Chhota Udaipur

જાતિના દાખલા વિવાદ પછી પણ છોટા ઉદેપુર પેટા ચૂંટણીમાં ભાજપે બેઠક જાળવી રાખી! જાણો કોને કેટલા મત મળ્યા

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ-4ની પેટાચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી બેઠક જાળવી રાખી છે. ભાજપનાં ડો. રજનીબેન રાઠવાએ 1,108 મત મેળવી, કોંગ્રેસના અર્જુનભાઈ રાઠવા (356 મત) અને આપના ડો. કૈલાસ રાઠવા (326 મત) ને હરાવ્યા હતા. જાતિના દાખલાના વિવાદને કારણે ખાલી પડેલી આ બેઠક પર ભાજપે 752 મતોની જંગી સરસાઈથી જીત મેળવી સ્થાનિક રાજકારણમાં પોતાની પકડ મજબૂત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાતિના દાખલા વિવાદ પછી પણ છોટા ઉદેપુર પેટા ચૂંટણીમાં ભાજપે બેઠક જાળવી રાખી! જાણો કોને કેટલા મત મળ્યા

Chhota Udaipur Municipality Ward 4 Bypoll Result 2026 : છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી બેઠક પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે. ભાજપનાં ઉમેદવાર ડો. રજનીબેન રાઠવાએ 1,108 મત મેળવી વિજય હાંસલ કર્યો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ રાઠવાને 356 મત, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો. કૈલાસ રાઠવાને 326 મત મળ્યા છે. મતગણતરીનાં પરિણામ મુજબ, ડો. રજનીબેન રાઠવાએ કોંગ્રેસના ઉમેદવાર કરતાં 752 મત વધુ મેળવી જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરતાં તેમની સરસાઈ 782 મતની રહી છે. પરિણામ જાહેર થતાં ભાજપે વોર્ડ નંબર-4ની બેઠક ફરી પોતાના પક્ષે જાળવી રાખી છે.

જાતિના દાખલાના વિવાદને પગલે યોજાઈ પેટાચૂંટણી

વોર્ડ નંબર-4ની બેઠક ભાજપનાં મંજુલાબેન કોલીનું સભ્યપદ રદ થતાં ખાલી પડી હતી. જાતિના દાખલા સંબંધિત વિવાદને પગલે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજવાની જરૂર પડી હતી. આ ચૂંટણીમાં ભાજપે ડો. રજનીબેન રાઠવાને મેદાનમાં ઉતાર્યાં હતાં. તેમની સામે કોંગ્રેસે અર્જુનભાઈ રાઠવા અને આમ આદમી પાર્ટીએ ડો. કૈલાસ રાઠવાને ઉમેદવાર બનાવ્યા હતા. મતગણતરી બાદ ભાજપના ઉમેદવારે બંને પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખીને જીત મેળવી હતી.

પરિણામ બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચા

વોર્ડ નંબર-4ની બેઠક જાળવી રાખવામાં ભાજપ સફળ રહેતાં છોટાઉદેપુર નગરપાલિકાના રાજકીય વર્તુળોમાં પરિણામની ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મતના તફાવતની સાથે ભાજપના ઉમેદવારને મળેલા મત પણ ચર્ચાનો વિષય બન્યા છે. જોકે, આ પેટાચૂંટણીના પરિણામની નગરપાલિકાના વ્યાપક રાજકીય સમીકરણો પર કેટલી અસર પડે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. હાલ પૂરતું વોર્ડ નંબર-4ની બેઠક પર ભાજપે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.