For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજેશ પિતા રોશન કરતાં સવાયા નીવડયા ખરા?

Updated: Apr 25th, 2024

રાજેશ પિતા રોશન કરતાં સવાયા નીવડયા ખરા?

- રાજેશ રોશન

- 1980ના દાયકામાં રાજેશની તર્જોમાં પુનરાવર્તન દેખાવા માંડયું. યોગાનુયોગે ફિલ્મોમાં પ્રણયનું ચિત્રણ પણ ઉઘાડું થવા માંડયું. એની અસર ગીત-સંગીત પર પણ પડવા લાગી. જેમ કે, 'આઓ મનાએં જશ્ને મુહબ્બત, જામ ઊઠાયેં જામ કે બાદ, શામ સે પહલે કૌન યે સોચે ક્યા હોના હૈ શામ કે બાદ...' 

બો લિવુડના હુલામણા નામે જાણીતા હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક બહુ મોટી મર્યાદા છે. કોઇ એક કથાનક, કોઇ એક પાત્ર, કોઇ એક ગીત અને કોઇ એક ગીતની તર્જ હિટ નીવડે એટલે અન્ય ફિલ્મ સર્જકો એની પાછળ પડી જાય. સંગીતકાર ઓ. પી. નય્યરે આ લેખકને કહેલું કે ફિલ્મ સર્જકોેને સમજાવવા ખાસ્સી લમણાફોડ કરવી પડતી. એમને ગળે ઊતારવું પડતું કે તમારું કથાનક અલગ છે, તમારા હીરોની ઇમેજ અલગ છે, તમે જે પ્રસંગે ગીત લેવા માગો છો એ અલગ છે, લોકેશન અલગ છે તો પછી ફલાણી ફિલ્મના ગીત જેવું કંઇક આપો એવી જિદ કેમ કરો છો?

ડિટ્ટો. ૧૯૭૦ના દાયકાની આખરમાં રાજેશ રોશને પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડયો. સારો એવો સંઘર્ષ કર્યા પછી મળતી સફળતા સૌને મીઠી લાગે છે, પરંતુ એ સફળતાનું સાતત્ય ન રહે તો શો ફાયદો? એક પછી એક ફિલ્મ સર્જક રાજેશને સાઇન કરવા માંડયા તેથી રાજેશને સારું લાગ્યું, પણ ક્ષમતા કરતાં કામ વધી જાય ત્યારે માણસ મૂંઝાઇ જાય. સંગીત જેવી લલિત કલા કંઇ યંત્ર નથી કે તમે એક પછી એક તર્જ બનાવતા રહો. ગયા શુક્રવારે કહેલું એમ માહોલમાં નિરાંતનું નામ નહોતું. ધડાધડ ફિલ્મો બનતી હતી. તમને યાદ હોય તો એક તબક્કે, ઘણું કરીને ૮૨-૮૩ની આસપાસ આર. ડી. બર્મનની એક સાથે બાવીસ ત્રેવીસ ફિલ્મોનું સંગીત નિષ્ફળ નીવડયું હતું. આટલી લાંબી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એટલું કે રાજેશ શી રીતે ટાઇપ્ડ કે મોનોટોનસ થઇ ગયા એ સમજી શકાય. સામા પૂરે તરવા જેવી સ્થિતિમાં રાજેશે ઘણી ધીરજ રાખી, ઘણી મહેનત કરી. 

છતાં, ૧૯૮૦ના દાયકામાં રાજેશની તર્જોમાં પુનરાવર્તન દેખાવા માંડયું. યોગાનુયોગે ફિલ્મોમાં પ્રણયનું ચિત્રણ પણ ઉઘાડું થવા માંડયું. એની અસર ગીત-સંગીત પર પણ પડવા લાગી. જેમ કે, 'આઓ મનાએં જશ્ને મુહબ્બત, જામ ઊઠાયેં જામ કે બાદ, શામ સે પહલે કૌન યે સોચે ક્યા હોના હૈ શામ કે બાદ...' પ્રેમ કે અનુરાગની જે પારંપરિક ભાવના હતી એ લુપ્ત થવા લાગી હતી અને મુક્ત સહચારની ભાવના ગીતોમાં પણ વ્યક્ત થવા માંડી  હતી. 'ક્યા મૌસમ હૈ... અય દિવાને દિલ, ચલ કહીં દૂર નીકલ જાયેં...' જેવાં ગીતો યુવા દર્શકોને આકર્ષી રહ્યાં હતાં.

