ગુલઝારની ગઝલ જેવી ફિલ્મ એટલે ઈજાઝત

- દાસ્તાન-એ-સિનેમા- નિનાદ ગજ્જર
- ફિલ્મો તો આવે અને જાય. તેમાં કંઈ નવાઈ નહીં, પરંતુ કેટલીક ફિલ્મો એવી છે જે એક નવલકથા વાંચવા કે ગઝલ સાંભળવા જેવો આનંદ આપે. એવી નવલકથા જેને આપણે એક વખત જ વાંચી છે, એવી ગઝલ કે જેને આપણે ફક્ત એક વખત જ સાંભળી છે, પરંતુ તેનાં સંસ્મરણો આપણા દિલો-દિમાગ પર છવાયેલાં રહે છે. ગુલઝારે સુબોધ ઘોષની બંગાળી કહાણી 'જાતૂગૃહ' વાંચી હતી. આ સ્ટોરીમાં થોડાઘણા ફેરફારો કરીને તેમણે 'ઈજાઝત' નામની એવી ફિલ્મ બનાવી જે એક નવલકથા-ગઝલ જેવી છે. એવી નવલકથા કે ગઝલ, જેને ભૂલવી મુશ્કેલ છે.
હિંદી ફિલ્મો અને ટ્રેનનું કંઈક અલગ જ કનેકશન છે. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં'ના રાજ-સિમરન તો તમને યાદ છે ને.. રાજ-સિમરનની મુલાકાત ટ્રેનમાં જ થઈ હતી. અને ફાઈનલી જ્યારે, બંને એક થયા ત્યારે પણ ટ્રેન બતાવવામાં આવી છે. ટ્રેન દ્વારા રિલેશનશિપમાં એક સ્પીડ બતાવવામાં આવી હતી. પરંતુ, સંબંધો કાગળ પર તૂટી ગયા હોય તો શું? શું કાગળનું કંઈ મહત્ત્વ ખરું જ્યારે, બે પાત્રો ભલે ગમે તેટલા દૂર છે પણ એકબીજાથી ભાવનાત્મક રીતે નજીક છે ત્યારે શું? આ સવાલ મહાન કવિ અને ફિલ્મ મેકર ગુલઝારને થયો. તેમણે પોતાના હીરો અને હીરોઈનને રેલવે સ્ટેશનના વેઈટિંગ રૂમમાં બતાવ્યા. પાંચ વર્ષની વિદાય બાદ બંને સ્ટેશનના વેઈટિંગ રૂમમાં મળ્યા. તેમની હાજરીમાં સ્ટેશન માસ્ટર કહી ઉઠે છે કે, જિંદગી પોતે એક વેઈટિંગ રૂમ છે. હા, કેટલી સાચી વાત. ઘણા જીવનના આ વેઈટિંગ રૂમમાં વર્ષોના વર્ષો વિતાવી દે છે. તેમને નથી જવાની 'ઈજાઝત' મળતી કે, આવવાની લીલી ઝંડી. આ ફિલોસોફીથી ભરપૂર ફિલ્મનું નામ છે, 'ઈજાઝત'.
વર્ષોના ઇંતેજાર બાદ મુલાકાત અને કાવ્યાત્મક ગોષ્ઠી
મહેન્દ્ર અને સુધા રેલવે સ્ટેશન પર અટવાઈ જાય છે. અલગ થયાના વર્ષો બાદ ફર્સ્ટ ક્લાસના વેઈટિંગ રૂમમાં આખી રાત સાથે વિતાવે છે. તેમના છૂટા પડવાનું દરદ ડાયલોગ્સમાં જોવા મળે છે. જ્યારે, સુધા મહેન્દ્રને પૂછે છે કે, શું તમે હજુ પણ ત્યાં જ રહો છો ત્યારે, ગજબના ડોગલોગ્સ સાંભળવા મળે છે. 'આપ વહીં રહતે હેં?'
'વહી શહેર, વહી ગલી, વહી ઘર… સબ કુછ વહી…સબ કુછ વહી તો નહીં હેં…..લેકિન હે વહીં, ઉસી જગહ…'
જ્યારે, સુધા મહેન્દ્રને માચીસ આપે છે ત્યારના ડાગલોગ્સ : 'અબ ભી માચિસ રખતી હો?…પહલે તો મેરે લિયે રખતી થી, ઓર અબ….'
'અબ અપને લિયે રખતી હૂં'
'મતલબ સિગરેટ પીના શુરૂ કર દિયા ક્યા…?'
'નહીં… આપકી ભૂલને કી આદત નહીં ગઈ.. મેરી રખને કી આદત નહીં ગઈ'
'આદતેં ભી અજીબ હોતી હૈ
સાંસ લેના ભી કૈસી આદત હૈ
જીયે જાના ભી ક્યા રિવાયત હૈ
જીયે જાતે હૈે…જીયે જાતે હે…આદતેં ભી અજીબ હોતી હૈ
મહેન્દ્રએ જે કવિતા કહી તે માયાએ લખી હોય છે. માયા ત્યાં હાજર નહોતી પરંતુ, જાણે ત્યાં જ હતી.
