Chhota Udaipur

છોટાઉદેપુર: કદવાલના ઝરી ગામમાં 70 વર્ષ જૂના જર્જરિત ઓરડામાં જીવના જોખમે ભણવા મજબૂર 125 માસૂમ બાળકો

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના કદવાલ તાલુકાના ઝરી ગામમાં શિક્ષણની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળાના 70 વર્ષ જૂના જર્જરિત ઓરડામાં 125 બાળકો જીવના જોખમે ભણી રહ્યા છે. ચોમાસામાં છતમાંથી પાણી ટપકતા બાળકોને બેસવાની પણ જગ્યા મળતી નથી. અન્ય ઓરડા 1 કિલોમીટર દૂર હોવાથી બાળકોને ભોજન અને અભ્યાસ માટે અવરજવર કરવી પડે છે, જે શિક્ષણ પર અસર કરે છે. ગ્રામજનોએ નવી શાળા માટે સરકારી જમીનની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર: કદવાલના ઝરી ગામમાં 70 વર્ષ જૂના જર્જરિત ઓરડામાં જીવના જોખમે ભણવા મજબૂર 125 માસૂમ બાળકો

Chhotaudepur Kadval Zari School : છોટાઉદેપુર જિલ્લાના નવરચિત કદવાલ તાલુકાના ઝરી ગામમાંથી શિક્ષણ વ્યવસ્થાની અત્યંત ચિંતાજનક તસવીર સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા કુલ 125 જેટલા માસૂમ બાળકો જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે. શાળાના ઓરડા આશરે 70 વર્ષ જૂના અને અત્યંત જર્જરિત હાલતમાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ ઓરડાઓની છતમાંથી સતત પાણી ટપકે છે. જેના કારણે બાળકોને બેસવા માટે પણ યોગ્ય જગ્યા મળતી નથી. જોખમી સ્થિતિ હોવા છતાં શિક્ષકો બાળકોને મજબૂર થઈને આ જ જોખમી વર્ગખંડોમાં બેસાડીને અભ્યાસ કરાવે છે.

શાળાના અન્ય ઓરડા 1 કિલોમીટર દૂર હોવાથી મુશ્કેલી

આ શાળાની સમસ્યા માત્ર જર્જરિત ઓરડા પૂરતી સીમિત નથી, પરંતુ શાળાના અન્ય ઓરડા ગામથી આશરે 1 કિલોમીટર દૂર આવેલા છે. આ ઉપરાંત મધ્યાહન ભોજન માટેનું રસોડું ગામમાં આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલું છે. જેના કારણે બાળકોને ભોજન માટે અને અભ્યાસ માટે વારંવાર 1 કિલોમીટરનું અંતર કાપીને આવન-જાવન કરવી પડે છે. બાળકોનો ઘણો સમય આ અવરજવરમાં જ બગડતો હોવાથી તેમના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે. શિક્ષકો માટે પણ બાળકોને આ પ્રકારે દૂર લઈ જઈને અભ્યાસ કરાવવો અત્યંત મુશ્કેલ બની ગયું છે.

ગ્રામજનોની ઉગ્ર માંગ અને તંત્ર સમક્ષ રજૂઆત

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત અને વિકસિત શિક્ષણના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે વાસ્તવિકતા આનાથી વિપરીત છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જો ઝરી ગામમાં નવી પ્રાથમિક શાળાના ઓરડા બનાવવા માટે યોગ્ય સરકારી જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે, તો આ કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ગ્રામજનોએ માંગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આ સ્થળની મુલાકાત લઈને જાતે સ્થિતિ નિહાળે, તાત્કાલિક સરકારી જમીન ફાળવીને નવી અને સુરક્ષિત શાળાના ઓરડાનું નિર્માણ કરાવે જેથી બાળકો સુરક્ષિત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે.