Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીમાં 10 વર્ષથી ફાયર વિભાગની સુવિધા નથી, આદિવાસી સમાજમાં ભારે રોષ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં 10 વર્ષથી કાયમી ફાયર સ્ટેશન ન હોવાથી 212 ગામોના લોકોમાં રોષ છે. તાજેતરમાં ગોયાવાંટ ગામે આગથી મકાનો ખાખ થતાં, સંખેડાથી ફાયર ફાઈટર આવતા મોડું થયું. આદિવાસી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક ફાયર વિભાગ અને સ્ટાફની માંગ કરી છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીમાં 10 વર્ષથી ફાયર વિભાગની સુવિધા નથી, આદિવાસી સમાજમાં ભારે રોષ

Naswadi Fire Station: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લાં 10 વર્ષથી કાયમી ફાયર સ્ટેશન કે ફાયર વિભાગની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક રહીશો અને આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. 212 ગામો ધરાવતા આ મોટા તાલુકામાં જ્યારે પણ આગની દુર્ઘટના સર્જાય છે ત્યારે સંખેડા, બોડેલી કે છોટા ઉદેપુર જેવા દૂરના તાલુકાઓમાંથી ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડે છે.

તાજેતરમાં જ નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામે સર્જાયેલી આગની ઘટનામાં મકાનો અને ઘરવખરી બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનોએ એકઠા થઈ નસવાડી મામલતદારને આવેદનપત્ર પાઠવી તાલુકા મથકે તાત્કાલિક કાયમી ફાયર વિભાગ તેમજ જરૂરી સ્ટાફની ફાળવણી કરવાની માંગ કરી છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વર્ષે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની વિકાસ ગ્રાન્ટ મંજૂર થાય છે, પરંતુ પ્રજાના માલ-મિલકત અને જાનના રક્ષણ માટે અત્યંત જરૂરી એવા ફાયર વિભાગ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ચૂંટણી સમયે રાજકીય નેતાઓ દ્વારા ફાયર સ્ટેશન મંજૂર કરવાની જાહેરાતો કે વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ આ પ્રશ્ન બાજુ પર ધકેલાઈ જાય છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આગ લાગવાના કિસ્સામાં ગરીબ અને સામાન્ય પરિવારો પોતાની વર્ષોની કમાણી તથા ઘરવખરી ક્ષણભરમાં ગુમાવી દે છે. તંત્ર દ્વારા આગ બાદ આપવામાં આવતી રાહત-સહાય પૂરતી હોતી નથી અને તેની પ્રક્રિયા પણ જટિલ હોય છે. આવી સ્થિતિમાં જો સ્થાનિક કક્ષાએ જ સમયસર ફાયર વિભાગ ઉપલબ્ધ થાય તો મોટી જાનમાલની હોનારત નિવારી શકાય તેમ છે.

આવેદનપત્ર આપનારા આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે આશ્વાસન નહીં પણ નક્કર કામગીરી જોઈએ છે. 212 ગામોની વસતી ધરાવતા નસવાડી તાલુકામાં તંત્ર દ્વારા તાત્કાલિક કાયમી ફાયર વિભાગની વ્યવસ્થા કરવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે.