છોટા ઉદેપુર: ચંદાનગર પ્રાથમિક શાળામાં 8 વિદ્યાર્થીઓ માટે 2 શિક્ષકો, વધારાના શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારીની લાલ આંખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલી ચંદાનગર પ્રાથમિક શાળામાંથી શિક્ષણ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ શાળામાં માત્ર 8 બાળકો અભ્યાસ કરે છે, જેની સામે 2 શિક્ષકો કાર્યરત છે. શાળામાં એક જ ઓરડામાં બંને શિક્ષકો 8 બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે. એક તરફ જ્યાં ઘણી શાળાઓમાં શિક્ષકોની અછત વર્તાઈ રહી છે, ત્યાં બીજી તરફ આવી શાળાઓમાં બાળકોની ઓછી સંખ્યા હોવા છતાં વધારાના શિક્ષકો બેસી રહેતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
1,249 શાળાઓમાં તપાસના આદેશ
મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લાની કુલ 1249 પ્રાથમિક શાળાઓ પૈકી અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ ત્યાં જરૂરિયાત કરતાં વધુ શિક્ષકો મુકાયેલા છે. ખાસ કરીને સંખેડા, બોડેલી અને નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વધારાના શિક્ષકો હોવાની બાબત સામે આવતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.
વધારાના શિક્ષકોને નજીકની શાળાઓમાં મૂકવા સૂચના
સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ છોટા ઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ (TPEO)ને કડક સૂચના આપી છે. જે શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી હોય અને શિક્ષકો વધારે હોય, ત્યાંથી વધારાના શિક્ષકોને તાત્કાલિક અસરથી ઉઠાવીને નજીકની શિક્ષકોની અછતવાળી શાળાઓમાં કામગીરી માટે મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જે શાળાઓમાં શિક્ષકો નવરા બેસી રહીને સરકારનો પગાર મેળવતા હતા, તેમની સામે મોડે મોડે પણ તંત્ર દ્વારા જાગીને કાર્યવાહી શરૂ કરાતાં સ્થાનિકોમાં તેની ભારે ચર્ચા જાગી છે. વહીવટી તંત્ર દ્વારા આ તપાસ યોગ્ય રીતે કરીને જરૂરિયાતવાળી શાળાઓમાં શિક્ષકોની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.




