાના રવાડે ચડે છે તેની કથા આ આઠ હપ્તાની સિરિઝમાં રજૂ કરાઇ હતી. ભારે લોકપ્રિય બનેલી આ સિરિઝમાં  તમિલ ફિલ્મોની હિરોઇન રાશિ ખન્ના પણ લોકોની નજરે ચડી ગઇ હતી. હજી લોકો આ સિરિઝના બીજા ભાગની રાહ જોઇ રહ્યા છે, પણ રાશિના જણાવ્યા અનુસાર વેબ સિરિઝ 'ફર્ઝી-ટુ'નું શુટિંગ ૨૦૨૫માં શરૂ થશે. રાશિના જણાવ્યા અનુસાર હાલ રાજ અને ડીકે પાસે ઘણાં પ્રોજેક્ટ્સ છે. જેમાં 'ધ ફેમિલી મેન' અને 'સિટાડેલ'નો સમાવેશ થાય છે. આ બંને પ્રોજેક્ટ પુરા થાય તે પછી તેઓ 'ફર્ઝી-ટુ'નું કામ હાથ પર  લેશે. શાહિદ અને વિજય સેતુપતિ સાથે કામ કરવાના અનુભવ વિશે રાશિએ જણાવ્યું હતું કે તેઓની ખૂબી એ છે કે તેઓ જેવા છે તેવા જ રહે છે. તેઓ કોઇ પ્રકારનો દેખાડો કરતાં નથી. શાહિદ કપૂર તો એક બહુમુખી પ્રતિભા છે.

તાજેતરમાં રાશિની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ 'યોદ્ધા' રજૂ થઇ હતી. જેમાં સિદ્ધાર્થ સાથે રાશિની જોડી જામી ગઇ હતી. આ ફિલ્મમાં રાશિ સિદ્ધાર્થની પત્નીની ભૂમિકામાં હતી અને તેમની બંને વચ્ચે સારી કેમિસ્ટ્રી રચાઇ હતી. ફિલ્મના પ્રચાર દરમ્યાન પણ તેઓ એકમેકની નજીક હોવાનું જણાયું હતું. રાશિએ સિદ્ધાર્થ સાથેના તેના સંબંધો વિશે ફોડ પાડતાં જણાવ્યું હતું કે સિદ્ધાર્થ અને હું અમે બંને ઇન્ટ્રોવર્ટ છીએ. એવું નહોતું કે અમે સેટ પર સતત વાતો કરતાં હતાં અને પાક્કા દોસ્ત બની ગયાં હતાં. શૂટિંગ માટે અમે પહેલીવાર મળ્યા તે સાથે જ એક પ્રકારનો સંબંધ સ્થપાઇ ગયો હતો. હું જ્યારે તેને પહેલીવાર મળી ત્યારે મને લાગ્યુ કે તે મારી જેમ જ ઇન્ટ્રોવર્ટ એટલે કે અંતરમુખી સ્વભાવ ધરાવે છે. તેને પણ હું તેના જેવી લાગી હતી. સિદ્ધાર્થે મને પૂછ્યું હતું કે તું  દિલ્હીની  છે? અને પછી અમારી વચ્ચે  દિલ્હી  વિશે અનેક પ્રકારની વાતો થઇ અને આમ અમારી  બંને વચ્ચે દિલ્હી કનેક્શન સ્થપાઇ ગયું હતું.  આમ, અમે  બંને ઇન્ટ્રોવર્ટ્સની જોડી જામી ગઇ હતી પણ અમે કદી અમારા સંબંધોની સીમા ઓળંગવાનો પ્રયાસ કર્યો નથી. 

સિદ્ધાર્થ સાથે તેની જોડી હીટ થવાનું કારણ સમજાવતાં રાશિએ જણાવ્યુંં હતું કે અમે બંને અમારી કળાને સારી રીતે સમજીએ છીએ. તેન ખ્યાલ હતો કે એક પ્રેમ કહાણીમાં તેની પાસે શું અપેક્ષાઓ રાખવામાં આવી છે. રાશિએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ સાથે મારી જોડી જામશે તેનો મને અંદાજ હતો પણ દર્શકોને અમારી જોડી આટલી બધી ગમી જશે તેની મને ખબર  નહોતી. 

તાજેતરમાં રાશિ ખન્નાએ તેની એક ઓર ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મનું શૂટિંગ પુરું થયું હોવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તે વિક્રાન્ત મેસ્સી સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલે કર્યું  છે. રાશિએ  જણાવ્યું હતું કે અમે કેટલાંક સત્યોને સમયસીમામાં રહીને સારી રીતે રજૂ કર્યા છે. આ કહાનીઓની તાકાત એવા અવાજો છે જેને સાંભળવાની જરૂર છે. સિનેમાગૃહોમાં રજૂ  થનારી આ ફિલ્મ જોવા માટે  લોકો ખૂબ આતુર હોય તે સમજી શકાય તેવી વાત  છે. પણ રાશિને તો આ ફિલ્મની શાનદાર ટીમ સાથે કામ કરવા મળ્યું તેનો લ્હાવો જેવો તેવો નથી. પોતાની ખાસિયતની વાત કરતાં રાશિ કહે છે મારો આત્મવિશ્વાસ જબરદસ્ત છે  અને  તે  મારી તાકાત છે. કોઇ મને તેની વાતોને  આધારે નીચું જોવડાવી શકે તેમ નથી. કોઈ એમ જ મારી ટીકા કરી શકે નહીં. હું મારી જાતને સારી રીતે ઓળખું છું અને તે મારો પ્લસ પોઇન્ટ છે. હું ખૂબ મહેનત કરૃં છું અને મને મારી જાત પર પુરો ભરોસો છે.  

Gujarat