Chhota Udaipur

VIDEO: ભાજપના નેતાઓ મોડા પડ્યાને AAP વાળા ખાતમુહૂર્ત કરી ગયા! છોટા ઉદેપુરના કવાંટમાં રાજકીય ડ્રામાનો વીડિયો વાયરલ

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના કવાંટ ખાતે ₹2.87 કરોડના તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ અને AAP વચ્ચે રાજકીય ઘર્ષણ થયું. ભાજપના નેતાઓ મોડા પડતાં, AAPના તાલુકા પંચાયત પ્રમુખે પૂજા-અર્ચના કરી ખાતમુહૂર્ત કરી દીધું. સમયપાલન અને સત્તાની ખેંચતાણ વચ્ચે આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ભાજપના નેતાઓ મોડા પડ્યાને AAP વાળા ખાતમુહૂર્ત કરી ગયા! છોટા ઉદેપુરના કવાંટમાં રાજકીય ડ્રામાનો વીડિયો વાયરલ

Kwant BJP-AAP Political Clash: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે તાલુકા પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ₹2.87 કરોડના ખર્ચે મંજૂર થયેલા તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના સાંસદ, ધારાસભ્ય, રાજ્યસભાના સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ મોડા પહોંચ્યા હોવાના આક્ષેપો વચ્ચે કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ અગાઉથી જ પૂજા-અર્ચના કરીને ખાતમુહૂર્તની વિધિ પૂર્ણ કરી દીધી હતી. આમ, સરકારી ભવનના ખાતમુહૂર્તમાં સમયપાલન સામે સત્તાની ખેંચતાણનો મુદ્દો ગરમાયો હતો.

ભાજપના નેતાઓ મોડા પડ્યાને AAP વાળા ખાતમુહૂર્ત કરી ગયા!

મળતી માહિતી મુજબ, કવાંટ તાલુકા પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમનો સમય સવારે 10 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓના જણાવ્યા પ્રમાણે, સરકારી કાર્યક્રમના નિર્ધારિત સમયે ભાજપના આગેવાનો હાજર ન રહેતાં તાલુકા પંચાયતના પ્રમુખ અને પાર્ટીના નેતાઓએ ખાતમુહૂર્તની વિધિ કરી નાખી હતી. આ ઘટનાને પગલે ભાજપના વર્તુળોમાં નારાજગી છવાઈ હતી.

AAPના નેતાઓએ શું કહ્યું?

AAPના નેતાઓએ જણાવ્યું કે, કાર્યક્રમનો સમય નક્કી કરવામાં આવ્યો હોવા છતાં ભાજપના આગેવાનો સમયસર હાજર રહ્યા નહોતા. સરકારી કાર્યક્રમમાં સમયપાલન જરૂરી છે અને કાર્યક્રમને રાજકીય આગેવાનોની રાહ જોવામાં અટકાવી રાખવો યોગ્ય ન હોવાથી તાલુકા પંચાયતના પ્રમુખ અને પાર્ટીના નેતાઓએ ખાતમુહૂર્તની વિધિ કરી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખે વાંધો ઉઠાવ્યો

બીજી તરફ, છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખે AAPના નેતાઓના આ પગલાં સામે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, સરકારની યોજનાઓ હેઠળ ગ્રાન્ટ મળવાથી જ ભવનનું નિર્માણ શક્ય બને છે અને ભાજપના આગેવાનોએ સભાને સંબોધન પણ કર્યું હતું. તેવામાં AAPના નેતાઓએ આ રીતે અલગથી ખાતમુહૂર્ત કરીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો

જિલ્લા પંચાયત પ્રમુખે વધુમાં જણાવ્યું કે, 'અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સમય પ્રમાણે તેઓ પહોંચ્યા હતા અને AAPના નેતાઓ ખોટા આક્ષેપ કરી રહ્યા છે.' આમ બંને પક્ષે પોતપોતાની દલીલો રજૂ કરતાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે. એક તરફ ભાજપના નેતાઓ સરકારી યોજનાઓ અને ગ્રાન્ટના યોગદાનની વાત કરી રહ્યા છે તો બીજી તરફ AAPના નેતાઓ સમયપાલનનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

આ ઘટનાએ એક સવાલ પણ ઊભો કર્યો છે કે, વિકાસના કામોના કાર્યક્રમોમાં પ્રાથમિકતા જનહિતને મળવી જોઈએ કે રાજકીય શ્રેય લેવાની સ્પર્ધાને? હાલ તો છોટા ઉદેપુર જિલ્લામાં કવાટ તાલુકામાં એક માત્ર તાલુકા પંચાયત AAPનું શાસન છે, જેને લઈને સત્તાનો ઉપયોગ કરી તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરી નાખતા હાલ તો ભાજપ અને AAP આમને સામને આવી ગયા છે. છોટા ઉદેપુર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બંને પાર્ટીઓ એકબીજા સામે આકરા પ્રહારો કરી રહી છે.