છોટા ઉદેપુર: શાળાના બાંધકામ માટે પાયા ખોદાયા બાદ કોન્ટ્રાક્ટર ગાયબ, અધૂરાં કામને કારણે વિદ્યાર્થીઓને હાલાકી, ગ્રામજનોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhotaudepur Naswadi News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે પ્રાથમિક શાળાના બાંધકામ માટે પાયા ખોદાયા બાદ કોન્ટ્રાક્ટર ગાયબ થઈ જતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. છોટા ઉદેપુર સર્વ શિક્ષા અભિયાન દ્વારા નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે આશરે 20 લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવા માટે માર્ચ 2026માં એ.આર. પટેલ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
શાળાના બાંધકામમાં પાયા ખોદાયા બાદ કોન્ટ્રાક્ટર ગાયબ
જેમાં શાળાનું બાંધકામ 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરીને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના બાંધકામ માટે માત્ર પાયા ખોદવામાં આવ્યા બાદ આગળનું કામ શરૂ કરવામાં આવ્યું નથી.
કામ અધૂરું છોડતાં વિદ્યાર્થીઓને હાલાકી
બાંધકામ અધૂરું રહેતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માગ છે કે, શાળાનું બાંધકામ તાત્કાલિક શરૂ કરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે.
આ મામલે સંબંધિત અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને કામ શરૂ કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે, ગ્રામજનોના જણાવ્યા મુજબ નોટિસ બાદ પણ બાંધકામની કામગીરી આગળ વધી નથી.
હાલમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નાના ભૂલકાઓને શાળાની સુવિધાથી વંચિત રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે અને શાળાનું બાંધકામ ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું.




