...અને જો એવું થશે તો ઓડિયન્સ ટીવી સિરીયલોનો બહિષ્કાર કરશે: શરદ કેલકર

- દર્શકોની નારાજગી : શરદ કેલકર સ્ક્રીન પર ખાસ દેખાતા કેમ નથી?
- ''તુમ સે તુમ તક' એ 'હું તુલા પાહતે રે' ટીવી સિરીયલની હિન્દી રિમેક છે. મને તેમાં કામ કરવાની તક મળી તે વાતનો બહુ આનંદ છે, કારણે કે આ સિરીયલ સાથે મારી વ્હાલી દીકરીનાં સ્મરણો જોડાયેલાં છે.'
શરદ કેલકર. એક એવો પ્રતિભાશાળી અભિનેતા જે વિવિધ ભૂમિકાઓ બહુ સહજતાથી ભજવી શકે છે. ટેલિવિઝન સિરિયલ હોય કે વેબ સિરિઝ કે પછી હિન્દી ફિલ્મ, શરદ કેલકરના અભિનયની નોંધ અચૂક લેવાય.
હમણાં શરદ કેલકર લગભગ આઠેક વર્ષ બાદ તુમ સે તુમ તક નામની હિન્દી ટીવી સિરિયલમાં ફરીથી આવી રહ્યો છે. વાત એમ છે કે શરદ કેલકરે તેની અભિનય યાત્રા ટીવીના નાના પણ જબરા લોકપ્રિય પડદા પર શરૂ કરી છે.
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મરાઠી પરિવારમાં જન્મેલો અને ઉછરેલો શરદ કેલકર કહે છે, મને બાળપણથી જ નાટકોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હિસ્સો લેવાનો શોખ રહ્યો છે. મને આક્રોશ (૨૦૦૪) સિરિયલમાં પહેલી તક મળી. ત્યારબાદ તો મેં વધુ ટીવી સિરિયલમાં અને હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો.
હું હમણાં તુમ સે તુમ તક નામની ટીવી સિરિયલમાં કામ કરી રહ્યો છું. લગભગ આઠેક વર્ષ બાદ. આ ટીવી સિરિયલમાં મારું પાત્ર મુખ્ય છે. ખરેખર તો તુમ સે તુમ તક સિરિયલ મરાઠી ટીવી સિરિયલ તુલા પાહતે ર ે(૨૦૧૮) ની રિમેક છે. આમ છતાં મારું પાત્ર તુમ સે તુમ તક સિરિયલમાં ટીવી પર પ્રમાણમાં ઓછું જોવા મળે છે એવી ચર્ચા સાથે નારાજી પણ વ્યક્ત થઇ રહી છે.
હકીકત તો એ છે કે હું આ ટીવી સિરિયલમાં અમુક ચોક્કસ દિવસો જ કામ કરી શકીશ તે વિશે સિરિયલના નિર્માતા અને દિગ્દર્શક સાથે વાત થઇ ગઇ છે. એક સમજૂતી થઇ છે. હું આ જ વ્યવસ્થા મુજબ શૂટિંગ કરી રહ્યો છું. ખરું કહું તો હું ક્યારેક તો વધુ દિવસો સુધી પણ શૂટિંગ કરીને પૂરતો સહકાર આપું છું. હવે રહી વાત ટીવીના પડદા પર મારા મુખ્ય પાત્રની રજૂઆતની. એટલે કે હું મારી ભૂમિકામાં મુખ્ય હોવા છતાં પ્રમાણમાં ઓછો દેખાઉં છું એ વિશે ચર્ચા થઇ રહી છે. હું બહુ નમ્રપણે માનું છું અને સમજું છું કે જરા વિચારો કે ટીવી પર કે ફિલ્મમાં કોઇ એક ચોક્કસ પાત્ર જ વધુ સમય સુધી રજૂ થતું રહે તો દર્શકોના મનમાં ઘણા સવાલ થશે કે બાકીનાં પાત્રો ક્યાં ગયાં ? અને તેઓ શું કરે છે ? વગેરે.દર્શકો એક જ ભૂમિકાને એટલે કે અભિનેતાને કે અભિનેત્રીને સતત જોયા કરશે તો તેઓ કંટાળી જશે. કદાચ એવું પણ બને કે તેઓ ટીવી સિરિયલનો બહિષ્કાર પણ કરે.
