છોટા ઉદેપુર: સંખેડા પોલીસને ચકમો આપી મારામારી અને ખંડણીનો આરોપી કસ્ટડીમાંથી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મારામારી અને ખંડણીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. હંસાપુરા ગામના 25 વર્ષીય રાકેશ તડવી નામના આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં મેજિસ્ટ્રેટ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડી (ન્યાયિક હીરાસત) હેઠળ મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
પોલીસ કર્મચારીઓને ચકમો આપીને ભાગી છૂટ્યો
અદાલતના હુકમ બાદ પોલીસ આરોપીને જેલ હવાલે કરવા માટે છોટા ઉદેપુર લઈ જઈ રહી હતી. આ દરમિયાન સંખેડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ફિંગરપ્રિન્ટ (આંગળાના નિશાન) લેવાની પ્રક્રિયા બાકી રહી ગઈ હોવાની જાણ થતાં તેને પરત સંખેડા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તકનો લાભ ઉઠાવી આરોપી રાકેશ તડવી પોલીસ કર્મચારીઓને ચકમો આપીને ભાગી છૂટ્યો હતો.
આરોપી કસ્ટડીમાંથી ફરાર થતાં જ સંખેડા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં નાકાબંધી જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લાના તમામ પોલીસ મથકોને ફરાર આરોપી અંગે જાણ કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાંથી જ આરોપી ફરાર થઈ જવાની આ ઘટનાને પગલે પોલીસ તંત્રની સુરક્ષા અને બેદરકારી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ સંખેડા પોલીસ સહિતની અલગ-અલગ ટીમો રચાઈ છે અને ફરાર આરોપી રાકેશ તડવીને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.




