Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીમાં ₹500માં બોગસ ST દાખલો બનાવવાનું કૌભાંડ, વીસીઈ સરફરાઝ ભીલની ધરપકડ

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડીમાં STના બોગસ દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. રતનપુરા (ન) ગ્રામ પંચાયતના VCE સરફરાઝ વિનોદ ભીલ દ્વારા ₹500માં બોગસ દાખલા બનતા હોવાનો પર્દાફાશ થયો છે. ખાપરિયાના પ્રભુ રાઠવાએ જૂનો દાખલો રજૂ કરતા મામલતદાર કચેરીમાં તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો. પોલીસે સરફરાઝની ધરપકડ કરી રિમાન્ડ પર લેતા વધુ ખુલાસાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીમાં ₹500માં બોગસ ST દાખલો બનાવવાનું કૌભાંડ, વીસીઈ સરફરાઝ ભીલની ધરપકડ

Chhota Udepur ST Certificate Scam: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં અનુસૂચિત જનજાતિ (ST)ના બોગસ દાખલા બનાવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. નસવાડી તાલુકાના રતનપુરા (ન) જૂથ ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) સરફરાઝ વિનોદ ભીલ દ્વારા બોગસ દાખલા તૈયાર કરવાનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

આ રીતે થયો કૌભાંડનો પર્દાફાશ

નસવાડી તાલુકાના ખાપરિયા ગામના અરજદાર પ્રભુ રાઠવાએ જાતિનો દાખલો મેળવવા માટે નસવાડી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ અરજી સાથે તેમણે પુરાવા તરીકે વર્ષ 2024નો એક જૂનો જાતિનો દાખલો રજૂ કર્યો હતો. મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવતાં આ જૂનો દાખલો તદ્દન બોગસ હોવાનું માલૂમ પડ્યું હતું.

પોલીસ કાર્યવાહી અને કબૂલાત

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નસવાડી મામલતદારે તાત્કાલિક ધોરણે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને VCE સરફરાઝ ભીલની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સરફરાઝે માત્ર 500 રૂપિયા લઈને બોગસ જાતિનો દાખલો બનાવી આપ્યો હોવાની કબૂલાત કરી છે.

હવે પોલીસ તપાસનો સૌથી મોટો સવાલ એ છે કે આ રીતે અત્યાર સુધી કેટલા બોગસ દાખલા બનાવવામાં આવ્યા છે? કોને-કોને આવા દાખલા આપવામાં આવ્યા છે? અને આ સમગ્ર મામલામાં હજુ કેટલાં લોકોની સંડોવણી છે?

પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કૌભાંડના તાર વધુ ઊંડે સુધી પહોંચવાની અને મોટા ધટસ્ફોટ થવાની શક્યતા છે. બીજી તરફ સ્થાનિક સ્તરે આરોપીના પરિવારના રાજકીય સંબંધો અંગે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે, પરંતુ આંગળી ચિંધાયા બાદ હવે સત્તાવાર તપાસમાં શું વિગતો બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.