For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Cine Guide .

Updated: Apr 25th, 2024

Cine Guide                                                 .

* કોમેડિયન મહેમુદ કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે અને કેટલી ફિલ્મો તેમણે બનાવી છે? તેમની કારકિર્દી કેટલી લાંબી હતી?

- અશરફ ખાન (ભરૂચ)

* કોમેડિયન મહેમુદે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.  તેમની પ્રથમ ફિલ્મ 'કિસ્મત'( ૧૯૪૩) હતી, જેમાં તેમણે બાળ અશોકકુમારની ભૂમિકા ભજવી હતી. તેમની કારકિર્દી ૪૦ વર્ષથી પણ વધુ લાંબી હતી. તેમણે ૧૯૬૩માં 'છોટે નવાબ' ફિલ્મ દિગ્દર્શિત કરી હતી. ૧૯૬૫માં 'ભૂતબંગલા', ૧૯૬૮માં 'પડોશન'  અને ૧૯૭૪માં 'કુંવારા બાપ' જેવી ફિલ્મ નિર્મિત અને દિગ્દર્શિત કરી હતી. ૨૩ જુલાઈ ૨૦૦૪માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં તેમનું નિધન થયું હતું ત્યારે તેમની ઉંમર ૭૧ વર્ષની હતી.

* 'પંછી બનુ ઉડતી ફિરુ...' આ ગીત કઈ ફિલ્મનું છે?

- રચના પાઠક (વડોદરા)

* આ ગીત ૧૯૫૬માં આવેલી રોમેન્ટિક કૉમેડી ફિલ્મ 'ચોરી ચોરી'નું છે, જેમાં રાજ કપૂર, નરગિસ મુખ્ય ભૂમિકામાં હતા. તેમની સાથે પ્રાણ જ્હોની વોકર, ડેવિડ, મુકરી, ભગવાનદાદા જેવા કલાકારો હતા. અમેરિકન ફિલ્મ 'ઈટ્સ હેપ્પન્ડ વન નાઈટ' (૧૯૩૪) પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. નરગીસ અને રાજ કપૂરની આ છેલ્લી ફિલ્મ હતી. જો કે ૧૯૫૬માં બનેલી 'જાગતે રહો' ફિલ્મમાં નરગીસે કેમિયો કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન અનંત ઠાકુરે કર્યું હતું અને સંગીત શંકર-જયકિશનનું હતું. આ ગીત લતા મંગેશકરે ગાયું હતું. આ ગીતની સિકવન્સ ટેક્નિકલરમાં શૂટ કરવામાં આવી હતી. બાદમાં તેને ફરીથી સંપૂર્ણ રીતે કલરમાં બનાવવામાં આવી હતી.

* 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ' ફિલ્મ કઈ સાલમાં બનાવવામાં આવી હતી? તેના કલાકાર કોણ કોણ હતા?

- પ્રદીપ પંડયા (સુરત)

* રાજ કપૂર દ્વારા નિર્મિત અને રઘુ કર્માકર દિગ્દર્શિત આ ફિલ્મ ૧૯૬૦માં રિલિઝ થઈ હતી, જેમાં રાજ કપૂર સાથે પદમિની અને પ્રાણ મુખ્ય ભૂમિકામાં હતા. રઘુ કર્માકરની દિગ્દર્શક તરીકેની આ પ્રથમ ફિલ્મ હતી. જો કે આ પહેલા તેમણે રાજ કપૂરની ઘણી ફિલ્મોના સિનેમેટોગ્રાફર રહ્યા હતા. સંગીત શંકર-જયકિશન અને ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરી હતા. ૧૬૭ મિનિટની ફિલ્મમાં તે વેળા રૃા. બે કરોડની કમાણી કરી હતી અને હીટ સાબિત થઈ હતી. 'ઓ બસંતી પવન પાયલ...', 'આ અબ લૌટ ચલે...' અને 'હોઠો પે સચ્ચાઈ રહતી હૈ...' જેવા ગીતો હીટ રહ્યા હતા.

