Chitralok

બોલિવુડની હોરર ક્રાંતિ: ભય પુન: કમાણીનું સાધન બનશે

By GS Team
8 Oct 20265 mins read
બોલિવુડની હોરર ક્રાંતિ: ભય પુન: કમાણીનું સાધન બનશે
  • હોલિવૂડની એક હિટ ફિલ્મે બોલિવૂડને હોરરની હાંસી ઉડાવતા અટકાવ્યું
  • 'ઓબ્સેશન'ની સફળતાએ એક અણિયાળો સવાલ ઉપસ્થિત કર્યો: ભારતીય સિનેમા ઇન્ડસ્ટ્રી, જે વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવે છે, તે દર્શકો માટે સારી હોરર ફિલ્મો બનાવવામાં કેમ ખાસ સફળ ન રહી?
  • પહેલી જ વાર વર્ષો દરમ્યાન હિન્દી સિનેમામાં ભયની ફેક્ટરી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે.

વર્ષો સુધી બોલીવૂડનું લોજિક સાદુ હતું: હોરર ફિલ્મો ભારતમાં નહિ ચાલે. વિતરકો આ શૈલીને બોક્સ ઓફિસની આશાઓનું કબ્રસ્તાન કહેતા, અને ક્યારેક ક્યારેક રજૂ થતી હોરર ફિલ્મો માટે રિલીઝનો અલ્પ સમય અને બહુ ઓછુ મારકેટિંગ બજેટ રાખતા. પણ આ વિચારધારા ૨૮મેના રોજ ખોટી સાબિત થઈ, જ્યારે મોટા મોટા શહેરોના મલ્ટીપ્લેક્સમાં 'ઓબ્સેશન' જોવા માટે ભીડ ઉમટી પડી. આ એક હોલીવૂડ હોરર ફિલ્મ હતી, જેમાં એક યુવક પોતાની મિત્રના પ્રેમ માટે એક ખતરનાક વરદાન માગે છે. પચ્ચીસ વર્ષના દિગ્દર્શક અને બે અજ્ઞાાત કલાકારોવાળી આ ફિલ્મમાં કોઈ મેગા સ્ટાર નહોતો, ન કોઈ પ્રસિદ્ધ ફ્રેન્ચાઈસીનું નામ સંકળાયેલું હતું, અને જૂની પેઢીની વિચારધારાના હિસાબે તેને ભારતમાં હિટ જવા માટે કોઈ કારણ નહોતું. છતાં, ફિલ્મએ માત્ર એક મહિનાની અંદર સો કરોડથી વધુ કમાણી કરી અને આ વર્ષે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હોલીવૂડ ફિલ્મોમાં પોતાનું સ્થાન અંકિત કર્યું.
આ આંકડાઓએ માત્ર થિયેટરમાં ભીડ ન જમાવી, પણ જૂની પ્રચલિત માન્યતા પણ હલાવી નાખી. માત્ર થોડા અઠવાડિયામાં જે સ્ટુડિયોએ વર્ષો સુધી હોરર ફિલ્મોની પટકથાઓ કચરાના ડબ્બામાં નાખી દીધી હતી, તેમને અચાનક આ ફિલ્મો ફરી શરૂ કરવાનું ચાનક ચઢ્યું. એકલા જૂન મહિનામાં જ ચાર હિન્દી હોરર ફિલ્મોની જાહેરાત થઈ. તેમાં ઈમરાન હાશમી અભિનિત મ્યુઝિકલ હોરર ફિલ્મ 'રુહ' અને ધર્મા પ્રોડક્શન્સની પ્રથમ મલયાલમ ફિલ્મ 'ઓડિયન' સામેલ છે. 'ઓડિયન'નું નિર્દેશન રાહુલ સદાશિવન કરશે, જે અગાઉ 'ભૂતકાલમ' અને 'બ્રહ્મયુગમ' જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે અને જેમને આજે ભારતીય સિનેમામાં આ શૈલીના સૌથી ઉત્કૃષ્ટ દિગ્દર્શક માનવામાં આવે છે. આ ઉદ્યોગમાં એક દાયકા સુધી હોરર ફિલ્મોને ઓછા બજેટની શ્રેણીમાં રાખવામાં આવતી, તેના માટે અચાનક આટલી બધી ફિલ્મોની મંજૂરી મળવી કોઈ ટ્રેન્ડથી વધુ એક પરિવર્તન જેવું લાગી રહ્યું છે.
