છોટાઉદેપુરમાં કાર-બાઈક વચ્ચે ગમખવાર અકસ્માત: 3 લોકોના કરૂણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Accident : છોટાઉદેપુર નજીક આવેલા પીપલેજ ગામ અને સિંગલા ઘાટી પાસે આજરોજ સમી સાંજે એક અત્યંત દ્રાવક અને ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં ઈકો ચાલક સહિત મોટરસાયકલ પર સવાર 2 વ્યક્તિઓ મળી કુલ 3 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે. આ ગોઝારા અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
ધડાકાભેર ટક્કર અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી
પ્રાપ્ત વિગતો અનુસાર, સિંગલા ઘાટી અને પીપલેજ ગામની હદ પાસે વાહનો વચ્ચે થયેલી ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બાઈક સવારો તેમજ કાર ચાલક ગંભીર રીતે લોહીલુહાણ થયા હતા. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ ત્રણેય વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોની ઓળખ અને પરિવારોમાં આક્રંદ
અકસ્માતમાં જીવ ગુમાવનાર કમનસીબ વ્યક્તિઓની પ્રાથમિક ઓળખ સામે આવી છે. મળતી માહિતી મુજબ, મૃતકો છોટાઉદેપુર પંથકના વજેપુર, ભૂમસવાડા અને રાયછા ગામના રહેવાસી હતા. એક જ પળમાં સર્જાયેલા આ કાળમુખા અકસ્માતમાં 3 પરિવારોના સ્વજનો છીનવાઈ જતાં ગામોમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે.
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કયા સંજોગોમાં અને કોની બેદરકારીના કારણે સર્જાયો તે દિશામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.




