Chhota Udaipur

છોટાઉદેપુર: કવાંટમાં કેળાંની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર LCBએ કવાંટના નવલજા ગામેથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. કેળાં ભરેલા કેરેટની આડમાં છુપાવીને લઈ જવાતો રૂપિયા 11,74,656 થી વધુનો દારૂ પોલીસે જપ્ત કર્યો. દારૂ સહિત કુલ રૂપિયા 19,93,656 નો મુદ્દામાલ કબજે કરાયો. એક આરોપી વિપુલ રાવળદેવની ધરપકડ કરાઈ, જ્યારે અન્ય બે વોન્ટેડની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર: કવાંટમાં કેળાંની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ

Chhotaudepur LCB Liquor Seizure Kavant : છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે છોટાઉદેપુર LCBએ કવાંટના નવલજા ગામેથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. કેળાં ભરેલા કેરેટની આડમાં છુપાવીને લઈ જવાતો રૂપિયા 11,74,656 થી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. દારૂ સહિત કુલ રૂપિયા 19,93,656 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

બોલેરો પીકઅપ વાહનની તલાશીમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો

છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમ કવાંટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવલજા ગામના રોડ ઉપર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન GJ-13-AX-6419 નંબરની સફેદ મહિન્દ્રા બોલેરો પીકઅપ શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસે તેને કોર્ડન કરી હતી. પોલીસને જોઈ ચાલકે વાહન છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. વાહનની ઝીણવટભરી તપાસ કરતા કેળાંના કેરેટની નીચે સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં કુલ 3,648 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આરોપીની ધરપકડ અને અન્ય વોન્ટેડ શખ્સોની શોધખોળ

પોલીસે દારૂ ઉપરાંત રૂપિયા 8,00,000 ની બોલેરો પીકઅપ, રૂપિયા 10,000 નો મોબાઇલ ફોન અને રૂપિયા 9,000 ની કિંમતના આશરે 900 કિલો કેળાં જપ્ત કર્યા છે. આ કેસમાં વિપુલભાઈ ભરતભાઈ રાવળદેવ (ઉંમર 28 વર્ષ, રહે. ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ભરી આપનાર રણજીતસીંગ જંડેલસીંગ તોમર તથા સોનુ પઠાણના નામ સામે આવ્યા છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.