'ઓબ્સેશન'ની સફળતાએ એક અસ્વસ્થ કરનારો સવાલ ઉપસ્થિત કર્યો છે, હિન્દી સિનેમા, જે કદાચ વિશ્વમાં સૌથી વધુ ફિલ્મ બનાવતો ઉદ્યોગ છે, તે દર્શકો માટે સારી હોરર ફિલ્મો બનાવવામાં કેમ નિષ્ફળ રહ્યો? હોલીવૂડમાં તો હોરર ફિલ્મોના અનેક પ્રકાર છે, જેવા કે ઝોમ્બી આઉટબ્રેક, સ્લૈશર ફ્રેન્ચાઈસી, ફાઉન્ડ-ફૂટેજ એક્સપેરિમેન્ટ, ક્રિચર ફીચર, બોડી હોરર અને ગોથિક મેલોડ્રામા. તેનાથી વિપરીત બોલીવૂડે તાજેતરના વર્ષોમાં પોતાનું ધ્યાન લગભગ સંપૂર્ણ રીતે હોરર-કોમેડી પર કેન્દ્રિત કર્યું હતું. દિનેશ વિઝનની મૈડોક ફિલ્મ્સએ 'સ્ત્રી', 'મુંજ્યા' અને 'ભેડિયા' જેવી ફિલ્મો દ્વારા આ શૈલીમાં સારી એવી સફળતા હાંસલ કરી. આ ફિલ્મો હિટ પણ થઈ અને કમાણી પણ કરાવી, પણ તેના દબદબાની એક કિંમત ચુકવવી પડી છે, સંપૂર્ણ રીતે ગંભીર હોરર ફિલ્મો, જેવી કે જેમાં ભયને કોઈ પંચલાઈનથી નબળો ન કરાયો હોય, જ્યાં ભૂતિયા ઘર ખરેખર ભૂતિયા લાગતા હોય અને શ્રાપ સાથે કોઈ કોમેડી ન હોય, એ તો લગભગ ગાયબ થઈ ગઈ છે.
પણ કાયમ એવું નહોતું. રામ ગોપાલ વર્માએ 'ભૂત' અને 'કૌન' જેવી ફિલ્મોથી પરેશાન પરિવારો અને વેર વાળતા આત્માઓ દ્વારા પોતાની એક અલગ ઓળખ ઊભી કરી. એવી જ રીતે રામસે બ્રધર્સએ એંસી અને નેવુંના દાયકામાં ઓછા બજેટની ગોથિક હોરર ફિલ્મો દ્વારા એક અલગ જ શૈલી વિકસાવી. '૧૯૨૦' અને તેની સીક્વલ '૧૯૨૦: એવિલ રિટર્ન્સ' જેવી ફિલ્મોએ સાબિત કર્યું કે દર્શકો જૂના જમાનાના ડરામણા અનુભવ માટે ઉત્સુક હતા. ત્યાં સુધી કે 'રાગિની એમએમએસ' જેવી મધ્યમ બજેટની ફિલ્મોએ પણ સીક્વલ બનાવી, 'રાગિની એમએમએસ ટુ' અને અહેવાલો અનુસાર હવે 'રાગિની એમએમએસ ૩' પણ આવશે, જે સાબિત કરે છે કે જો હોરર ફિલ્મો ખરેખર ભય ઉપજાવતી હોય તો દર્શકો તેને ફરી જોવાનું પસંદ કરે છે. છતાં છેલ્લા એક દાયકામાં આવી ગંભીર હોરર ફિલ્મો સામાન્ય નથી રહી, પણ અપવાદ બની ગઈ. ગયા વર્ષે માત્ર એક હિન્દી હોરર ફિલ્મ આવી જેના પર ગંભીરતાથી વાત થઈ શકે, આદિત્ય ધરની 'બારામુલ્લા'. આ કાશ્મીરમાં બાળકોના અપહરણની તપાસ કરી રહેલા એક પોલીસ ઓફિસરની વાર્તા પર આધારીત એક ગંભીર અને રાજનીતિક રૂપે સંવેદનશીલ થ્રિલર ફિલ્મ હતી. તેની પ્રશંસા એટલા માટે થઈ કારણ કે તેમાં હોરરનો ઉપયોગ માત્ર અચાનક ડરાવવા માટે નહિ, પણ વધુ અસ્વસ્થ કરતી બાબતો ઉજાગર કરવા માટે થયો હતો.
