ઈમરાન હાશ્મીની ફોર્મ્યુલા હજુય અસરદાર

- ઈમરાન હાશ્મીની સમગ્ર કારકિર્દી જટિલ પાત્રો અને રોમેન્ટિક તીવ્રતા પર ઊભી છે. 'બેડ્સ ઓફ બોલિવુડ' વેબ શોનો પેલો ડાયલોગ તો ખૂબ પોપ્યુલર થયો હતો: 'પૂરા બોલિવુડ એક તરફ… ઈમરાન હાશ્મી એક તરફ!'
સંગીત, રોમાન્સ, એક્શન અને ઈમરાન હાશ્મીનું કોમ્બિનેશન જોરદાર છે. નિતિન ઠક્કર દ્વારા નિમત તેમજ ઈમરાન હાશ્મી અને દિશા પટણી અભિનીત ફિલ્મ 'આવારાપન-ટુ'ની સફળતાએ આ વાત ફરી પુરવાર કરી દીધી છે. આ ફિલ્મે સુપર હિટ સંગીત, જોરદાર એક્શન અને લાંબા સમયથી ઈમરાન હાશ્મીની ઓળખ બની ગયેલા ગંભીર મુખ્ય પાત્રનું સંયોજન કરીને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યો હતો.
ઈમરાન હાશ્મીની હવે પછીની ફિલ્મો છે, 'ગનમાસ્ટર જીનાઇન'. આદિત્ય દત્તે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં જેનિલિયા ડિસૂઝા અને અપારશક્તિ ખુરાના પણ છે. આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે. 'જીટુ' યા તો 'ગુડાચારી-ટુ' નામની સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં પણ ઈમરાનનો રસપ્રદ રોલ છે. તેના ડિરેક્ટર છે, વિનયકુમાર સિરીગીનીદી. હિરોઈનો છે, અદિવી શેષ અને બનિતા સંધુ. આવતા વર્ષે રિલીઝ થનારી ઔર એક ફિલ્મનું ટાઇટલ છે, 'રુહ'. ટાઇટલ પરથી જ સ્પષ્ટ થાય છે કે આ એક હોરર - સુપરનેચરલ ફિલ્મ છે. આ સિવાય 'જન્નત-થ્રી' નામની ફિલ્મમાં પણ ઈમરાન દેખાય તેવી શક્યતા છે.
ફરી 'આવારાપન-ટુ' પર આવીએ તો, મોહિત સુરી દ્વારા દિગ્દશત અને ૨૦૦૭માં રજૂ થયેલી મૂળ ફિલ્મ 'આવારાપન'ને તે સમયે બોક્સ ઓફિસ પર મધ્યમ સફળતા જ મળી હતી અને વિશ્વવ્યાપી સ્તરે માત્ર બાર કરોડ રૂપિયાની કમાણી થઈ શકી હતી. વરસો વીતતાં આ ફિલ્મે ટીવી, ઓટીટી અને સૌથી વિશેષ તો સાઉન્ડટ્રેક દ્વારા એક કલ્ટ ફેન ફોલોઇંગ ઊભું કર્યું. 'તો ફિર આઓ' અને 'તેરા મેરા રિશ્તા' જેવાં ગીતો ખૂબ પોપ્યુલર બન્યાં.
લગભગ બે દાયકા પછી ઇમરાનને આ ફ્રેન્ચાઇઝી થકી સાવ અલગ જ પ્રકારના વ્યાપક આવકારનો અનુભવ થઈ રહ્યો છે. ફિલ્મ સર્જકો આ વર્તમાન સફળતાને એક વ્યાપક સંદર્ભમાં જોઈ રહ્યા છે. તેમના મતે સંગીત વત્તા એક્શનનું આ મિશ્રણ કોઈ આજકાલની સોશિયલ મીડિયા આધારિત ક્ષણિક ઘટના નથી. તેઓ ૧૯૯૭માં સની દેઓલ અને રવિના ટંડન અભિનીત ફિલ્મ 'જિદ્દી'નો દાખલો આપે છે, જેમાં દિલીપ સેન અને સમીર સેન દ્વારા સ્વરબદ્ધ થયેલાં 'હમ તુમસે ના કુછ કહ પાયે', 'કાલે કાલે બાલ' અને 'મેરા દિલ લે ગઈ' જેવાં ચાર્ટબસ્ટર ગીતોએ ફિલ્મના એક્શન તત્વોને બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટેકો પૂરો પાડયો હતો.
ઈમરાન હાશ્મીની સમગ્ર કારકિર્દી જટિલ પાત્રો, રોમેન્ટિક તીવ્રતા અને રહસ્યમય સંયમિત પૌરુષત્વ પર ઊભી છે. 'બેડ્સ ઓફ બોલિવુડ' વેબ શોનો પેલો ડાયલોગ તો જબરદસ્ત પોપ્યુલર થઈ ગયો છે: 'પૂરા બોલિવુડ એક તરફ… ઈમરાન હાશ્મી એક તરફ!' એક તરફ આહાન શેટ્ટી અને હર્ષવર્ધન રાણે જેવા નવા યુવા કલાકારો રોમેન્ટિક એક્શનના અલગ અલગ પ્રયોગો કરી રહ્યા છે, ત્યારે ઈમરાન હાશ્મીએ આ જ જોનરના બે દાયકા જૂના કોન્ટેન્ટને પરિપક્વતા સાથે ફરી જીવંત કર્યું છે. તે માત્ર જૂની ફોર્મ્યુલા પાછી નથી લાવ્યો, પણ દર્શકો એની જે સ્ક્રીન ઇમેજને રોમાન્સ, સંગીત અને ઊંડાણ સાથે સાંકળતા આવ્યા છે તેને જ તેણે ફરી રજૂ કરી છે. એક સમયે જેને ગંભીરતાથી લેવામાં નહોતો આવતો એવો ઈમરાન હાશ્મી આજે આટલાં વર્ષો પછી પણ રિલેવન્ટ રહી શક્યો છે એ જ એની સૌથી મોટી સફળતા છે.




