Chitralok

૩ ઈડિયટ્સ : ચેતન ભગત, રાજકુમાર હીરાણી અને આમિર ખાન

By GS Team
24 Sep 20267 mins read
૩ ઈડિયટ્સ : ચેતન ભગત, રાજકુમાર હીરાણી અને આમિર ખાન
  • દાસ્તાન-એ-સિનેમા- નિનાદ ગજજર
  • કહેવાય છે કે, દરેક મોટી વસ્તુની શરૂઆત નાની હોય. '૩ ઈડિયટ્સ'નું પણ કંઈક એવું જ. આ ફિલ્મ ચેતન ભગતના પુસ્તક 'ફાઈવ પોઈન્ટ સમવન' પર આધારિત છે. આ પુસ્તકની શરૂઆત રસપ્રદ રીતે થઈ હતી. ભગત હોંગકોંગમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરી રહ્યા હતા અને પ્રમોશન ન મળતાં અકળાયા હતા. તેમણે પોતાની અકળામણ પુસ્તકમાં કાઢી. જ્યારે આ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાની આવી ત્યારે રાજકુમાર હીરાણીએ તેને પોતાના રંગમાં ઢાળી, અને '૩ ઈડિયટ્સ' સાથે એવી ફિલ્મ દર્શકો સામે આવી, જેની ગણના બેસ્ટ મોટિવેશનલ ફિલ્મોમાં થવા લાગી.

ફર્સ્ટ ઈડિયટ : ચેતન ભગત
વાત ૨૦૦૪ની છે. ચેતન ભગત હોંગકોંગમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરતા હતા. તેમની પાસે ભારતની બે પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટયુટ્સ આઈઆઈટી દિલ્હી અને આઈઆઈએમ અમદાવાદની ડિગ્રીઓ હતી. અને કહી શકાય કે, એવું રેઝયુમે જેને જોઈને દરેક મા-બાપને ગર્વ થાય. થયું એવું કે, વિશ્વવિખ્યાત ગોલ્ડમેન ગુ્રપની ઓફિસના સાથીઓને પ્રમોશન મળ્યું અને ચેતન રહી ગયા. હક્કદાર હોવા છતાં પ્રમોશન ન મળતાં ચેતન 'ફ્રસ્ટ્રેટ' થયા. તેમણે પોતાનું 'ફ્રસ્ટ્રેશન' કાઢવા માટે પુસ્તક લખવાની શરૂઆત કરી. પુસ્તકનું નામ રાખ્યુંં, 'ફાઈવ પોઈન્ટ સમવન : વોટ નોટ ટુ ડુ એટ આઈઆઈટી'. તેમાં 'થ્રી ઈડિયટ્સ' - હરિ, રાયન અને આલોકની વાત કરવામાં આવી. ત્રણેય માટે આઈઆઈટીનું ભણતર સજાથી ઓછું નહોતું.
પુસ્તકના માધ્યમથી ભગત કોઈ મહાન સાહિત્યકાર બનવા માંગતા નહોતા. તેઓ ફક્ત એક અરીસો બતાવવા માંગતા હતા. એવી વાર્તા કહેવા માંગતા હતાં, જે પહેલા કોઈએ ન કહી હોય. તેઓ સાચા અર્થમાં અહીં પહેલા હતા. આઈઆઈટીમાં પ્રવેશ મેળવવો એટલે સૌથી મોટી એકેડ્મિક સિદ્ધીમાંની એક. ભગતે તેની વાસ્તવિકતા વર્ણવી. તેમની જેમ અન્ય કોઈને પણ પુસ્તકથી કોઈ અપેક્ષા નહોતી. એટલે તેનું મોટું લોન્ચિંગ પણ નહોતું રાખવામાં આવ્યું. સાહિત્ય જગતે તો તેની નોંધ શુધ્ધા નહોતી લીધી. તેમ છતાં કંઈક ગજબ થયું. વિદ્યાર્થીઓએ આ પુસ્તક એકબીજાને આપવાનું શરૂ કર્યું. એક ફ્રેન્ડ બીજાને આપે, બીજો ત્રીજાને, આમ 'વર્ડ ઓફ માઉથ'એ કમાલ કર્યો. એવો કમાલ કે જે મોટા બજેટના માર્કેટિંગ કેમ્પેઈન પણ ન કરી શકે. એક વર્ષમાં 'ફાઈવ પોઈન્ટ સમવન'ની ૩૦,૦૦૦ નકલો વેચાઈ. આંકડો એવો હતો જેણે સમગ્ર પબ્લિશિંગ વર્લ્ડને ચોંકાવી દીધો. ભગતે માત્ર બેસ્ટસેલિંગ બુક નહોતી લખી. તેમણે એક નવો વાચક વર્ગ ઊભો કર્યો. હજારો એવા યુવાનો જેમણે જિંદગીમાં ક્યારેય આખી નવલકથા નહોતી વાંચી, તેમણે ભગતની 'ફાઈવ પોઈન્ટ સમવન' હોંશે હોશે વાંચી. 'ફ્રસ્ટ્રેશન'માં લખેલી બુકની સિદ્ધિની આ તો ફક્ત શરૂઆત હતી. રાજકુમાર હિરાણીએ તેના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ઈન્વેસ્ટમેન્ટ બેંકરે ગુસ્સામાં લખેલી પુસ્તક પરથી બનેલી ફિલ્મને નામ આપવામાં આવ્યું, 'થ્રી ઈડિટયસ'.
સેકન્ડ ઈડિયટ :
રાજકુમાર હિરાણી
રાજકુમાર હિરાણીએ 'મુન્નાભાઈ સિરીઝ'થી પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેઓ નવા આઈડિયાની શોધમાં હતા. આ વચ્ચે તેમના રાઈટિંગ પાર્ટનર અભિજાત જોષીએ ચેતન ભગતની 'ફાઈવ પોઈન્ટ સમવન' વાંચી. તેમને આ વાર્તામાં એક ફિલ્મની ઝલક દેખાઈ. તેઓ જાણતા હતા કે, ઘણી વખત કોઈ પુસ્તક વાંચવામાં સારું લાગે પરંતુ, તેની ફિલ્મ દર્શકોને ન પણ ગમે. તેમણે ભગતની સ્ટોરીલાઈનને જાળવી રાખી. જેમાં, ત્રણ ફ્રેન્ડ્સ છે. એક કોલેજ છે. એવી કોલેજ જ્યાં, નંબર વનની રેસ છે. 'પરફોર્મ ઓર પેરિશ'ના સિદ્ધાંત પર કામ ચાલે છે. ત્યાં, એક એવી સિસ્ટમ છે જે વ્યક્તિની કંઈક નવું જાણવાની, વિચારવાની ક્ષમતાને ખતમ કરી નાખે.
હિરાણી અને અભિજાતે 'ફાઈવ પોઈન્ટ સમવન'નું 'સ્ટ્રક્ચર' લીધું. તેની આસપાસ મસ્ત-મજાની કહાણી લખી. એવા ટ્વિસ્ટ ઉમેર્યા, જેની સાથે સામાન્ય માણસ કનેક્ટ કરી શકે. કોલેજ પછી કોન્ટેક્ટમાં ન હોય તેવા ફ્રેન્ડ્સ. એમાંથી બે ભેગા થાય અને ત્રીજાની શોધમાં નીકળે. આ શોધ વચ્ચે ફ્લેશબેક. જેમાં, એક પછી એક ઈમોશનલ કડીઓ ઉમેરાય. કોઈ કોલેજના ખડ્ડૂસ ડિરેક્ટર 'વાયરસ'માં પોતાના કોલેજ દિવસોને જુએ. તો કોઈ કોલેજ-હોસ્ટેલના મસ્તી ભરેલા પ્રસંગોમાં કોલેજ ડેઝ. તો કોઈ ચતુર રામલિંગમ ઉર્ફે 'સાયલેન્સર'માં કોલેજનો ઓવર-સ્માર્ટ સાથી.
રણછોડદાસ ચાંચડ ઉર્ફે રેન્ચો (આમિર ખાન), ફરહાન કુરેશી (આર. માધવન), રાજુ (શરમન જોષી), પીયા (કરીના કપૂર), ડોક્ટર વીરુ સહસ્ત્રબુદ્ધે ઉર્ફે વાયરસ (બોમન ઈરાની), ચતુર રામલિંગમ ઉર્ફે સાયલેન્સર (ઓમી વૈદ) સાથે એવા કેરેક્ટર્સ ક્રિએટ કર્યા જે યાદગાર રહ્યા. આ કેરેક્ટર્સને એવા ડાયલોગ્સ આપ્યા જેને વાગોળીને ફેન્સ વર્ષો સુધી હસ્યાં. અને એમાં પણ ચતુરની સ્પીચ…ભાઈસાહેબ.. એના વિશે જેટલું કહો એટલું ઓછું..ગજબ !!
થર્ડ ઈડિયટ : આમિર ખાન
મિસ્ટર પરફેક્શનિસ્ટ સામે સૌથી મોટો પડકાર હતો. ૪૪ વર્ષના આમિરે ૨૨ વર્ષના યુવાનનો રોલ કરવાની હા પાડી હતી. આમિરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ ડરના કારણે આ રોલ માટે ના પાડવાની અણી પર હતા. પરંતુ, હિરાણીએ મનાવી લીધા.
