ડિરેક્ટર અને રોલ બન્ને તગડા હોવા જોઈએ : મૃણાલ ઠાકુર


- મારી પહેલી તેલુગુ ફિલ્મ સફળ રહી, પણ હવે હું દક્ષિણની બીજી ભાષાની ફિલ્મો કરવા માગું છું. મને એક્ટ્રેસ તરીકે સમૃદ્ધ અને સબળ બનાવે એવી અર્થપૂર્ણ ફિલ્મો મારે કરવી છે. હું સતત સારા કોન્ટેન્ટની શોધમાં હોઉં છું.

મૃ ણાલ ઠાકુરનો હરખ ક્યાંય માતો નથી. મૃણાલના તેલુગુ ડેબ્યુ ફિલ્મ 'સીતા રામમ્' હિટ થતાં એનામાં એક નવા પ્રકારના આત્મવિશ્વાસનો સંચાર થયો છે. એને ખાતરી થઈ ગઈ છે કે વધુને વધુ પ્રાદેશિક ફિલ્મો કરવાનો એનો નિર્ણય સાચો છે. ધુળેની આ મરાઠી મુલગીએ હમણાં પોતાનું ફોક્સ સાઉથ પર ભલે કર્યું હોય, પણ હિન્દી ફિલ્મોને તાત્પુરતી બાજુ પર મુકી દેવાનો એનો કોઈ ઈરાદો નથી. 'આજે દરેક એક્ટરે ભાષા અને પ્લેટફોર્મથી આગળ જઈને વિચારવું પડે તેમ છે. તમે પોતાને સીમિત ન રાખી શકો. એવી ભૂલ કરો તો તમારો વિકાસ રુંધાઈ જાય. હું સાઉથની વધુ ફિલ્મો કરવા તો માગું છું, પણ એની સાથોસાથ હિન્દી ફિલ્મો પણ કરતી રહીશ,' મૃણાલ ખુલાસો કરે છે. 

મૃણાલે અભિનય ક્ષેત્રે લાંબી સફર ખેડી છે. ટીવી સિરીયલોથી કરીઅર શરૂ કરનાર મૃણાલે 'કુમકુમભાગ્ય' જેવા શોથી સારી નામના મેળવ્યા પછી મરાઠી ફિલ્મો કરી ને પછી બોલિવુડમાં એન્ટ્રી મારી. 'લવ સોનિયા'થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યા બાદ ધીમે ધીમે એ હૃતિક રોશન સુધ્ધાંની હિરોઈન બની ગઈ ('સુપર થર્ટી'). આજે મૃણાલ બોલિવુડની ટોપ બ્રેકેટમાં આવી ગઈ છે અને ઇન્ડસ્ટ્રીમાં એની ગણના ડિપેન્ડેબલ એક્ટર તરીકે થવા લાગી છે.

'મારું તેલુગુ ડેબ્યુ સફળ રહ્યું, પણ હજુ મારે ઘણું બધુ કરવાનું બાકી છે. હું બીજી ભાષાની ફિલ્મો પણ કરવા ધારું છું. મારી માતૃભાષા મરાઠીમાં પણ એક જબરજસ્ત ફિલ્મ કરવાની મહેચ્છા પણ ખરી,' એમ કહીને મૃણાલ ઉમેરે છે, 'મને સમૃદ્ધ અને સબળ બનાવે એવી અર્થપૂર્ણ ફિલ્મો મારે કરવી છે. ટૂંકમાં, હું સતત સારા કોન્ટેન્ટની શોધમાં હોઉં છું.'

મૃણાલને નજીકથી ઓળખતા સૌ કોઈ જાણે છે કે એની ઇચ્છા દીર્ઘદૃષ્ટા એવા માસ્ટર ડિરેક્ટરો સાથે કામ કરવાની છે. (વેલ, આવી ઇચ્છા કોની નથી હોતી?) મૃણાલ બરાબર જાણે છે કે દક્ષિણ ભારતમાં આવા માસ્ટર ડિરેક્ટરોની કમી નથી એટલે એણે દક્ષિણની બધી જ ભાષાની ફિલ્મો માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે. દક્ષિણનો પ્રોજેક્ટ સ્વીકારતી વખતે એ એવો પણ વિચાર નથી કરવા માગતી કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે કે ઓટીટી પ્લેટફોર્મ પર. એના માટે સૌથી મહત્ત્વની વાત એક જ છે - ડિરેક્ટર કેવો તગડો છે અને પોતાનો રોલ કેવો જાનદાર છે.

છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મો બોક્સઓફિસ પર હિન્દી સિનેમાને પછાડી રહી છે. બોલિવુડના બિગ ડેડીઓની એટલે જ ઊંઘ હરામ થઈ ગઈ. મૃણાલ આ વિશે શું વિચારે છે? એક ઇવેન્ટમાં એને આ સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે મૃણાલે મુત્સદ્દીભર્યો જવાબ આપ્યો હતો કે, 'આ ટેમ્પરરી તબક્કો છે. હકીકતમાં, સારું કોન્ટેન્ટ કોઈ પણ જગ્યાએ ચાલે જ છે. મને ખબર છે કે નજીકના ભવિષ્યમાં અમુક મજબુત હિન્દી ફિલ્મો આવી રહી છે, જે દર્શકોને થિયેટરોમાં ચોક્કસપણે પાછા ખેંચી લાવશે. બાકી તો બોલિવુડે એક બાબતમાં સાઉથ પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે કોન્ટેન્ટ એવું પસંદ કરો જે દેશભરના દર્શકોને અપીલ કરે.'

વાત તો સાચી!

City News

Sports

RECENT NEWS