mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એક નાટકે આયેશા ઝુલ્કાને અભિનયના સાચા પાઠ શીખવ્યા

Updated: May 25th, 2023

એક નાટકે આયેશા ઝુલ્કાને અભિનયના સાચા પાઠ શીખવ્યા 1 - image


- 'દરેક એક્ટ્રેસને વિકસવાની અને પોતાની એક્ટિંગ માટે ઓળખાવાની ઇચ્છા થાય છે. એક તબક્કા પછી ગ્લેમર ગર્લ બની રહેવાનું કોઈને ગમતું નથી.'

રંગમંચ અભિનયની સાચી પાઠશાળા છે એવું લગભગ બધા જ એક્ટર માને છે અને કહે છે, પરંતુ ફિલ્મોમાંથી બ્રેક લઈને થિયેટર કરવાનું અને પોતાની અભિનય પ્રતિભાને નવો ઓપ આપવાનું સદ્ભાગ્ય બહુ ઓછા એક્ટરોને મળે છે. 

હાલ પોતાની સેકન્ડ ઈનિંગ્સમાં બિઝી આયેશા ઝુલ્કાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન નોસ્ટેલજિસ્ટિક થઈને કહ્યું હતું કે 'મેં ઘણી ફિલ્મોમાં હીરોઈનના રોલ કર્યા પણ  અભિનયના ખરા પાઠ મેં એક નાટકમાંથી શીખવા મળ્યા. એ નાટકનું નામ હતું 'પુરુષ' અને એમાં  નાના પાટેકર મુખ્ય ભૂમિકામાં હતા. પુરુષના શો કરવા અમે લગભગ આખા ભારતનો પ્રવાસ ખેડયો હતો. ફિલ્મોમાં મેં જે પાત્રો ભજવ્યા એ બધાનાં નામ ભલે જુદાં જુદાં હોય, પણ એ બધા લગભગ એકસરખા હતા. સિનેમાના મારા રોલમાં ભાગ્યે જ નવીનતા રહેતી. પહેલી વાર મેં મારી કરીઅરમાં ૧૯૯૯માં  ખરા અર્થમાં ચેલેન્જિંગ કહેવાય એવી ભૂમિકા 'પુરુષ' નાટકમાં કરી. 

પુરુષમાં મેં એક બળાત્કાર પીડિતાનો રોલ કર્યો હતો અને એનું દિગ્દર્શન રંગમંચના સિદ્ધહસ્ત દિગ્દર્શિકા વિજયા મેહતાએ કર્યું હતું. વિજયાજીએ એવી ખૂબીથી મારો મારા પાત્ર સાથે કરાવ્યો કે પહેલી વાર મને સમજાયું કે અભિનય કોને કહેવાય. મને થયું કે મેં અત્યાર સુધી જે કર્યું છે એ આ પાત્રની સરખામણીમાં કાંઈ કરતા કાંઈ જ નથી. ત્યારથી મારી ફિલ્મોની પસંદગી બદલાઈ ગઈ.'

૧૯૯૦ના દશકની એકટ્રેસ આયેશા ઝુલ્કાને લોકો આજે પણ આમિર ખાન સાથેની ફિલ્મ 'જો જિતા વહી સિકંદર' માટે યાદ કરે છે. એ ફિલ્મમાં આયેશાએ સીધીસાદી અને પ્રેમાળ ગર્લ નેકસ્ટ ડોર અંજલિનો રોલ કર્યો હતો. છેલ્લે ૨૦૧૮માં 'જિનિયસ' નામની ફિલ્મ કર્યા બાદ એણે ફિલ્મોમાંથી લાંબો બ્રેક લીધો. એ દરમિયાન આયેશા એક ગુજરાતી પરિવારમાં પરણીને સેટલ થઈ ગઈ હતી. કોરોના અને લોકડાઉન બાદ અભિનેત્રીએ ધુમધડાકા સાથે કમબેક કર્યું છે.

૨૦૨૨માં આયેશાએ ઓટીટી પર 'હશ હશ' નામની ફિલ્મથી ડેબ્યુ કર્યુ. આ ફિલ્મના પ્રોડક્શનની તમામ જવાબદારી મહિલાઓએ સંભાળી હતી. 'હશ હશ'માં ઝુલ્કાને પોતાની સમકાલીન અભિનેત્રી જુહી ચાવલા સાથે કામ કરવાનો લહાવો મળ્યો. આ પ્રોજેક્ટમાં એકટ્રેસને પ્રથમ વાર મીરા યાદવ જેવું 'કોમ્પ્લેક્સ અને ડાર્ક' પાત્ર ભજવવાની તક મળી. પોતે આ પહેલાં ભજવેલા તમામ રોલથી જુદું આ પાત્ર કરીને આયેશાને ઘણો સંતોષ મળ્યો. ઓટીટી પ્લેટ ફોર્મનો પોતાનો અનુભવ શેયર કરતા અભિનેત્રી કહે છે, 'આ પ્લેટફોર્મ પર ઉંમરનો કોઈ બાધ નથી. ઓટીટી ખાસ કરીને મહિલા કલાકારો માટે ગેમ ચેન્જર પૂરવાર થયું છે. ઓટીટી ન આવ્યું હોત તો બધું પહેલાની જેમ જ એકધારુ ચાલતું હોત. આ મીડિયામાં અમને અમારી એક્ટિંગ સ્કિલ્સ બતાવવાની અને ઈન્ટરેસ્ટિંગ પાત્રો ભજવવાની તક મળે છે.'

શું બીજી ઈનિંગ્સ શરૂ કરતાં પહેલા આયેશાએ સભાનપણે બોલિવુડમાંથી બ્રેક લીધો હતો? એનો હકારમાં જવાબ આપતા અભિનેત્રી કહે છે, 'હા, વો મેરી કોન્શિયસ ચોઈસ થી. વરસો સુધી ફિલ્મોમાં કામ કર્યા પછી મને એક દિવસ એવો વિચાર આવ્યો કે હું કોઈ પ્રોજેક્ટ સાથે જોડાઉં તો મારા લીધે એની વેલ્યુ વધવી જોઈએ  અને એ ત્યારે જ શક્ય બને જ્યારે મને પરફોર્મ કરવાનો ચાન્સ મળે, પરંતુ એવું કોઈ થયું નહીં અને મને દરેક પ્રોજેક્ટમાં એક શોપીસ તરીકે લેવામાં આવતી હતી એટલે પછી મને થયું કે આવા કામમાં સમય બગાડવાનો કોઈ મતલબ નથી. મેં મક્કમ નિર્ણય લઈ એવા રોલ સ્વીકારવાનું બંધ કરી દીધું. આ મારી એકલીની વ્યથા નથી. દરેક એક્ટ્રેસને વિકસવાની અને પોતાની એક્ટિંગ સ્કિલ્સ માટે ઓળખાવાની ઇચ્છા થાય છે. એક તબક્કા પછી ગ્લેમર ગર્લ બની રહેવાનું કોઈને ગમતું નથી.'

આયેશા રિયલ લાઈફમાં એક આનંદી વ્યક્તિ છે. એને હસવું અને હસાવવું બહુ ગમે છે. કદાચ એટલે જ એણે આતિશ કાપડિયા અને જમનાદાસ મજીઠિયાના વેબ શો 'હેપ્પી ફેમિલી : કન્ડીશન્સ એપ્લાય'માં ટિપિકલ ગુજરાતી વહુ પલ્લવીનું પાત્ર સ્વીકાર્યું છે.

Gujarat