Chhota Udaipur

છોટા ઉદેપુરમાં જાહેર મંચ પરથી સાંસદ મુકેશ રાઠવાના આપ પર આકરા પ્રહાર:'2027માં ઘરમાંથી પણ બહાર નહીં નીકળવા દઈએ'

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરમાં ભાજપના રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ 'આપ' પર આકરા પ્રહારો કર્યા. એક જાહેર કાર્યક્રમમાં તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં 'આપ' નેતાઓને ઘરભેગા કરવાની ચેતવણી આપી. રીલ્સ બનાવતા 'આપ' નેતાઓને વંદા અને જૂના જમાનાની જીવાત સાથે સરખાવી, તેમનું અસ્તિત્વ નહીં રહે તેમ જણાવ્યું. આ ટિપ્પણીથી જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરમાં જાહેર મંચ પરથી સાંસદ મુકેશ રાઠવાના આપ પર આકરા પ્રહાર:'2027માં ઘરમાંથી પણ બહાર નહીં નીકળવા દઈએ'

Chhota Udepur News: છોટા ઉદેપુર ખાતે યોજાયેલા એક જાહેર લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ આમ આદમી પાર્ટી (AAP) પર તીખા પ્રહારો કર્યા છે. જાહેર મંચ પરથી ભાજપના અગ્રણી નેતાઓની હાજરી વચ્ચે સંબોધન કરતા મુકેશ રાઠવાએ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને 'આપ'ના નેતાઓને ઘરભેગા કરી દેવાનો પડકાર ફેંક્યો હતો.

રીલ્સ બનાવતા નેતાઓને ખુલ્લો પડકાર

સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને સ્થાનિક સમસ્યાઓ રજૂ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ પર કટાક્ષ કરતા સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું હતું કે, 'વર્ષ 2027માં તમે જે સપનાં જોઈ રહ્યા છો, તેમાં તમને સંપૂર્ણપણે ઘરભેગા કરી દઈશું અને ઘરમાંથી પણ બહાર નહીં નીકળવા દઈએ.'

સાંસદ મુકેશ રાઠવાએ વિરોધ પક્ષ પર વધુ આકરા પ્રહારો કરતા વંદા (કોકરોચ) અને જૂના જમાનામાં ખાટલામાં જોવા મળતી જીવાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, 'આવી જીવાત હવે બહાર નીકળીને આપણી સામે આંદોલનો કરી રહી છે. આપણા જિલ્લામાં પણ આવા કેટલાક લોકો સક્રિય થયા છે, પરંતુ આગામી દિવસોમાં તેમનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં.'

2027ની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો

ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા બેઠકો આવેલી છે. અગાઉ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનને ધ્યાને રાખીને ભાજપે અત્યારથી જ 2027ની વિધાનસભા ચૂંટણીની વ્યૂહાત્મક તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપના સાંસદ મુકેશ રાઠવાની આક્રમક ટીપ્પણી બાદ છોટાઉદેપુર સહિત સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.