Chitralok

ઘનઘોર જંગલમાં હર્ષવર્ધન રાણે નક્શા સામે નજર કરતો નથી

By GS Team
15 Oct 20263 mins read
ઘનઘોર જંગલમાં હર્ષવર્ધન રાણે નક્શા સામે નજર કરતો નથી
  • હર્ષવર્ધનનો જન્મ અને ઉછેર આન્ધ્ર પ્રદેશમાં થયો છે. રાણે પોતાની માતૃભાષા મરાઠી જેટલી જ ફ્લુઅન્ટલી તેલુગુ બોલી શકે છે.

હેન્ડસમ એક્ટર હર્ષવર્ધન રાણેના કરીઅર સાથે પહેલેથી આશ્ચર્ય અને અનિશ્ચિતા જોડાયેલી રહી છે. ખાસ કરીને એને સફળતા એક સરપ્રાઈઝ (આશ્ચર્ય)રૂપે જ મળી છે. દાખલા તરીકે રાણેએ ૨૦૧૬માં બોલીવુડમાં 'સનમ તેરી કસમ' ફિલ્મથી ડેબ્યુ કર્યું. એ વખતે ફિલ્મ બોક્સ-ઓફિસ પર કાંઈ ઉકાળી નહોતી શકી. એ જ મૂવી ૨૦૨૫માં થિયેટરોમાં ફરીથી રિલીઝ કરાઈ અને કમાલ થી ગઈ. રી-રિલિઝમાં સનમ તેરી કસમ ચાલી નીકળી અને હર્ષ વર્ધન ફરી લાઈમલાઈટમાં આવી ગયો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા સુખદ આશ્ચર્યો ભાગ્યે જ બનતા હોય છે. બીજો દાખલો હમણાંનો જ છે. ૨૦૨૫માં રાણેને એક માથાભારે પોલિટિશયનના રોલમાં ચમકાવતી અનોખી રોમાંટિક ફિલ્મ 'એક દીવાને કી દિવાનિયત' સિનેમા ઘરોમાં રિલીઝ થઈ. મિલાપ ઝવેરી દિગ્દર્શિત ફિલ્મની ઝાઝી નોંધ પણ નહોતી લેવાઈ પરંતુ યુવા દર્શકોને એ ગમી ગઈ અને ફિલ્મ માઉથ પબ્લિસિટીથી હિટ થઈ ગઈ.
હર્ષ વર્ધનનો બોલીવુડમાં કોઈ ગોડફાધર નથી. એણે પોતાના દમ પર કરીઅર બનાવ્યું છે. એટલે સ્વાભાવિક છે કે એક્ટરે મુશ્કેલ તબક્કાનો સામનો કર્યો હોય. હમણાં એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં રાણેને પૂછાયું, 'સર, તમને ડિફિકલ્ટ ફેઝ દરમ્યાન ક્યારેય ઈન્ડસ્ટ્રી છોડી દેવાનો વિચાર આવ્યો હતો ખરો?' એનો હોઠ ભીડીને જવાબ આપતા ૪૩ વરસનો એક્ટર કહે છે, 'હું માનું છું કે મારામાં જન્મથી જ ખંત અને ધીરજના ગુણવિશેષ છે. જ્યારે સંજોગોએ મને બોલ્ડ અને સ્ટ્રોંગ બનાવ્યો. મારી એક બેસિક ફિલ્મસુફી રહી છે કે આ જગતમાં તમને કાંઈ તાસક પર ધરેલું નથી મળતું, તમારે તમારો માર્ગ બનાવવો પડે છે. તમને એક રૂપક આપીને સમજાવું. તમે કોઈ ઘનઘોર જંગલમાં પ્રવેશો ત્યારે નકશાની અપેક્ષા ન રાખી શકો. જંગલનો નકશો તમારી પાસે ન હોવાની ફરિયાદ કરવી નિરર્થક છે. મૂળમાં જંગલ એવી જગ્યા છે જ્યાં ક્યારે શું બનશે એ કોઈ જાણતું નથી. હવે તમારા મૂળ સવાલ પર આવીએ વાત એમ છે કે પ્રયાસ પડતો મુકવો એક લક્ઝરી છે જે મને પોસાય તેમ નથી. એ પ્રિવીલેઝ્ડ લોકોની તરંગ છે. સદ્ભાગ્યે, હું પ્રિવીલેજ્ડ ક્લાસનો નથી.'
'હસીન દિલરુબા', 'ડાંગ' અને 'સાવી' જેવી ફિલ્મોમાં પોતાની ટેલેન્ટનો પરચો બતાવી ચુકેલો હર્ષવર્ધન હવે રામ ગોપાલ વર્મા (આરજીવી)ની ફિલ્મમાં એક ધમાકેદાર રોલમાં આવી રહ્યો છે. વર્માની મૂવી 'પોલીસ કંપની'માં એને મુંબઈના એન્કાઉન્ટર સ્પેસ્યાલિસ્ટ પોલીસ ઓફિસર દયા નાયક જેવું પાત્ર ભજવવાની જવાબદારી સોંપાઈ છે. રાણેને વરસોથી ઓળખતા લોકોએ પણ કદી એવી કલ્પના નહોતી કરી કે એને આવા રોલમાં કાંસ્ટ કરાશે. પરંતુ તેલુગુ ફિલ્મોમાં ડેબ્યુ કર્યા બાદ બોલીવુડમાં પ્રવેશેલો એક્ટર એને બીબાઢાળ એક્ટિંગમાંથી બહાર આવવા મળેલી એક સોનેરી તક માને છે. 'અમે એક્ટરો સહેલાઈથી સ્ટીરિયોટાઈપ (રૂઢિબદ્ધ)બની જઈએ છીએ. હું પડદા પર રોમાંસ, કોમેડી અને બીજુ ઘણું કરી શકું છું. હવે મને દયા નાયક બનાવવાની તક મળ છે. કોઈએ વિચાર્યું નહિ હોય કે હું રામ ગોપાલ વર્માની ફિલ્મમાં આવું પાત્ર ભજવીશ,' એવું અભિનેતા સમાપનમાં કહે છે.
બહુ ઓછા લોકો જાણે છે કે હર્ષવર્ધનનો જન્મ અને ઉછેર આન્ધ્ર પ્રદેશમાં થયો છે. રાણે પોતાની માતૃભાષા મરાઠી જેટલી જ ફ્લુઅન્ટલી તેલુગુ બોલી શકે છે. એ ઉપરાંત એક્ટરનો હિન્દી અને અંગ્રેજી ઉપર પણ સારો કાબુ છે.