Chitralok

ફાતિમા સના શેખના પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા પર ચાબખાં

By GS Team
8 Oct 20263 mins read
ફાતિમા સના શેખના પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા પર ચાબખાં
  • 'પુરુષોનું આધિપત્ય ઘેરાવતા સમાજમાં આજે પણ સ્ત્રીઓએ ભેદભાવ સહન કરવાનો આવે છે. સ્ત્રીઓએ ગમે તેટલી સિદ્ધિઓ હાંસલ કરી હોય પણ એમણે અવારનવાર પોતાની પ્રતિભા પુરવાર કરવી પડે છે.'

બોલીવુડમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરીઅર શરૂ કરનાર બહુ જુજ કલાકારો વયસ્ક થયા બાદ એક્ટર તરીકે સફળ થયા છે. 'માસુમ' ફેમ જુગલ હંસરાજ જેવા ઘણાં એકાદ- બે ફિલ્મો કર્યા બાદ ઇન્ડસ્ટ્રીમાંથી ફેંકાઇ જાય છે. ફાતિમા સના શેખ એમાં એક સુખદ અફવાદ છે. 'ચાચી ૪૨૦' અને 'વન ટુ કા ફોર'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ચમકેલી ફાતિમા આજે હિન્દી સિનેમાની જાણીતી હિરોઇન બની ગઇ છે. એ માત્ર એક્ટર તરીકે નહિ, વ્યક્તિ તરીકે પણ મેચ્યોર (પુખ્ત) ગણાય છે. હમણાં મિસ શેખે પોતાની આગામી વેબ સિરીઝ 'હુંકાર: ધ રોઅર'ની ટેલર લોન્ટ ઇવેન્ટમાં એની એક ઝલક દેખાડી.
મુંબઇમાં યોજાયેલી ઇવેન્ટમાં પેટ્રિઆર્કિ (પિતૃપ્રધાન સમાજ) જેવો સંવેદનશીલ વિષય છેડતા ફાતિમાએ કહ્યું કે પુરુષોનું આધિપત્ય ઘેરાવતા સમાજમાં આજે પણ સ્ત્રીઓએ ભેદભાવ સહન કરવાનો આવે છે. સ્ત્રીઓએ ગમે તેટલી સિદ્ધિઓ કે પોજિશન હાંસલ કરી હોય પણ એમણે અવારનવાર પોતાનો પ્રતિભા પુરવાર કરવી પડે છે. 'કમનસીબે આ જ મહીલાઓ તરીકે અમારા માટે એક હકીકત છે. અમે દર વખતે બે પગલાં પાછળ ભરીને જ શરૂઆત કરીએ છીએ. તમારી પોજિશન ગમે તે હોય અને તમે કોઇપણ વર્ગમાંથી આવતા હોય, એનાથી કોઇ ફરક નથી પડતો, એટલા માટે કે સમાજમાં જ માહોલ પ્રવર્તે છે' એમ પુરુષ પ્રધાન સમાજ પર ચાબખા વીંઝતા અભિનેત્રી કહે છે. પોતાના દ્દઢ મતનો વિસ્તાર કરતા ફાતિમા વધુમાં કહે છે કે સમસ્યા એ નથી કે સ્ત્રીઓમાં ઇન્ટેલીજંસ (બુદ્ધિ પ્રતિભા) ની ઉણપ છે અથવા તો તેઓ પોતાને શું જોઇએ છે એ જાણતી નથી. સત્ય એ છે કે સમાજનો ઢાંચો જ આ રીતનો બની ગયો છે. 'અમે લાયક નથી એવું નથી. અમારો ઉદ્દેશ શું છે એ અમે જાણતા નથી એવુંય નથી, અમો ઇન્ટેલીજન્ટ છીએ, પરંતુ સમાજ એવી રૂઢિઓમાં બંધાયેલો છે કે એ તમને તક નથી આપતો એ તમને કહે છે કે એક મિનિટ થોભી જાવ, પહેલા તમારી જાતને પુરવાર કરો.'
આમિર ખાનની સુપરડુપર હિટ ફિલ્મ 'દંગલ'નાં મહીલા રેસલર ગીતા ફોગાટનો રોલ કરનાર એક્ટ્રેસ ઉક્ત વિષયમાં એક મહત્વની સ્પષ્ટતા આપતા કહે છે કે પેટ્રિઆર્કિ (પૈતૃક સમાજ વ્યવસ્થા) માટે એકલા પુરુષોને દોષ ન આપી શકાય એ માટે મહીલાઓ પણ દોષી છે કારણ કે એમણે આ બધુ સ્વીકારીને આત્મસાત કરી લીધું છે. 'અમે બધા આ જ પરિવેશમાં જન્મ્યા છીએ અને અમારે જાતે જ એની સામે લડવાનું છે. સમાજમાં આ વિચારસરણી ઊંડે સુધી ઘર કરી ગઇ છે.' પોતાના અંગત અનુભવો શેરય કરતા શેખ કહે છે, 'હું એની ઘણી મિટીંગ્સમાં ગઇ છું જેમાં નારી કેન્દ્રી પ્રોજેક્ટસ વિશે ચર્ચા થવાની હોય. સ્ત્રીઓના સશક્તિકરણ પર ફોકસ રહેવાનું હોય નવાઇની વાત એ છે કે એવી મિટિંગમાં આખા રૂમમાં હું એકલી જ સ્ત્રી હોવ. મૂવીનો વિષય સીધો મહીલાઓના અનુભવોને લગતો હોય તો પણ સ્ત્રીઓના દ્રષ્ટિકોણની સદંતર ઉપેક્ષા થાય છે અથવા પુરુષો એમને એ સબ્જેક્ટની સમજ આપે છે.'
જિયો હોટસ્ટાર પરથી પ્રસારિત થનારા વેબ શો હુંકારમાં ફાતિમાસના શેખ ઉપરાંત અનીત પડી, રઘુવીર યાદવ, ઝોયા હુસૈન અને ઝીશાને અય્યુબ પણ મહત્વની ભૂમિકામાં છે.