હવે આગામી ફિલ્મોથી સંકેત મળે છે કે વાયરો બદલાઈ રહ્યો છે. 'તુમ્બાડ ટુ' તાજેતરના સમયની સૌથી અતિપ્રતીક્ષિત સીક્વલ ફિલ્મોમાંથી એક છે, કારણ કે મૂળ ફિલ્મ રજૂ થયાના વર્ષો પછી એક કલ્ટ ફિલ્મ બની હતી જેની સસ્તા ડરામણા દ્રશ્યોની બદલે લોકકથાઓ પર આધારીત ભય અને કલાત્મક દ્રશ્યો માટે પ્રશંસા થઈ હતી. મનોવૈજ્ઞાાનિક સીરીઝ 'ખૌફ' અને 'શૈતાન', જેણે પહેલા જ સાબિત કરી દીધું કે સ્ટાર પાવર સાથે અલૌકિક શક્તિઓના પરચાની વાર્તાઓ હજી પણ ભીડ આકર્ષી શકે છે, તે એવી શૈલી તરફ ઈશારો કરે છે જેમાં વ્યાપ અને મહત્વાકાંક્ષા બંનેમાં વિવિધતા હોય. 'બારા નંબર' જેવા અફવા વાળા પ્રોજેક્ટ સહિત નાના બજેટની ફિલ્મોના મોઢે ચડી જાય તેવા શીર્ષકોએ સાબિત કર્યું કે સ્ટુડિયો પણ હવે એક સરખા ભૂતિયા હવેલી જેવા ચવાઈ ગયેલા થીમ ફરી દેખાડવાની બદલે પ્રાદેશિક સાર અને બિનપરંપરાગત પૃષ્ઠભૂમિ પર દાવ લગાડવા તૈયાર છે.
આ સમયગાળાને અગાઉની નિષ્ફળ હોરર ફિલ્મોથી અલગ કરતા અનેક પરિબળો છે. સ્ટ્રીમિંગ મંચોએ ધીમી ગતિએ આગળ વધતી, યોગ્ય વાતાવરણ સર્જતી વાર્તાઓની શૈલીને સામાન્ય કરી નાખી, જેને પોતાનું અસ્તિત્વ સાબિત કરવા થિયેટરોના ઓપનિંગ વીકએન્ડની જરૂર નહોતી. સદાશિવન જેવા દિગ્દર્શકોએ સાબિત કર્યું છે કે શૈલીગત ફિલ્મસર્જન આલોચકો તેમજ દર્શકો બંનેની પસંદ બની શકે છે. અને હવે ઓબ્સેશને વિતરકોને નક્કર બોક્સ ઓફિસ પુરાવા આપ્યા છે કે હોરર ફિલ્મો જો યોગ્ય રીતે બનાવવામાં આવે તો મેગા સ્ટાર વિના પણ, કોઈપણ કોમેડી સુરક્ષા કવચ વિના પણ તમામ સ્થળે ચાલી શકે.
હવે આ વાપસી લાંબો સમય ટકે છે કે પછી એક ક્ષણિક ચમકારો બનીને રહી જાય છે તે તો ફિલ્મસર્જન પર જ આધાર રાખે છે. પણ પહેલી જ વાર વર્ષો દરમ્યાન હિન્દી સિનેમામાં ભયની ફેક્ટરી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે.