Chhota Udaipur

છોટા ઉદેપુર: સંખેડામાં 24 વર્ષથી વીજ બિલ બાકી હોવાથી શાળાનું વીજ કનેક્શન કપાયું! 30 જેટલા બાળકો ઓટલા પર અભ્યાસ કરવા મજબૂર

By GS Team
25 Sep 20263 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના સંખેડાની કૃષ્ણપુરા પ્રાથમિક શાળાનું 24 વર્ષનું વીજ બિલ બાકી હોવાથી MGVCL દ્વારા કનેક્શન કપાયું છે. છેલ્લા 15 દિવસથી ધોરણ 1થી 5ના 30 જેટલા વિદ્યાર્થીઓ ગરમીમાં ઓટલા પર ભણવા મજબૂર બન્યા છે. શાળાના આચાર્યને જાણ કર્યા વિના કનેક્શન કપાતા વિવાદ સર્જાયો છે. DEOએ માનવતાના ધોરણે વીજળી પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: સંખેડામાં 24 વર્ષથી વીજ બિલ બાકી હોવાથી શાળાનું વીજ કનેક્શન કપાયું! 30 જેટલા બાળકો ઓટલા પર અભ્યાસ કરવા મજબૂર

Chhotaudepur Sankheda School Power Connection Cut: છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતમાં આવેલી પ્રાથમિક શાળાનું વીજ કનેક્શન કપાઈ જતાં છેલ્લા 15 દિવસથી ધોરણ 1થી 5ના આશરે 30 જેટલા બાળકો ગરમીમાં ઓટલા પર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

24 વર્ષથી વીજ બિલ બાકી હોવાથી શાળાનું વીજ કનેક્શન કપાયું!

મળતી માહિતી મુજબ, કૃષ્ણપુરા વસાહતની પ્રાથમિક શાળાનું વીજ બિલ છેલ્લા 24 વર્ષથી બાકી હોવાનું જણાય છે. વીજ બિલની રકમ બાકી રહેતાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શાળાનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.

30 જેટલાં બાળકો ઓટલા પર અભ્યાસ કરવા મજબૂર

વીજળી વિના વર્ગખંડમાં ભારે ગરમી થતી હોવાથી વિદ્યાર્થીઓને ઓટલા પર બેસાડીને શિક્ષણકાર્ય આપવાની ફરજ પડી છે. હાલ ગરમીના માહોલમાં નાના ભૂલકાઓને પડતી મુશ્કેલીને લઈને વાલીઓ અને ગ્રામજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ વગર વીજ કનેક્શન કાપ્યું: આચાર્ય

શાળાના આચાર્યએ જણાવ્યું કે, 'કૃષ્ણપુરા નવા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5માં કુલ 36 બાળકો અભ્યાસ કરે છે. MGVCL નસવાડી દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું અને મીટર લઈ જવામાં આવ્યું છે. જેની અંગેની અમને શાળામાં કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરી નહોતી. થોડા દિવસ પછી મેં MGVCL કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું કે, શાળાનું મીટર ભરાતું નથી જેના કારણે આ મીટર રદ કર્યું છે અને તમારે નવા મીટર લેવા માટેની અરજી કરવી પડશે. આ અંગેની મેં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. વીજ બિલ છે એ 2002થી બાકી બોલે છે. અત્યાર સુધી લગભગ 24 વર્ષ થઈ ગયા તો MGVCLને આટલાં વર્ષો સુધી કોઈ પ્રશ્ન ન થયો અને અત્યારે જ કેમ તાત્કાલિક કોઈપણ જાતની નોટિસ કે જાણકારી વગર જ મીટર લઈ જવામાં આવ્યું.'

મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીએ શું કહ્યું?

બીજી તરફ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ, શાળાનું વીજ કનેક્શન નર્મદા નિગમના એજ્યુકેટિવ એન્જિનિયરના નામે છે અને કનેક્શનનું નામ બદલવામાં આવ્યું નથી. તેમજ નર્મદા નિગમ તરફથી બાકી રકમની ચૂકવણી કરવામાં આવી ન હોવાથી વીજ કનેક્શન કાપવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

શાળાનું વીજ કનેક્શન કાપતા પહેલાં શાળાના આચાર્યને જાણ કરવી જોઈએ: DEO

છોટા ઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, માનવતાના ધોરણે સરકારી શાળાનું વીજ કનેક્શન કાપતા પહેલાં શાળાના આચાર્યને જાણ કરવી જોઈએ. રાજ્યની પ્રાથમિક શાળાઓના વીજ બિલની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ શાળાનું બાકી વીજ બિલ પણ સરકાર દ્વારા ભરવાની પ્રક્રિયા થવી જોઈએ.

હાલ સમગ્ર મામલે મધ્ય ગુજરાત વીજ કંપની અને શિક્ષણ વિભાગ તરફથી અલગ-અલગ જવાબ સામે આવી રહ્યા છે. એક તરફ 24 વર્ષથી બાકી વીજ બિલનો પ્રશ્ન છે, તો બીજી તરફ કનેક્શન કયા નામે છે અને બાકી વીજ બિલની જવાબદારી કોની છે તે મુદ્દે પણ પ્રશ્નો ઊભા થયા છે.

આ દરમિયાન, વર્ષોથી વીજ બિલ આવતું હોવા છતાં શાળાના જવાબદાર તંત્ર દ્વારા કનેક્શનના નામમાં ફેરફાર સહિતની બાબતોનું ધ્યાન કેમ ન અપાયું તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, બાકી રકમના કારણે બાળકોને ગરમીમાં ઓટલા પર બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે ત્યારે વીજ કનેક્શન તાત્કાલિક શરૂ થાય અને વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળે તેવી માગ ઉઠી રહી છે. હવે સવાલ એ છે કે 24 વર્ષથી બાકી રહેલા વીજ બિલની જવાબદારી કોણ લેશે? અને સરકારી તંત્રની પ્રક્રિયાત્મક ગૂંચવણ વચ્ચે ગરમીમાં ભણવા મજબૂર બનેલા નાના ભૂલકાઓને વીજળીની સુવિધા ક્યારે મળશે?