આમિરે તૈયારીના ભાગરૂપે ભત્રીજાનું નિરીક્ષણ કરવાનું કર્યું. હાલચાલની સાથે તેની એક જગ્યાએ સ્થિર ન રહેવાની અસ્વસ્થતામાંથી તે શીખ્યો. એટલે જ ફિલ્મમાં આમિર 'રેસ્ટલેસ એનર્જી' સાથે જોવા મળે છે. આમિરનું પરફેક્શન ત્યાં રોકાયું નહોતું. તેણે દારુ પીવાના સીન માટે કથિત રીતે કલાકારોને સેટ પર થોડો દારુ પીવાનો આગ્રહ કર્યો હતો. જેથી કોમેડી નેચરલ લાગે. અને હા, આમિર હકીકતમાં બોમન ઈરાની કરતા પાંચ વર્ષ જ નાના છે. પરંતુ, કોલેજના ડિરેક્ટરનો રોલ કરી રહેલા બોમન અને આમિરની ઉંમરમાં ઝાઝું અંતર લાગે છે. બસ, આ જ આમિરની ખાસિયત છે.
ફોર્થ ઈડિયટ :
શાહરૂખ ખાન
આમિર ખાન પહેલા હિરાણી શાહરૂખ ખાન પાસે ગયા હતા. તે સમયે શાહરૂખ 'માય નેમ ઈઝ ખાન'માં બિઝી હતા. એટલે, તેમણે હિરાણીને ના પાડી. કહેવાય છે કે, શાહરૂખે પછીથી મજાકમાં કહ્યું હતું કે, ફિલ્મને જતી કરવા બદલ હું ચોથો ઈડિયટ છું.
ફિફ્થ ઈડિયટ :
કરીના કપૂર
કહેવાય છે કે, કરીના કપૂરે જ પોતાનું કાસ્ટિંગ કર્યું. મુન્નાભાઈ સિરીઝની ફિલ્મો બાદ કરીનાએ હિરાણીનો સંપર્ક કર્યો હતો. તેમને કહ્યું હતું કે, નેક્સ્ટ પ્રોજેક્ટ માટે મારી હા છે. આમ, હિરાણીને ફિલ્મની ફિફ્થ ઈડિયટ મળી હતી.
૨૦૦ કરોડ ક્લબની પહેલી
હિન્દી ફિલ્મ
'૩ ઇડિયટ્સ' ૨૦૦૯માં ક્રિસમસના દિવસે રિલીઝ થઈ. દસ દિવસની અંદર આમિરની 'ગજની'નો રેકોર્ડ તોડયો. ફિલ્મે વિશ્વભરમાં રૂ. ૪૦૦ કરોડથી વધુની કમાણી કરી અને બોલિવુડની રૂ. ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની. આ માઈલસ્ટોન સુધી પહોંચવામાં બીજી કોઈ હિન્દી ફિલ્મને ત્રણ વર્ષ લાગ્યા.આ ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' હતી.
ચીનમાં પાછલા
દરવાજેથી એન્ટ્રી
'૩ ઇડિયટ્સ'ને ચીનમાં ક્યારેય ઓફિશિયલ થિયેટર રિલીઝ નહોતી મળી. તે સમયે ત્યાં ભારતીય ફિલ્મો માટે માર્કેટ જ નહોતું. ફિલ્મની પાયરસી થઈ. અને એવી કે, દેશભરમાં પાઈરેટેડ ડીવીડી ફેલાઈ ગઈ. કોઈપણ ઓફિશિયલ રિલીઝ વગર ફિલ્મ સુપરહિટ બની. આમિરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'પાઈરસીએ મને ચીનમાં સ્ટાર બનાવ્યો…આ બધું નેચરલી થયું..મારી કોઈ ભૂમિકા નહોતી.' '૩ ઇડિયટ્સ' ચીનની સૌથી મોટી ફિલ્મ રિવ્યૂ સાઇટ 'ડૌબાન' પર ઓલ-ટાઇમ હાઈ રેટિંગ મેળવનારી ફિલ્મોમાંની એક બની. ચીનની ઘણી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવાના એક અનૌપચારિક પ્રયાસ તરીકે આ ફિલ્મ દર્શાવી હતી.
