છોટા ઉદેપુર: 'ગુજરાત પેટર્ન' યોજનામાં 700થી વધુ બોરવેલનું કામ ઠપ્પ, 7 કરોડની ગ્રાન્ટ અટકાવાતાં ખેડૂતો હેરાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Gujarat Pattern Scheme: છોટા ઉદેપુર જિલ્લામાં 'ગુજરાત પેટર્ન' યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે મંજૂર કરાયેલા 700થી વધુ બોરવેલના કામો વહીવટી ગૂંચવણના કારણે ખોંભે પડ્યા છે. 7 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં ન આવતાં અને વહીવટી મંજૂરી અચાનક સ્થગિત કરી દેવાતાં આદિવાસી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
તાલુકાવાર 700થી વધુ બોરને મળી હતી મંજૂરી
મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવી જેતપુર અને છોટા ઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારોમાં ખેતી આધારિત પરિવારને સિંચાઈ સુવિધા આપવા માટે ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2024-25ના આયોજનમાં બોર મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં કવાંટ તાલુકામાં 119, નસવાડીમાં 103, છોટા ઉદેપુરમાં 220, પાવી જેતપુરમાં 134, સંખેડામાં 13 અને બોડેલીમાં 42 મળીને સમગ્ર જિલ્લામાં 700થી વધુ બોરવેલ બનાવવાનું આયોજન હતું.
બોર કરાવ્યા બાદ વહીવટી મંજૂરી સ્થગિત કરાતાં ખેડૂતો મુશ્કેલીમાં
આ અંગે 23મી જાન્યુઆરી 2026ના રોજ છોટા ઉદેપુર પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ને વહીવટી મંજૂરી અંગેનો પત્ર પાઠવવામાં આવ્યો હતો. અધિકારીઓની સૂચના અને મંજૂરીના આધારે કેટલાંક ખેડૂતોએ પોતાના ખર્ચે ખેતરોમાં બોર કરાવી પણ દીધા હતા. પરંતુ ત્યારબાદ અચાનક બોરની વહીવટી મંજૂરી સ્થગિત કરવાનો આદેશ અપાતાં કામગીરી અટકી ગઈ છે અને જે ખેડૂતોએ બોર કરાવ્યા છે તેમને નાણાંનું ચૂકવણું પણ થયું નથી.
અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિજિલન્સ તપાસની માંગ
ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ બોર માટેની 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છેલ્લા નવ મહિનાથી રોકી રાખવામાં આવી છે. બીજી તરફ યોજના હેઠળ અન્ય વિકાસકામો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ખેડૂતો માટે અગત્યની એવી સિંચાઈની ગ્રાન્ટ શા માટે અટકાવવામાં આવી તે અંગે સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર મામલે આદિવાસી ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ખેડૂતોએ આ પ્રશ્ને જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરવાની સાથે સમગ્ર પ્રક્રિયાની વિજિલન્સ તપાસ કરાવવાની માંગ કરી છે. સ્થાનિક આદિવાસી ખેડૂત અર્જુન રાઠવાએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'સિંચાઈ પાણી મળી રહે તે માટે 700 જેટલા બોર મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓની નીતિ-રીતિના કારણે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. ખેડૂતોના હિતના કામો અટકાવી દેવામાં આવ્યા છે, જેથી આ સમગ્ર નિર્ણયની ઉચ્ચ સ્તરેથી તપાસ થવી જોઈએ.'




