Chhota Udaipur

છોટા ઉદેપુર: બોડેલીમાં નાણાપંચની નવી ગાઈડલાઈન સામે સરપંચો લાલઘૂમ, DDOને આવેદન પાઠવ્યું

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં પંચાયત વિભાગની નવી ગાઈડલાઈન સામે સરપંચોએ વિરોધ નોંધાવ્યો છે. ભગત ચિરાગકુમારની આગેવાની હેઠળ સરપંચ સંઘે DDOને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સુધારાની માંગ કરી. નવી જોગવાઈ મુજબ ₹6 લાખથી વધુના કામો ફરજિયાતપણે તાલુકા-જિલ્લા કક્ષાએ લેવા પડશે, જેથી નાના કામો અટકી પડશે. સરપંચોએ ₹5 લાખની મર્યાદા વધારી ₹10 લાખ કરવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલીમાં નાણાપંચની નવી ગાઈડલાઈન સામે સરપંચો લાલઘૂમ, DDOને આવેદન પાઠવ્યું

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પંચાયત વિભાગ દ્વારા નાણાપંચની ગ્રાન્ટ અને કામોના આયોજન અંગે બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન સામે સરપંચ સંઘે વિરોધ નોંધાવ્યો છે. બોડેલી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ભગત ચિરાગકુમાર (વાલપરી જૂથ ગ્રામ પંચાયત)ની આગેવાની હેઠળ તાલુકાના સરપંચોએ છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને આવેદનપત્ર પાઠવી નવી ગાઈડલાઈનમાં તાત્કાલિક સુધારો કરવાની માગ કરી છે.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ તાલુકા અને જિલ્લા કક્ષાના આયોજનમાં ફરજિયાતપણે 6 લાખ રૂપિયાથી વધુના કામો લેવાની જોગવાઈ કરવામાં આવી હોવાનો સરપંચ સંઘનો આક્ષેપ છે.

સરપંચોના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયતોમાં રૂ. 5 લાખથી વધુના કામો માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત હોવાથી નવી ગાઈડલાઈનના કારણે વિકાસ કામોની પ્રક્રિયા વિલંબિત થશે. પરિણામે ગામડાંઓના નાના અને અત્યાવશ્યક કામો સમયસર પૂર્ણ થઈ શકશે નહીં. આ સાથે જ ગ્રામ પંચાયતોની નાણાકીય સ્વાયત્તતા મર્યાદિત થવાની અને કામોની ગુણવત્તા પર અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

સરપંચ સંઘની માગણીઓ

•તાલુકા અને જિલ્લા સમિતિના આયોજન માટે પંચાયત હિત લક્ષી જૂની ગાઈડલાઈન યથાવત રાખવામાં આવે.
•ગ્રામ પંચાયતની હાલની રૂ. 5 લાખની કામ કરવાની નાણાકીય મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવે.
•10 લાખ રૂપિયા સુધીના કામો માટે પ્રક્રિયા સરળ રાખવામાં આવે, જેથી ટેન્ડરિંગનો ખર્ચ અને સમય બચે.
•ગામડાંના આંતરિક માર્ગો તથા પેવર બ્લોક પાછળ અનટાઈડ ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાની 20 ટકાની મર્યાદા રદ કરવામાં આવે.

આવેદનપત્રમાં સરપંચ સંઘે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની સત્તા મર્યાદા વધારવામાં આવે અથવા અનુકૂળ નિયમો જાળવી રાખવામાં આવે તો જ ગામડાંઓમાં ઝડપી અને ગુણવત્તાસભર વિકાસ કામો શક્ય બનશે.