ઉદાહરણરૂપે કોઇ ટીવી સિરિયલમાં લગ્નનો પ્રસંગ રજૂ થાય છે. તો શું દિગ્દર્શક દરેક નવા એપિસોડ વખતે લગ્ન પ્રસંગનાં જ દ્રશ્ય રજૂ કરશે ? લગ્ન બાદ નવ દંપતિ કશ્મીર જાય છે તો દરેક નવા હપ્તે ફક્ત કશ્મીરનાં જ સુંદર - રળિયામણાં દ્રશ્યો રજૂ કરશે? નહીં ને ? દિગ્દર્શક દર્શકોને બીજાં પાત્રો, વાર્તાના આરોહ -અવરોહ વગેરે વિશે માહિતી પણ આપશે ને ?
વળી, ટીવી સિરિયલના ૨૩ મિનિટના એક એપિસોડમાં મુખ્ય પાત્ર તો અમુક ચોક્કસ સમય પૂરતું જ રજૂ થાય, જ્યારે બાકીના સમયમાં તો બીજાં પાત્ર પણ રજૂ થાય. સિરિયલની કથાની ગૂંથણી થવી જોઇએ.દર્શકો આખા એપિસોડમાં સતત કોઇ એક જ વ્યક્તિને જોયા કરે તો કેવું લાગે તે મુદ્દો બહુ મહત્વનો છે.
મારી હાલની તુમ સે તુમ તક ટીવી સિરિયલ ખરેખર તો મરાઠી ટીવી સિરિયલ તુલા પાહતે રે (૨૦૧૮)ની રિમેક છે. બન્યું હતું એવું કે તુલા પાહતે રે મરાઠી સિરિયલ મારી માતા અને મારી દીકરી કેશા બંને નિયમિત રીતે જોતાં હતાં. તે વખતે મારી પુત્રી કેશા માંડ ત્રણ - ચાર વર્ષની હોવાથી તે સિરિયલના નામનો સાચો ઉચ્ચાર તુલા પાહતે રે ને બદલે તુલા પાતે એવો કરતી હતી.
મારી દીકરી કેશા તુલા પાહતે રે સિરિયલનો આનંદ માણે છે એવી માહિતી મને મળી ત્યારે મને બેહદ આશ્ચર્ય થયું હતું. મેં માહિતી મેળવી તો તે સિરિયલમાં મજેદાર મરાઠી અભિનેતા સુબોધ ભાવે મુખ્ય ભૂમિકામાં હતા. વળી, તે સિરિયલ ઘણી લોકપ્રિય પણ થઇ હતી.
હું હવે લગભગ આઠેક વર્ષે તુલા પાહતે રે ટીવી સિરિયલની રિમેક તુમ સે તુમ તક હિન્દી સિરિયલ બની રહી છે ત્યારે મને તેમાં તક મળી હોવાથી બહુ આનંદ થયો છે કારણે કે આ સિરિયલ સાથે મારી વ્હાલી દીકરીનાં સ્મરણો જોડાયેલાં છે. મને તુમ સે તુમ તક સિરિયલના નિર્માતા પ્રતીક શર્માએ આમંત્રણ આપ્યું ત્યારે શરૂઆતના તબક્કે તો મારી પાસે પૂરતી તારીખ નહોતી. મેં જોકે તસ્કરી વેબ સિરીઝ (૨૦૨૬) પૂરી કરી ત્યારબાદ તેમનું આમંત્રણ સ્વીકાર્યું હતું.
એક ખાસ બાબત કહું તો તુમ સે તુમ તક સિરિયલમાં મારી ધર્મપત્ની કીર્તિ કેલકરને રાજનંદિનીના પાત્ર માટે ઓફર થઇ હતી. જોકે અમારી નાની દીકરી કેશાના ઉછેર, અભ્યાસ સહિત ખુદ કિર્તીનો પોતાનો બિઝનેસ પણ હોવાથી તેણે સિરિયલનું આમંત્રણ સ્વીકાર્યું નથી.




