છોટા ઉદેપુરમાં 128 કરોડના રબર ડેમનું કામ અધૂરું રહેતાં હેરણ નદીનું પાણી દરિયામાં વહી ગયું, 50થી વધુ ગામના ખેડૂતો ચિંતાતૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Haren River: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હરણ નદી પર નિર્માણધીન રબર ડેમની ધીમી કામગીરીને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 128 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે મંજૂર થયેલા આ મોડેલ રબર ડેમનું કામ ચોમાસું પૂર્ણ થવા આવ્યું હોવા છતાં પૂરું ન થતાં, નદીમાં આવેલું વિપુલ પ્રમાણનું પાણી સંગ્રહિત થયા વગર જ વહી ગયું છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની યોજના મંજૂર કરાઈ હોવા છતાં, તંત્રના ઢીલા વલણને લીધે 50થી વધુ ગામોના ખેડૂતોને ફરી એકવાર સિંચાઈના પાણી માટે વલખાં મારવાની વારો આવ્યો છે.
1956નો બનેલો ડેમ જર્જરિત થતાં વર્ષોથી થતી હતી માગ
મળતી માહિતી અનુસાર, વર્ષ 1956માં બનેલો રાજવાસણા ડેમ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયો હતો. ડેમની અંદર વર્ષોથી માટી અને રેતીનું પુરાણ થઈ જતાં તેની પાણી સંગ્રહ ક્ષમતા સાવ તળિયે બેસી ગઈ હતી. જેને પગલે આસપાસના 50થી વધુ ગામોના ખેડૂતો છેલ્લા 20થી 25 વર્ષથી ડેમના રિનોવેશન માટે રજૂઆતો કરી રહ્યા હતા. સતત રજૂઆતો બાદ સરકારે નવી ટેકનોલોજી આધારિત રબર ડેમ બનાવવા માટે 128 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, પરંતુ મંજૂરી બાદ પણ કામની સ્પીડ અત્યંત ધીમી રહી છે.
પાણીનો સંગ્રહ ન થતાં રવિ સિઝન પર સંકટના વાદળો
ચોમાસા દરમિયાન હેરણ નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી, પરંતુ ડેમનું કામ અધૂરું હોવાથી આ તમામ પાણી વહી ગયું હતું અને ડેમ ખાલીખમ રહ્યો હતો. ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો હોવાથી આગામી સમયમાં રવિ સિઝન અને ઉનાળામાં પાક માટે પાણીની ભારે તંગી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમયસર કામગીરી પૂરી કરવામાં આવી હોત, તો આ ચોમાસાનું પાણી સંગ્રહિત કરી શકાયું હોત.
કામગીરીમાં ઝડપ લાવી વહેલી તકે પૂર્ણ કરવા માગ
હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આગામી સિઝન શરૂ થાય તે પહેલાં ડેમનું કામ પૂરું થશે કે ખેડૂતોને હજુ પણ એક વર્ષ સુધી પાણી વગર રહેવું પડશે? 50થી વધુ ગામોની જીવાદોરી સમાન આ રબર ડેમનું કામ યુદ્ધના ધોરણે પૂરું કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો માગ કરી રહ્યા છે.