બંગાળી કહાણી પરથી ફિલ્મ
ગુલઝારે સુબોધ ઘોષની બંગાળી કહાણી 'જાતૂગૃહ' વાંચી હતી. આ બંગાળી વાર્તા પરથી ૧૯૬૪માં એક બંગાળી ફિલ્મ પણ બની ચૂકી હતી. જેનું ડિરેક્શન તપન સિંહાએ કર્યું હતું. ઉત્તમ કુમાર તેના પ્રોડયુસર-એક્ટર હતા. ગુલઝારે આ સ્ટોરી થોડી ટ્વિસ્ટ કરી. 'જાતૂગૃહ'માં લગ્નજીવનમાં તિરાડ એટલે પડે છે કે, માધુરી બાળકને જન્મ નથી આપી શકતી અને શતદલને બાળકો વહાલા હોય છે. ગુલઝારના વર્ઝનમાં બંને ઈર્ષ્યા અને ઈનસિક્યોરિટીને કારણે અલગ પડે છે.
ફિલ્મ માટે કાસ્ટિંગ
મહેન્દ્રના રોલમાં નસીરુદ્દીન શાહ, સુધા તરીકે રેખા અને માયાના રોલમાં અનુરાધા પટેલ છે. આ ઉપરાંત ફિલ્મમાં શમ્મી કપૂર, દીના પાઠક અને સુલભા દેશપાંડે જેવા કલાકારો પણ છે. શશી કપૂરનો કેમિયો છે. રેખા કે જે 'સિલસિલા'માં પ્રેમિકાના રોલમાં જોવા મળી હતી તે અહીં પત્નીના રોલમાં છે. જે રેખા એક સમયે 'ધ અધર વૂમન' હતી તે અહીં 'ધ અધર વૂમન'થી પરેશાન છે.
મેરા કુછ સામાન….
આ ગીત પહેલી વખત કોઈ સાંભળે તો તેને લાગે કે, એક પ્રેમિકા પોતાના પ્રેમી પાસે એ બધી વસ્તુઓ માંગી રહી છે, જે તેણે તેને ગિફ્ટમાં આપી હતી. પરંતુ, ગીતમાં ઊંડાણપૂર્વક ઊતરતા સમજાય કે, તે તેની સાથે વિતાવેલી ક્ષણો માંગી રહી છે. ફિલ્મના એક સીનમાં સુધા માયાના કોટ, શાલ અને ગોગલ્સ વચ્ચે રહેતી જોવા મળે છે. આ બધી એવી વસ્તુઓ છે જેને મહેન્દ્ર પાછી આપી શકે તેમ છે પણ આપતો નથી. બીજી તરફ, એવા અનેક મોમેન્ટ્સ છે જે પાછા આપવા અસંભવ છે.
ગીતના શબ્દો કે ન્યૂઝપેપરની હેડલાઈન?
આજે ભલે પોપ્યુલર પણ જ્યારે, ગુલઝારે 'મેરા કુછ સામાન..' આર.ડી. બર્મનને સંભળાવ્યું ત્યારે તેમનો રિસ્પોન્સ કંઈક આવો જ હતો. પંચમદાએ કહ્યું કે, હવે પછી તું મને કોઈ ન્યુઝપેપરની હેડલાઈન આપીને કહીશ કે, આના પરથી સોંગ કમ્પોઝ કરી આપો? આશા ભોંસલેના કહેવા મુજબ, પંચમદાએ તેને ન્યૂઝપેપર કહીને બાજુ પર ફેંકી દીધું હતું. જ્યારે, આશાજીએ તેના ગુણગાન શરૂ કર્યાં, ત્યારે પંચમદાને ધૂન સૂઝી અને તેમણે માત્ર ૧૫ મિનિટમાં તેનું મ્યુઝિક તૈયાર કરી લીધું. સોંગના મિડલમાં વાગતું સંતૂર ઉલ્હાસ બાપટે વગાડયું હતું. આ સોંગ માટે ગુલઝારને બેસ્ટ લિરિક્સનો અને આશા ભોંસલેને બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો નેશનલ એવોર્ડ મળ્યો. 'ઉમરાવ જાન' પછી આ તેમનો બીજો નેશનલ એવોર્ડ હતો. વર્ષો પછી ક્રોનોસ ક્વાર્ટેટ સાથેના એક આલ્બમમાં આ સોંગને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું.
ગેબ્રિયલ માર્સેલની ફિલોસોફી અને સોંગ
આ સોંગમાં હેવિંગ (માલિકીભાવ) અને બેઈંગ (અસ્તિત્વ) વચ્ચે ફરક સમજાવવામાં આવ્યો છે. વસ્તુઓ પર તમારો અધિકાર હોઈ શકે છે. તે પાછી આપી શકાય. પરંતુ, કોઈની હાજરી કે અસ્તિત્વને પાછું નથી આપી શકાતું. માયા દ્વારા લખવામાં આવેલા લેટરમાં ક્રતા છે કારણ કે, તે વસ્તુઓ પાછી માંગી રહી છે. બીજી તરફ, તેમાં કોમળતા પણ છે કારણ કે, તે એવી વસ્તુઓ પાછી માંગી રહી છે જેને ફિઝિકલ રીતે પાછી આપવી અશક્ય છે.
