For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોલિવુડની પરિણીત વેમ્પ મોના ડાર્લિંગ : બિંદુ ઝવેરી

Updated: Apr 25th, 2024

બોલિવુડની પરિણીત વેમ્પ મોના ડાર્લિંગ : બિંદુ ઝવેરી

- 'કટી પતંગ'ની શબ્બો અને 'ઝંઝીર'ની મોના ડાર્લિંગને ચાહકો હજી ભૂલ્યા નથી

- સિત્તેરના દાયકામાં કે જ્યારે ફિલ્મ ઉદ્યોગ હજી રૂઢિચુસ્ત હતો ત્યારે એક પરિણીત યુવતી સેક્સ સિમ્બોલ તરીકે કારકિર્દી જમાવી બતાવે એ એક નવાઈની વાત હતી. 

- બિંદુ પોતાની સફળ કારકિર્દીનું તમામ શ્રેય પોતાના પતિને આપે છે. એ કહે છે, 'મારા પતિએ મને ફિલ્મોમાં કામ કરવાની સંમતિ આપી હતી એટલે ઘરમાં શાંતિ  રહેતી હતી.' 

બોલીવૂડમાં પોતાની પ્રતિભાને જોરે સફળ થનારી આંગળીને વેઢે ગણાય એવી સાઇડ હિરોઇનોમાં બિંદુનું નામ નોખું તરી આવે છે. આમ તો જુની પેઢીની ફિલ્મોમાં વેમ્પની ભૂમિકાઓ ભજવી નામના રળનારી આ ગુજરાતી હિરોઇનની કારકિર્દી રોમાંચક રહી છે. એક જમાનામાં બિંદુ વેમ્પની ભૂમિકામાં હોય અને તેના કેબ્રે ડાન્સ હોય એટલે ફિલ્મ હીટ જવાની જાણે ગેરન્ટી મળી જતી હતી. મુંબઇમાં હાજી અલી દરગાહ અને મહાલક્ષ્મી મંદિરની પડખે આવેલાં વિસ્તારમાં વસવાટ કરતી બિંદુ એક એવી કલાકાર છે જેણે પરણ્યા બાદ ફિલ્મ ઉદ્યોગમાં વેમ્પ તરીકે કારકિર્દી જમાવી બતાવી હતી. સિત્તેરના દાયકામાં જ્યારે ફિલ્મ ઉદ્યોગ હજી રૂઢિચુસ્ત હતો ત્યારે એક પરિણિત યુવતી સેક્સ સિમ્બોલ તરીકે કારકિર્દી જમાવી બતાવે એ એક મોટી સિદ્ધિ હતી. આ સિદ્ધિ મેળવનારી બિંદુની જીવન કહાની પણ કોઇ ફિલ્મી કથાથી કમ નથી. 

બિંદુની માતા જ્યોત્સના જાણીતી સ્ટેજ આર્ટિસ્ટ હતી. જ્યોત્સના રાજપૂત હતી પણ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો હતો. તેનું નાટક લાડકવાયો જબરદસ્ત સફળતાને વર્યું  હતું. જ્યારે પિતા નાનુભાઇ દેસાઇ જાણીતાં ફિલ્મ નિર્માતા હતા. પિતાની ઇચ્છા હતી કે બિંદુ ભણીગણીને મોટી ડોક્ટર બની જાય. બિંદુને સાત બહેનો અને એક ભાઇ હતો. બિંદુએ તેની માતાને ઘણીવાર સ્ટેજ પર અભિનય કરતાં  જોઇ હતી. આમ અભિનય લોહીમાં હોવાથી બિંદુએ નાનપણમાં જ સ્કૂલમાં નાટકોમાં ભાગ લઇ ઘણીવાર ઇનામો જીત્યા હતા. એ સમયે નાનકડી બિંદુ વૈજયંતિમાલાની મોટી ચાહક હતી. બિંદુને તેનો અભિનય, નૃત્ય અને તેનું સૌન્દર્ય પણ ગમતું હતું. બિંદુ માટે વૈજયંતિમાલા રોલમોડેલ હતી. જ્યારે પિતા નાનુભાઇ માંદા પડયા ત્યારે બિંદુ સંતાનોમાં સૌથી મોટી હોઇ પિતાએ તેને પરિવારની જવાબદારી સોંપતા જણાવ્યું હતું કે તું મારો પુત્ર છે. મારા ગયા પછી તારે જ આ પરિવારનું ધ્યાન રાખવાનું છે. પિતા નાનુભાઇ ગુજરી ગયા બાદ પરિવારને આર્થિક ટેકો આપવા માટે બિંદુએ મોડેલિંગ કરવા માંડયુ હતું. બિંદુ એ સમયને યાદ કરી કહે છે, એ વખતે હું માંડ અગિયાર વર્ષની હોઇશ. પણ મારો શારીરિક બાંધો સારો  હોઇ હું સોળની દેખાતી હતી. બિંદુએ એ જમાનામાં થોડી ડોક્યુમેન્ટરીઝમાં પણ કામ કર્યું હતું. એ પછી તેનો પહેલો બ્રેક ૧૯૬૨માં મોહન કુમારે અનપઢ ફિલ્મમાં આપ્યો હતો. જેમાં તેણે માલાસિંહાની પુત્રીની ભૂમિકા ભજવી હતી. 