સ્પર્ધામાં ટકી રહેવા રાજેશે વચ્ચે વચ્ચે અન્ય સંગીતકારોની શૈલીમાં પણ તર્જો આપી. જેમ કે દેવ આનંદને ચમકાવતી 'મનપસંદ' ફિલ્મનું 'લોગોં કા દિલ અગર જીતના હૈ...' એસ.ડી. બર્મનની શૈલીની તર્જ હતી, તો ફિલ્મ 'મક્કાર'નું 'પિયા રંગ તેરે રંગ લી ચુનરિયા...' શંકર-જયકિસનની શૈલીની તર્જ હતી. આવા બીજા પણ કેટલાક દાખલા લઇ શકાય. રાજેશની પોતાની ભાવના ભલે ઊંચી હોય, સંજોગો સામા પૂરે તરવા જેવા હતા. અન્ય સંગીતકારોનું જોઇને કે પછી કામના ભારણને પહોંચી વળવા જાણે અજાણે રાજેશ વિદેશી તર્જોના સ્વરો આઘાપાછા કરીને વાપરવા તરફ ફંટાઇ ગયા. ક્યારેક વીકીપીડિયા પર તમે નિરાંતે જોશો તો રાજેશે કઇ વિદેશી તર્જ પરથી કઇ હિન્દી ફિલ્મનું કયું ગીત રચ્યું એ તમે જોઇ શકશો. અલબત્ત, આવું રાજેશ રોશનના સમકાલીન અન્ય યુવાન સંગીતકારો સાથે પણ બન્યું છે. એકવાર તો 'કમ સપ્ટેંબર'ના જગવિખ્યાત ગીતની તર્જ બે યુવાન સંગીતકારોએ એઝ ઇટ ઇઝ વાપરી અને પાછા બંનેએ એવો દાવો કરેલો કે આ તો અમારી મૌલિક તર્જ છે!

આવું ક્યારેક થાય તો સહ્ય ગણાય, નિયમિત થાય તો સંગીતકાર પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેસે. એ અર્થમાં જ આરંભે એક પ્રશ્ન પૂછયો હતો કે રાજેશ પિતા રોશન કરતાં સવાયા નીવડયા ખરા? આ લખનારનો અને તમારો અભિપ્રાય જુદો હોઇ શકે. રોશન અકાળે આથમી ગયા, પણ જ્યાં સુધી હતા ત્યાં સુધી તેમનું સંગીત ચોવીસ કેરેટના સોના જેવું હતું એ હકીકત સ્વીકાર્યે છૂટકો. શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને ફિલ્મની જરૂરિયાત મુજબનું સંગીત એમણે સતત એવું આપ્યું કે તર્જ સાંભળતાંવેંત તમે કહી શકો કે આ સંગીત રોશનનું છે. ફિલ્મ સંગીતના અભ્યાસીઓ એકીસૂરે કહે છે કે ૧૯૪૬-૪૭થી રાજેશ ખન્ના યુગ સુધી લગભગ દરેક સંગીતકારનો આગવો અને અલગ સ્ટેમ્પ હતો. રાજેશ ખન્ના યુગના ઉત્તરાર્ધ પછી મેલોડી અને અર્થસભર ગીતો ધીમે ધીમે અલોપ થતાં ચાલ્યા. 'આજા મેરી ગાડી મેં બૈઠ જા...' અને 'ચાય પે બુલાયા હૈ...' જેવાં જોડકણાં વધતાં ચાલ્યાં.  ઋતિક રોશન માટે રાકેશ રોશન ફિલ્મો બનાવતા થયા ત્યારના રાજેશ અગાઉના રાજેશ રહ્યા નહોતા. રાજેશ રોશન વિશે આટલું બસ.  

Gujarat