Chitralok

અનુપ જલોટા: સંગીત સમ્રાટ તાનસેનને કરશે રંગમંચ પર જીવંત

By GS Team
8 Oct 20263 mins read
અનુપ જલોટા: સંગીત સમ્રાટ તાનસેનને કરશે રંગમંચ પર જીવંત
  • અનુપ જલોટાએ છેક ૧૯૮૮માં 'ચિંતામણી સૂરદાસ' નામની ફિલ્મમાં સંગીતસમ્રાટ તાનસેનની ભૂમિકા ભજવી હતી. હવે ૩૮ વર્ષ બાદ તેઓ રંગમંચ પર આ કિરદાર પુન: અદા કરવાના છે.

ભજન સમ્રાટ તરીકે જાણીતા પદ્મશ્રી પારિતોષિક વિજેતા અનુપ જલોટા પાંચ દશકની કારકિર્દી પછી થિયેટર એક્ટર બનવા જઈ રહ્યાં છે. એવું નથી કે અગાઉ ક્યારેય તેમણે અભિનય ક્ષેત્રે કામ નથી કર્યું. પરંતુ રંગમંચ પર અભિનય કરવાની તક તેમને હમણાં મળી છે. તેઓ દિગ્દર્શક પારિતોષ પેઈન્ટરના દિગ્દર્શનમાં, ડિસેમ્બર મહિનામાં રજૂ થનારા નાટક 'તાનસેન : ધ મ્યુઝિકલ'માં ભારતના દંતકથા સમાન ગાયક 'તાનસેન'ની ભૂમિકા ભજવશે. મઝાની વાત એ છે કે અનુપ જલોટાએ છેક ૧૯૮૮માં 'ચિંતામણી સૂરદાસ' ફિલ્મમાં સંગીત સમ્રાટ તાનસેનની ભૂમિકા ભજવી હતી. અને ૩૮ વર્ષ બાદ તેઓ રંગમંચ પર આ કિરદાર અદા કરવાના છે.
આયખાના ઉત્તરાર્ધમાં આ જાણીતા, છતાં નવા કહી શકાય એવા ક્ષેત્રે કામ કરવા કટિબદ્ધ અનુપ જલોટાનો આત્મવિશ્વાસ કાબિલે તારીફ છે. તેઓ કહે છે કે મને કોઈપણ માધ્યમમાં અભિનય કરવાની કે ગાવાની ઓફર મળે તો હું તે પાછી નથી વાળતો. જ્યારે આ તો ભારતના સંગીત સમ્રાટ તાનસેનને સ્ટેજ પર જીવંત કરવાની તક છે. વળી દર્શકો મને દશકોથી ભજન-ગઝલ ગાયક તરીકે જોતાં-સાંભળતા આવ્યાં છે. તેથી હું જેટલી સહજતાથી આ રોલ નિભાવી શકીશ, એટલી જ સાહજિકતાથી દર્શકો મને તેમાં સ્વીકારી લેશે. અને આ વખતે તો મને આ પાત્રના ઊંડાણમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
તેઓ પોતાના ૩૮ વર્ષ અગાઉના અનુભવને સંભારતા કહે છે કે 'ચિંતામણી સૂરદાસ'માં મેં માત્ર બાદશાહ અકબર સામે બેસીને ગાયું હતું. તેમાં મેં અભિનય નહોતો કર્યો. એ વખતે હું તાનસેનના જીવન વિશે પણ ખાસ કાંઈ જાણતો નહોતો. મને ફક્ત એટલી ખબર હતી કે તેઓ મહાન ગાયક હતાં. પરંતુ આ વખતે મારા હાથમાં સ્ક્રીપ્ટ છે. હું રંગમંચ પર તેમનું સમગ્ર જીવન ઉજાગર કરવાનો છું.
અનુપ જલોટા તાનસેન અને પોતાના પિતા પુરૂષોત્તમ જલોટા વચ્ચેના સરસ યોગાનુયોગ વિશે વાત કરતાં કહે છે કે મારા પિતા અને તાનસેન વચ્ચે રહેલું એક સામ્ય આશ્ચર્ય ચકિત કરનારું છે. તાનસેનનો જન્મ થયો ત્યારે તેમને અવાજ નહોતો. ધીમે ધીમે તેમને કંઠ-સ્વર મળ્યાં. ત્યાર પછી સંગીતે તેમના જીવનમાં કમાલ કરી. આવું જ કાંઈક મારા પિતા સાથે પણ થયું હતું, સહેજ જુદી રીતે. મારા પિતા નાના હતાં ત્યારે તેમણે દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. તે વખતે મારા દાદા તેમને સંગીત શિક્ષક માસ્ટર રતન પાસે લઈ ગયા. મારા પિતાએ તેમની પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું ત્યાર બાદ ધીમે ધીમે તેમની દ્રષ્ટિ પાછી ફરી. શાસ્ત્રીય સંગીતે તેમને ફરી જોતાં કરી દેતાં તેમણે સંગીતને જ પોતાનું જીવન બનાવ્યું.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે અનુપ જલોટાએ 'રોક સ્ટર બિની', 'સત્ય સાંઈ બાબા', 'કરતૂત' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે ધારાવાહિક 'પાતાલ લોક'માં કામ કર્યું છે. એટલું જ નહીં, વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બોસ-૧૨'માં પણ ભાગ લીધો છે. તેમણે ટીવી પર 'ધરમ ઔર હમ' (૨૦૦૨થી ૨૦૦૫) કાર્યક્રમ રજૂ કર્યો હતો.
આમ અભિનય ક્ષેત્રે લીધેલો થોડો અનુભવ તેમને રંગમંચ પર ખપ લાગશે એ વાતમાં બે મત ન હોઈ શકે. 'તાનસેન'ને સ્ટેજ પર જીવંત કરવા માટે પાંચ-પાંચ દશકના અનુભવી ગાયકની પસંદગી કરતાં રૂડું શું?