રસપ્રદ બાબત એ છે કે બિંદુ એ વખતે એવી ઉંમર હતી કે તે છોકરી પણ નહોતી કે તે કિશોરી પણ નહોતી બની. થોડી ફિલ્મોમાં કામ કર્યા બાદ બિંદુ  પાછી સ્કૂલમાં ભણવા માટે ગઇ હતી. પણ મુગ્ધાવસ્થામાં જ બિંદુ પ્રેમમાં પડી. બિંદુ પોતાની બાલી ઉંમરના પ્રેમ વિશે કહે છે, અમે એ વખતે તારદેવ વિસ્તારમાં આવેલાં સોનાવાલા ટેરેસમાં રહેતા હતા અને તે એટલે કે ચંપકલાલ ઝવેરી મારો પડોશી હતો. અમારી વચ્ચે ઉંમરમાં પાંચ વર્ષનો તફાવત હતો. હું તત્કાળ તેના પ્રેમમાં પડી નહોતી કે મેં સહેલાઇથી હા પણ પાડી નહોતી. મેં તેને ખૂબ સતાવ્યો હતો. તે મને બહાર જવા કહે ત્યારે હું હા પાડતી પણ પછી કદી કહેલાં સમયે જતી જ નહીં. મેં આવું વારંવાર કરી તેની કસોટી કરી હતી. તે વ્યથિત થઇ જતો પણ તેણે કદી તે દર્શાવ્યું નહોતું નહીં તો તેણે મને ગુમાવવી પડી હોત. હું સમજતી હતી કે તેને મારા પ્રતિ આકર્ષણ કે વાસના નથી પણ તે ખરેખર મને પ્રેમ કરે છે. અમારા લગ્ન સામે ઘણો વિરોધ થયો હતો પણ અમે મક્કમ રહ્યા હતા અને આખરે પરણી ગયા હતા. રસપ્રદ બાબત એ છે કે બિંદુના લગ્ન થયા ત્યારે તેની વય સાળ વર્ષની જ હતી. બિંદુ કહે છે ત્યારથી તે મારા માટે પિતા સમાન બની રહ્યા છે. 

બિંદુની એક બહેનના લગ્ન સંગીતકાર બેલડી લક્ષ્મીકાન્ત પ્યારેલાલમાંથી લક્ષ્મીકાન્ત સાથે થયા હતા. એકવાર સત્તર વર્ષની બિંદુ બનેવીના ઘરે ગઇ હતી ત્યારે તેની મુલાકાત ફિલ્મ દિગ્દર્શક રાજ ખોસલા સાથે થઇ હતી. બિંદુ એ મુલાકાતને યાદ કરતાં જણાવે છે, એ સમયે ખોસલાજીએ મને ફિલ્મમાં રોલ ઓફર કરતાં જણાવ્યું હતું કે આ પાત્ર મારી કથામાં મહત્વનું છે પણ તે વેમ્પ છે. હું જરા અચકાઇ હતી. તેમણે મને વિચારવા માટે પંદર દિવસનો સમય આપ્યો હતો. મારા પતિને કહ્યુ ં તો તેમનો જવાબ હતો કે શું જરૂર છે? પણ મારું માનવું એ હતું કે તેમાં નુકશાન શું છે? મારા મનમાં રહેલાં સ્વપ્નો જાગી ગયા હતા. 

એ જમાનાના વિખ્યાત લેખક ચન્દ્રકાન્ત કાકોડકરની નવલકથા નીલામ્બરી પરથી રાજ ખોસલા ફિલ્મ બનાવી રહ્યા હતા. બિંદુ કહે છે તેમણે મારું ઓડિશન લીધું અને મેં મારા સંવાદ આત્મવિશ્વાસ સાથે બોલી બતાવ્યા અને તેમણે તરત જ કહ્યું તે તું જ મારી નીલામ્બરી! પણ પછી રાજખોસલાને એમ લાગ્યું કે ફિલ્મનું નામ નીલામ્બરી નામ રાખીશું તો ફિલ્મ પૌરાણિક લાગશે એટલે ફિલ્મનું નામ બદલીને દો રાસ્તે રાખવામાં આવ્યું. જેમાં મેં  નીલામ્બરીની ભૂમિકા ભજવી. 

પછી તો બોલિવૂડમાં જેને કહે છે કે ચલ પડી તેમ બિંદુની કારકિર્દી ચલ પડી. દો રાસ્તેના શૂટિંગ દરમ્યાન જ બિંદુએ ઇત્તેફાક, આયા સાવન ઝૂમ કે અને કટી પતંગ સાઇન કરી લીધી હતી. બિંદુ કહે છે ૧૯૭૦માં આવેલી કટી પતંગ ફિલ્મમાં રોલ આપતી વખતે શક્તિ સામંતે શરત મુકી હતી કે મારે તેમાં ડાન્સ કરવો પડશે. મેં ત્રણ દિવસ સુધી રોબર્ટ માસ્ટર સાથે રિહર્સલ કર્યા. વળી એ સમયે મારી પ્રેરણામૂર્તિ હેલન હતી. જે રીતે  હેલનજી પડદાં પર છવાઇ જતાં હતા તે કમાલ હતી. તેમના હાવભાવ, ડ્રેસીસ તેમના ડાન્સના મૂવ બધું અનુકરણીય હતું. હું ભરત નાટયમ  અને કથ્થકની નૃત્યાંગના હોઇ મને આ ફિલ્મ ડાન્સિંગ લાઉડ લાગતું. પણ સેટ પર ગયા બાદ મેં મારા તમામ  ડરને બાજુએ મુકી મારાથી બની શકે એટલો શ્રેષ્ઠ કેબ્રે ડાન્સ કર્યો હતો. એક કેબ્રે ડાન્સર તરીકે હું સાડી કે સલવાર કમીઝ તો પહેરી ન શકું, મારે ગ્લેમરસ વસ્ત્રો પહેરવા પડતા હતા પણ મેં સાવચેતી રાખીને સ્કીન જેવું નાયલોન મારા બ્લાઉઝ સાથે સીવી દઇ મારી ત્વચાને ઢાંકી રાખી હતી. કટી પતંગમાં મેરા નામ હૈ શબ્બો હીટ થઇ ગયું. લોકો મારા દિવાના બની ગયા. એ પછી સિત્તેરના દાયકામાં મેરે જીવનસાથી, દુશ્મન, ગરમ મસાલા, રાજા રાની, ધર્મા અને જોશીલે આવી અને બિંદુની વેમ્પ તરીકેની છાપ મજબૂત બની ગઇ. 

બિંદુ નિખાલસપણ કહે છે કે એવું નહોતું કે મારે હિરોઇન બનવું નહોતું પણ વેમ્પ તરીકે હું એવી ટાઇપકાસ્ટ થઇ ચૂકી હતી કે બીજો કોઇ વિકલ્પ રહ્યો નહોતો. વળી મારી કારકિર્દી મેં લગ્ન બાદ શરૂ કરી હોઇ હું મને જે કામ મળે તે કરતી હતી. મને નાણાં અને નામ  બંને મળી રહ્યા  હતા. થોડાં સમયમાં જ હું હિરોઇન બનવાની વાત ભૂલી ગઇ. મને હિરોઇનની જેટલી જ ખ્યાતિ મળતી અને સાથે એટલી જ ગાળો પણ મને દેવાતી. આ ગાળો એ જ મારો એવોર્ડ હતો. જ્યારે લેખકો સ્ટોરી લખતાં ત્યારે તેઓ પાત્રાલેખન કરવાને બદલે મારું નામ જ લખી દેતાં. વળી જો તમે ખરાબ બાબતો ન બતાવો તો સારી બાબતોની વેલ્યુ પણ ન થાય. મારા ચાહકોને ખબર નહોતી કે હું પરણેલી છું અન તેઓ મને લોહીથી કાગળો લખતાં કે આઇ લવ યુ અને વીલ યુ મેરી મી? 

૧૯૭૩માં બિંદુએ એક અભિનેત્રી તરીકે કમાલ કરી હતી. તેણે બે ફિલ્મોમાં એકમેકથી સાવ વિરોધી ભૂમિકાઓ ભજવી હતી. ઝંઝીર ફિલ્મમાં તેણે યાદગાર મોના ડાર્લિંગની ભૂમિકા ભજવી તો ઋષિકેશ મુકર્જીની ફિલ્મ અભિમાનમાં તેણે હતાશ ગાયકની સહાનુભૂતિપૂર્ણ સખીની ભૂમિકા પણ ભજવી. ઋષિદાએ ગણતરીપૂર્વક બિંદુને આ ભૂમિકા આપી હતી. બિંદુ કહે છે, ઋષિદાએ મને કહ્યું હતું કે જ્યારે તારી એન્ટ્રી પડે ત્યારે દર્શકો થોડા તોફાનની અપેક્ષા રાખશે પણ આપણે તેમને આશ્ચર્યનો આંચકો આપીશું. બિંદુએ એક અભિનેત્રી તરીકે બંને ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. 

બિંદુ પોતાની સફળ કારકિર્દીનું તમામ શ્રેય પોતાના પતિને આપે છે. મારા પતિએ મને ફિલ્મોમાં કામ કરવાની સંમતિ આપી હતી એટલે ઘરમાં શાંતિ  હતી. ૧૯૭૨માં મેં દાસ્તાનમાં દિલિપ કુમાર સાથે કામ કર્યંું હતું. એ સમયે તેઓ મને મળવા આવ્યા ત્યારે તેમણે મને કહ્યું હતું, મુઝે તુમસે જ્યાદા તુમ્હારે હસબંડ પસંદ હૈ. બિંદુ કહે છે જ્યારે પત્ની ઘર ચલાવતી હોય અને પતિ તેના પર નિર્ભર હોય ત્યારે બધી મુસીબતો શરૂ થાય છે. પણ મારા પતિ તેમની પોતાની રીતે સફળ બિઝનેસમેન છે. તેઓ મારી સંભાળ લઇ શકે છે. લગ્ન અને કારકિર્દી વચ્ચે બિંદુએ સરસ સંતુલન સાધી લીધું હતું. જ્યારે બિંદુના વખાણ થાય ત્યારે તેમના પતિ પણ ખુશ થતાં તેમનું લોજિક હતું, હૈ તો વો મેરી હી ના! 

બાદમાં ૧૯૭૭ બાદ બિંદુ ફિલ્મી દુનિયામાંથી અંગત કારણોસર ગાયબ થઇ ગઇ હતી જે પછી એંસીના દાયકામાં તે ક્રૂર સાસુની ભૂમિકામાં પાછી ફરી હતી. બીજી ઇનિંગમાં બિંદુએ શોલા ઔર શબનમ, હમ આપ કે હૈ કોન, મેં હૂં ના કરી હતી. તાજેતરમાં ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં તેણે કોમેડી કરી હતી. હાલ નિવૃત્ત જીવન ગાળતી બિંદુ કહે છે મને મારી જૂની ફિલ્મો જોવાનું ગમે છે. મારા પતિ મારા શ્રેષ્ઠ મિત્ર છે. તેમના વિના હું કશું નથી.  

Gujarat