છોટા ઉદેપુર: નસવાડીના માતોરા ગામે બે ખેતરોમાંથી 8 લાખનો લીલો ગાંજો ઝડપાયો, બે શખસોની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Ganja Seizure: છોટા ઉદેપુર જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વાવેતર અને હેરાફેરી સામે એસ.ઓ.જી. (SOG) પોલીસે લાલ આંખ કરીને મોટી કાર્યવાહી કરી છે. નસવાડી તાલુકાના માતોરા ગામે આવેલા બે ખેતરોમાં બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે ગેરકાયદે વાવેતર કરાયેલા લીલા ગાંજાના 38 છોડ ઝડપી પાડ્યા છે. જેનું વજન 16 કિલોથી વધુ થાય છે.
ખેતરમાંથી 8 લાખનો ગાંજાનો જથ્થો મળ્યો
રાજ્યમાં નશીલા પદાર્થોનું વાવેતર અને નેટવર્ક નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે જિલ્લામાં NDPS સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન SOG પોલીસને મળેલી બાતમીના આધારે નસવાડીના માતોરા ગામે વિષ્ણુ રાઠવા અને દામણ રાઠવાના કબજા-ભોગવટાવાળા ખેતરોમાં તપાસ હાથ ધરાઈ હતી. પોલીસની દરોડા દરમિયાન બંને ખેતરોમાંથી ગાંજાના 38 નંગ લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે આ સમગ્ર જથ્થાની ગણતરી કરી વજન કરાવતાં કુલ 16.2 કિલોગ્રામ જથ્થો નીકળ્યો હતો, જેની અંદાજિત કિંમત 8.01 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
SOG પોલીસે ગાંજાના છોડ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે બંને ખેતર માલિકો સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




