Business

ITR ફાઈલ કર્યા વિના પણ TDS રિફંડ મળશે? દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ઓટોમેટિક TDS રિફંડ સિસ્ટમ અંગે જવાબ માંગ્યો છે. એક PILમાં માંગ કરાઈ છે કે, જેમની કોઈ ટેક્સ જવાબદારી નથી, તેમને ITR ફાઇલ કર્યા વગર પણ TDS રિફંડ મળવું જોઈએ. વર્તમાન કાયદા મુજબ રિફંડ માટે ITR ફરજિયાત છે. હાઇકોર્ટે નોટિસ પાઠવી, આગામી સુનાવણી 6 નવેમ્બર 2026ના રોજ થશે. આ નિર્ણયથી સિનિયર સિટીઝન્સ અને ઓછી આવક ધરાવતા લોકોને ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ITR ફાઈલ કર્યા વિના પણ TDS રિફંડ મળશે? દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

Automatic tds refund: જો તમારી આવક પર TDS કપાય છે, પરંતુ તમારી કોઈ ટેક્સ જવાબદારી બનતી નથી, તો ભવિષ્યમાં ITR ફાઇલ કર્યા વગર પણ રિફંડ મળી શકે છે. આ મુદ્દે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. અદાલતમાં એક જનહિત અરજી(PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં આવા લોકો માટે ઓટોમેટિક TDS રિફંડ સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, આ અરજીમાં આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 433ને પડકારવામાં આવી છે, જેના હેઠળ TDS રિફંડ મેળવવા માટે આવકવેરા રિટર્ન(ITR) દાખલ કરવું જરૂરી છે. અરજદારનું કહેવું છે કે, જે લોકોની કોઈ ટેક્સ જવાબદારી નથી, અને જેમને ITR ભરવાની ફરજિયાતતા પણ નથી, તેમને ફક્ત રિફંડ મેળવવા માટે રિટર્ન દાખલ કરવા માટે મજબૂર ન કરવા જોઈએ.

હાઇકોર્ટે શું કહ્યું?

મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની પીઠે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 6 નવેમ્બર 2026ના રોજ થશે.

અરજીમાં શું માંગ કરવામાં આવી છે?

પાત્ર લોકોને ITR દાખલ કર્યા વગર પણ TDS રિફંડ મળવું જોઈએ.

કેન્દ્ર સરકાર અને CBDTએ ઓટોમેટિક TDS રિફંડ સિસ્ટમ લાગુ કરવી જોઈએ.

જે લોકોને ITR ભરવામાંથી છૂટ છે, તેમની પાસે માત્ર રિફંડ માટે રિટર્ન ના માંગવું જોઈએ.

કોને થશે ફાયદો?

અરજી અનુસાર, વર્તમાન વ્યવસ્થાની સૌથી વધુ અસર સિનિયર સિટીઝન્સ, ઓછી આવક ધરાવતા કર્મચારીઓ અને બ્લૂ-કોલર વર્કર્સ પર પડે છે. જે લોકોની ટેક્સ જવાબદારી શૂન્ય છે, પરંતુ TDS કપાઈ ગયો છે, તેમાંથી ઘણા લોકો માત્ર થોડા હજાર રૂપિયાનું રિફંડ મેળવવા માટે ITR ભરી શકતા નથી. અરજીમાં જણાવાયું છે કે, સરકાર પાસે પહેલાથી જ PAN, ફોર્મ 26 AS અને TDS રૅકોર્ડ ઉપલબ્ધ છે. તેથી, પાત્ર લોકોનું રિફંડ આપમેળે (સ્વયંસંચાલિત રીતે) જમા કરી શકાય છે.

2.35 કરોડ લોકોનો સંદર્ભ

આવકવેરા વિભાગના આંકડા ટાંકીને અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 2.35 કરોડ લોકોના નામે TDS ક્રેડિટ નોંધાયેલું હતું, પરંતુ તેમણે ITR ભર્યો ન હતો. આમાં મોટી સંખ્યા એવા લોકોની હોઈ શકે છે, જેમની કોઈ ટેક્સ જવાબદારી નહોતી. આ ઉપરાંત, આવકવેરા વિધેયક, 2025 પર બનેલી સંસદીય પ્રવર સમિતિએ પણ નાના કરદાતાઓ માટે રિફંડ મેળવવા આઈટીઆર ભરવાની અનિવાર્યતા દૂર કરવાની ભલામણ કરી હતી, પરંતુ આખરી કાયદામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

શું અત્યારે ITR વગર રિફંડ મળશે?

ના. હાલમાં નિયમોમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યાં સુધી કોર્ટ કે સરકાર કોઈ નવો નિર્ણય ના લે, ત્યાં સુધી TDS રિફંડ માટે વર્તમાન નિયમો જ લાગુ રહેશે, અને રિટર્ન દાખલ કરવું જરૂરી રહેશે.