નિર્ણય ન લેવો પણ
એક નિર્ણય
નિર્ણય ન લેવો પણ એક નિર્ણય છે. મહેન્દ્રની ટ્રેજડીએ છે કે, તે બે સ્ત્રીઓને પ્રેમ કરે છે. કોઈ એકની પસંદગી નથી કરી શકતો. તે સુધા સાથે લગ્ન કરવામાં પાંચ વર્ષનો વિલંબ કરે છે. લગ્ન બાદ પણ માયા સાથે સંબંધો જાણવી રાખે છે. જ્યારે, માયા આત્મહત્યાનો પ્રયાસ કરે છે ત્યારે, અપરાધભાવ અનુભવે છે. માયા સાથે વધુ સમય વિતાવે છે. જેના કારણે સુધા તેને છોડીને જતી રહે છે. તેમના ઝઘડા બાદ માયા પણ ઘર છોડી દે છે. બાઈક ચલાવતી વખતે માયાનો દુપટ્ટો વ્હીલમાં ફસાઈ જતા મહેન્દ્રનું મોત થાય છે. કવિએ અહીં કહી દીધું કે, માયાને છોડશો નહીં તો અંજામ નક્કી જ છે. એક નહીં ત્રણ જિંદગી બરબાદ.
ફરી એકવાર જુદા પડયા
ફિલ્મનું ટાઈટલ છેલ્લા સીનમાં સાર્થક થાય છે. મહેન્દ્ર અને સુધા ફરી એકવાર છૂટાં પડે છે. આ વખતે સુધા મહેન્દ્રના પગે પડે છે. તેની માફી માગે છે અને જવાની 'ઈજાઝત' માંગે છે. આ દરમિયાન સુધાનો નવો પતિ (શશી કપૂર) મહેન્દ્રને ઓળખી જાય છે. તેને સ્માઈલ આપે છે. આ સ્માઈલ એવા પુરુષની ઉદારતા, જે પત્નીના ભૂતકાળથી અસુરક્ષિત નથી થતો. અને આ સીનમાં જે જોવા મળ્યું તે 'ક્લોઝર'. જે ભાગ્યે જ આજકાલની રિલેશનશિપમાં જોવા મળતું હોય છે. પરંતુ, તે કોઈપણ સંબંધનો મહત્વનો ભાગ છે. એ વિચાર કે, અહીંથી આગળ કશું શક્ય નથી.
મહેન્દ્ર, માયા અને
એક આદત
આ આપણે જેને ઈશ્વર, ભગવાન, પરમાત્મા કહીએ છીએ તે ગજબ છે. તેના જેવો કોઈ લેખક જ નથી. તેણે દરેક માણસની કહાણી એવી અદભુત, અલાયદી રીતે લખી છે કે, જો નાનો અમથો પણ ફરક કર્યો હોત તો મજા ન આવત. એ વ્યક્તિ માટે જીવન જીવન રહેત જ નહીં. આવી જ રીતે તેણે અમુક પાત્રોને એકબીજા માટે જ લખ્યાં છે. મહેન્દ્ર અને માયા તેવા જ પાત્રો. બંનેને એકબીજા વગર ન ચાલે. બંનેને એવું કે, 'તુમ મેરે પાસ હોતે હો ગોયા જબ કોઈ દૂસરા નહીં હોતા.' પણ આમાં માયા, મહેન્દ્રથી થોડી અલગ. તેને આઝાદી જોઈએ. મહેન્દ્રને માલિકીભાવનો વસવસો. બસ, અહીંથી વાત બગડી. વાત એવી બગડી કે, જેને રિપેર કરવી અશક્ય બની. આ ફિલ્મમાં મહેન્દ્ર, સુધામાં માયાને શોધે છે. ઘણા એવા કેસ હશે જેમાં, માયા કોઈ અન્ય પાત્રમાં મહેન્દ્રને શોધતી હોય. પરંતુ, આ બધું અશક્ય છે. એટલા માટે કારણ કે, તેણે લખી દીધું છે. અને તેના લખાણમાં છૂટછાટ લેવી એટલે મુસીબત નોતરવા જેવી વાત. તેણે આદત પાડી દીધી છે. અને તેણે પડાવેલી આદત છોડાવવી એટલે મુસીબત નોતરવા જેવી વાત. જેમ ફિલ્મમાં કીધું તેમ,
'આદતેં ભી અજીબ હોતી હૈ
સાંસ લેના ભી કૈસી આદત હૈ
જીયે જાના ભી ક્યા રિવાયત હૈ
જીયે જાતે હૈે…જીયે જાતે હે…આદતેં ભી અજીબ હોતી હૈ