* રાજ કપૂરની 'બરસાત' ફિલ્મમાં હીરોઈન કોણ હતી? અને તે કઈ સાલમાં આવી હતી?

- રતિ ચાવડા (ખેડા)

* 'બરસાત' ફિલ્મ ૧૯૪૯માં રિલિઝ થઈ હતી. જેમાં હીરોઈન નરગીસ હતી. તેમની સાથે પ્રેમ નાથ, નિમ્મી, કે. એન. સિંઘ, કોયલ અને બી. એમ. શાહ જેવા કલાકારો હતા.

* 'ગૈર' ફિલ્મનું દિગ્દર્શન કોણે કર્યું હતું? આ ફિલ્મે કેટલી કમાણી કરી?

- રવિના ટંડેલ (સુરત)

* અજય દેવગન, રવિના ટંડન, રીના રોય, અમરીશ પુરી અને પરેશ રાવલનું આ ફિલ્મનું દિગ્દર્શન અશોક ગાયકવાડે કર્યું હતું. ૧૯૯૯માં આવેલી આ ફિલ્મ રૃા.૩.૫૦ કરોડમાં બની હતી અને ટિકિટબારી પર રૃા.૫.૮૧ કરોડનો બિઝનેશ કર્યો હતો.

* 'બોમ્બે કા ચોર'માં કયા કલાકારો હતા અને આ ફિલ્મ કોણે બનાવી હતી? 

-એક બહેન (મુંબઈ)

* આ ફિલ્મમાં કિશોરકુમાર, માલા સિંહા, અમર, એન. કે. મિશ્રા, એસ. કે. પ્રેમ, હની ઈરાની, હીરાલાલ, હેલન જેવા કલાકારો હતા. ૧૯૬૨માં આવેલી આ ફિલ્મ એસ. ડી. નારંગ નિર્મિત અને દિગ્દર્શિત હતી.

* 'યે જીવન હૈ, ઈસી જીવન કા...' આ કઈ ફિલ્મનું ગીત છે?

- રવિ પટેલ (મહેસાણા)

* બાસુ ચેટરજીની ફિલ્મ 'પિયા કા ઘર'નું આ ગીત છે.

  * નિરૂપા રોયના જન્મ અને મૃત્યુ ક્યાં અને ક્યારે થયા? તેમણે માતાની ભૂમિકા કેટલી ફિલ્મોમાં ભજવી?

- રાધિકા વ્યાસ (અમદાવાદ)

* નિરૂપા રોયનો જન્મ ચાર જાન્યુઆરી ૧૯૩૧માં ગુજરાતના વલસાડ (ભદેલી)માં થયો હતો અને નિધન ૧૩ ઓક્ટોબર, ૨૦૦૪માં મુંબઈમાં થયું હતું. તેમણે ૨૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરી કારકિર્દીમાં ત્રણવાર ફિલ્મફેર એવોર્ડ્સ મેળવ્યા છે. તેમણે ગુજરાતી ફિલ્મ 'રાણકદેવી' થી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી. આ પછી 'અમર રાજ' ફિલ્મ થકી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી. ૧૯૫૩માં 'દો બીઘાં જમીન' ફિલ્મથી તેમણે લોકપ્રિયતા મેળવી. ૧૯૭૦થી તેમણે અમિતાભ બચ્ચન અને શશી કપૂરની માતાની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું અને ઘણી ફિલ્મોમાં કામ કરી 'માતા' તરીકેનો દરજ્જો હાંસલ કર્યો. 'દીવાર'માં તે અમિતાભ-શશીની માતા બન્યા હતા.

* જિતેન્દ્રની ફિલ્મ 'ફર્ઝ' કઈ સાલમાં રિલિઝ થઈ હતી, તેમાં હીરોઈન કોણ હતી?

- આકાશ શાહ (અમદાવાદ)

* 'ફર્ઝ' ફિલ્મ ૧૯૬૭માં રિલિઝ થઈ હતી અને તેમાં હીરોઈન બબિતા હતી. 

Gujarat