અનેક ભાષામાં '૩ ઇડિયટ્સ'ની કોપી
આ સ્ટોરીને તમિલમાં 'નાનબન' (૨૦૧૨) અને મેક્સિકોમાં '૩ ઇડિયટોસ' (૨૦૧૭) તરીકે ફરીથી બનાવવામાં આવી હતી. ઇઝરાયેલી રિમેક જેનું ટાઈટલ '૩ ઇડિયટોમ' છે, તેની પણ જાહેરાત કરવામાં આવી છે.
સ્ટીવન સ્પીલબર્ગ
ફિલ્મના સુપરફેન
હોલિવુડના આ મહાન ડિરેક્ટરે '૩ ઇડિયટ્સ'ને પોતાની પાંચ ફેવરિટ ફિલ્મોમાંથી એક ગણાવી છે. 'ધ ગોડફાધર', 'ઈ.ટી.', 'સેવિંગ પ્રાઇવેટ રાયન' અને 'જૉઝ' ની સાથે સ્પીલબર્ગને '૩ ઇડિયટ્સ' પસંદ છે.
એક અસલી 'રેન્ચો વોલ'
ફિલ્મનો ક્લાઈમેક્સ લેહની 'ડ્રૂક પદ્મા કરપો સ્કૂલ'માં શૂટ કરવામાં આવ્યો હતો. આ સ્કૂલે ખરેખર એ દીવાલને પેઇન્ટ કરીને તેનું 'રેન્ચો વોલ' નામ આપ્યું છે. લદાખમાંથી પસાર થતા પ્રવાસીઓ માટે તે હવે એક નાનું ટૂરિસ્ટ સ્પોટ બની ગયું છે.

ફિલ્મ કરતાં મોટો ડાયલોગ - ઓલ ઈઝ વેલ
જ્યારે, થોડોક પણ ડર લાગે ત્યારે દિલ પર હાથ રાખો અને કહો 'ઓલ ઈઝ વેલ, ઓલ ઈઝ વેલ, ઓલ ઈઝ વેલ..'આ જાદુઈ ડાયલોગ માત્ર એક ડાયલોગ ન રહ્યો. તે ફિલ્મ કરતા પણ મોટો બન્યો. તેણે અનેકને મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહેવાની પ્રેરણા આપી.

ફિલ્મના અફલાતૂન સંવાદો
(૧) દોસ્ત ફેઈલ હો જાયે તો દુ:ખ હોતા હૈ … લેકિન દોસ્ત ફર્સ્ટ આ જાયે તો ઝયાદા દુ:ખ હોતા હૈ
(૨) લાઈફ ઈઝ અ રેસ … ઈફ યુ ડોન્ટ રન ફાસ્ટ, યુ વિલ બી લાઈક અ બ્રોકન અંડા
(૩) તુમ ગુજરાતી લોગ ઈતને ક્યૂટ હોતે હો … પર તુમ લોગ કા ખાના ઈતના ખતરનાક ક્યોં હોતા હૈ? ઢોકળા, ફાફડા, હાંડવો, થેપલા … ઐસા લગતા હૈ જૈસે કોઈ મિસાઈલ્સ હૈ… આજ બુશ ને ઈરાક પે દો ઢોકળે ગિરા દિયે..
(૪) ઉત્તમમ્ દધદદાત પાદમ્ … મધ્યમ પાદમ્ થુચુક થુચુક … ઘનિષ્ઠ થુડથુડી પાદમ … સુરસુરી પ્રાણ ઘાતકમ્..
(૫) એક્ઝામ તો બહોત હોતે હૈં, બાપ મોસ્ટલી એક હી હોતા હૈ
(૬) બડી દુવિધા થી, દોસ્ત કો સંભાલતે કી દોસ્ત કી માં કે આંસુ પોંછતે … ફિર હમને સોચા હટાઓ યાર, મટર પનીર પે કોન્સન્ટ્રેટ કરો..
(૭) જહાંપનાહ, તુસ્સી ગ્રેટ હો … તોહફા કબૂલ કરો
(૮) અજીબ દેશ હૈ હમારા, પિત્ઝા તીસ મિનિટ મેં પહોંચને કી ગેરંટી હૈ … લેકિન એમ્બ્યુલન્સ?
(૯) દોનોં ટાંગે તુડવા કે અપને પૈરોં પે ખડા હોના સીખા હૈ
(૧૦) પનીર તો બેટા, કુછ દિનોં મેં ઈત્તી ઈત્તી થેલીયોં મેં સોનાર કી દુકાન પે બિકેગા..
(૧૧) કામિયાબ હોને કે લિયે નહીં, કાબિલ હોને કે લિયે પઢો.. સક્સેસ કે પીછે મત ભાગો, એક્સેલન્સ કા પીછા કરો, સક્સેસ ઝખ મારકે તુમ્હારે પીછે આયેગી!!