Chhota Udaipur

છોટા ઉદેપુર: બોડેલીના ચલામલી ગામે કરિયાણાની દુકાનમાં આગ ચાંપનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
છોટાઉદેપુરમાં બોડેલી પોલીસે ચલામલી ગામની કરિયાણાની દુકાનમાં આગ લગાવવાનો ભેદ ઉકેલ્યો છે. 23 સપ્ટેમ્બરે મોડી રાત્રે દુકાનના શટર પર જ્વલનશીલ પદાર્થ છાંટી 70,000 રૂપિયાનું નુકસાન કરાયું હતું. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સપોર્ટથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સફળ કામગીરીથી સ્થાનિક વેપારીઓમાં હાશકારો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલીના ચલામલી ગામે કરિયાણાની દુકાનમાં આગ ચાંપનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

Chhota Udepur News: છોટા ઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચલામલી ગામે કરિયાણાની દુકાનમાં આગ લગાવવાના બનાવોનો બોડેલી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સપોર્ટના આધારે સઘન તપાસ હાથ ધરીને દુકાનમાં આગ ચાંપનાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શટર આગળ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવાઈ હતી

મળતી વિગતો અનુસાર, ગત 23 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે કોઈ અજાણ્યા શખસોએ ચલામલી ગામે આવેલી એક વેપારીની કરિયાણાની દુકાનને નિશાન બનાવી હતી. દુકાનના શટર આગળ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી. આ અચાનક લાગેલી આગના કારણે દુકાનમાં રાખેલો કરિયાણાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી વેપારીને અંદાજે 70 હજાર રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું.

અનડીટેક્ટ ગુનામાં પોલીસે ટેકનિકલ પુરાવા મેળવ્યા

બનાવ અંગે વેપારીની ફરિયાદના આધારે બોડેલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ ગુનો તદ્દન અનડીટેક્ટ હતો અને આરોપીઓ અંગે કોઈ સ્પષ્ટ સુરાગ મળ્યો નહોતો. પરંતુ બોડેલી પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી હતી.

પોલીસે પોતાના ખાનગી હ્યુમન સોર્સીસ અને સીસીટીવી તેમજ મોબાઈલ લોકેશન સહિતના ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ આગળ ધપાવી હતી. ટેકનિકલ પુરાવા અને બાતમીના આધારે પોલીસે દુકાનમાં આગ લગાવવામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ છતી કરી તેને દબોચી લીધા હતા. બોડેલી પોલીસની આ સફળ કામગીરીથી સ્થાનિક વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી છે.