| (AI IMAGE) |
Why Gold Prices Are Surging: સોનાના ભાવમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાએ સૌને ચકિત કરી દીધા છે. સુવર્ણ-ધાતુના ભાવમાં આવતો ઉછાળો માત્ર માંગ અને પુરવઠાની ગણતરીથી સમજાવી શકાય એવો નથી; વૈશ્વિક રાજકારણમાં રચાતા સમીકરણો, નાણાકીય વ્યવસ્થા અને મહાશક્તિઓ વચ્ચે ચાલી રહેલા દૃશ્ય-અદૃશ્ય સંઘર્ષ જેવા ઘણા પરિબળો સોનાના ભાવવધારાને અસર કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનું એક સામાન્ય કોમોડિટી ન રહીને, વૈશ્વિક અનિશ્ચિતતાનું 'બેરોમીટર' બની ગયું છે, જે દુનિયાની નબળાઈઓ, ભય અને શક્તિ સંતુલનમાં થતા ફેરફારોને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
સોનું સૌથી 'સલામત આશ્રય' ગણાય છે
માત્ર ખાનગી રોકાણકારો જ નહીં, પરંતુ વિશ્વની કેન્દ્રીય બેન્કો પણ સોનાને 'સલામત આશ્રય' તરીકે અપનાવી રહી છે. 2022 અને 2024ની વચ્ચે વિશ્વભરની બેન્કોએ આશરે 3,200 ટન સોનું ખરીદ્યું છે. સુવર્ણ-ભંડાર વધારવામાં ભારત પણ પાછળ નથી. 2020માં ભારત પાસે આશરે 661 ટન સોનું હતું, જે 2025 સુધીમાં વધીને લગભગ 879 ટન સુધી પહોંચી ગયું છે. સોનું સંઘરવાની આ પ્રવૃત્તિ માત્ર ભારત પૂરતી સીમિત નથી. ચીન, રશિયા, પોલેન્ડ, તૂર્કીયે, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન જેવા દેશો પણ સતત પોતાના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, એકવીસમી સદીમાં ડિજિટલ કરન્સી, ક્રિપ્ટો અને અત્યાધુનિક નાણાકીય સાધનો ઉપલબ્ધ હોવા છતાં દુનિયાના પ્રમુખ દેશો ફરી હજારો વર્ષ જૂની ધાતુ તરફ કેમ વળી રહ્યા છે?
ડોલરને મજબૂતી આપી સોનાએ
બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યારે અમેરિકા પાસે વિશ્વના સોનાના ભંડારનો આશરે 66 ટકા હિસ્સો હતો. સોનાની તાકાતના આધારે 1944ના 'બ્રેટન વુડ્સ કરાર' હેઠળ અમેરિકન ડોલરને સોના સાથે જોડવામાં આવ્યો હતો અને તેને વૈશ્વિક 'રિઝર્વ કરન્સી'નો દરજ્જો મળ્યો. ડોલર સ્થિરતા અને વિશ્વાસનું પ્રતીક બનતાં આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થવા લાગ્યો. ટૂંકમાં, ડોલરને જે મજબૂતી મળી એમાં ભાગ ભજવ્યો હતો સોનાના ભંડારે.
'નિક્સન શોક' દ્વારા ડોલર-સોનાની કડી તૂટી
અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સને ડોલર અને સોના વચ્ચેની ઐતિહાસિક કડી 1971માં બે મુખ્ય કારણોસર તોડી નાંખી.
1) વિયેતનામ યુદ્ધ અને ઘરેલુ ખર્ચોએ અમેરિકા પર ભારે આર્થિક દબાણ બનાવ્યું, જેથી ડોલરનું મૂલ્ય ઘટ્યું અને ચૂકવણી ખાધો વધી ગઈ.
2) ફ્રાંસ જેવા દેશો પોતાના ડોલર સોનામાં બદલવા લાગ્યા, જેથી અમેરિકાનો સોનાનો ભંડાર ઝડપથી ખાલી થવાનો ભય સર્જાયો. તેથી નિક્સને ડોલરને સોનાથી મુક્ત કર્યો, જે ઇતિહાસમાં 'નિક્સન શોક' તરીકે ઓળખાયો. આ નિર્ણયથી અમેરિકાને વધુ ડોલર છાપવાની છૂટ મળી અને સોનાના ભાવમાં ભારે વધારો થયો. 1971થી 1980ની વચ્ચે સોનાના ભાવ 38 ડોલર પ્રતિ ઔંસથી વધીને લગભગ 636 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયા.
આ પણ વાંચો: 8મા પગાર પંચ પહેલા ખુશખબર, આ સરકારી કર્મીઓના પગાર-પેન્શનમાં ધરખમ વધારો
સોનું ફરી વિશ્વાસનું પ્રતિક બની ગયું
અમેરિકાના વિશાળ બજેટ ખાધ, ભારે જાહેર દેવું અને આંતરિક નાણાકીય કટોકટીઓએ(જેમ કે 2008નો મંદીનો દોર) વિશ્વના ઘણા દેશોને જાગૃત કર્યા. તેમને સમજાયું કે માત્ર એક દેશની ચલણી નીતિ અને ઋણબોજ પર વૈશ્વિક અર્થતંત્રનો આધાર રાખવો એ જોખમભર્યું છે, કારણ કે અમેરિકાની આંતરિક સમસ્યાઓ વિશ્વભરમાં આર્થિક હિલચાલ પેદા કરી શકે છે. આ અનિશ્ચિતતાને કારણે સોનું ફરીથી વિશ્વાસનું પ્રતિક બનીને ઉભર્યું છે, કારણ કે તેનું મૂલ્ય કોઈ પણ સરકારની નીતિઓ, છાપેલી નોટો અથવા ઋણ પર આધારિત નથી.
યુદ્ધ અને અસ્થિરતા સોનાની ચમક વધારે છે
ઇતિહાસ એક વાતની સાબિતી આપે છે કે, જ્યાં અશાંતિ, ત્યાં સોનું. 1970ના દાયકાના તેલ સંકટ અને યુદ્ધો હોય, 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી હોય, 2019ની કોરોના મહામારી હોય કે પછી વર્તમાનમાં ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ, દરેક સંકટ સમયે સોનાની માંગ અને ભાવમાં તેજી આવી છે.
સોનામાં તેજી આવવાનું કારણ શું?
કારણ સરળ છે. સોનું કોઈ સરકારનું વચન નથી, કોઈ કેન્દ્રીય બેન્કોનો બોન્ડ નથી અને કોઈ કંપનીનો શેર પણ નથી. તેનું આગવું મૂલ્ય છે. આર્થિક ભૂકંપ આવે ત્યારે પણ સોનું સંપૂર્ણપણે ધરાશાયી થતું નથી, એટલે જ વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં લોકો અને રાષ્ટ્રો બંને સોના તરફ વળે છે.
અમેરિકાના એક પગલાએ દુનિયાને ડોલરથી વિમુખ બનાવવા માંડી
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે એક મહત્ત્વપૂર્ણ ઘટના બની. અમેરિકાએ અને તેના સાથી દેશોએ રશિયાના આશરે 300 અબજ ડોલરના વિદેશી મુદ્રા-ભંડારને ફ્રીઝ કરી દીધું. આ પગલાએ સમગ્ર વિશ્વને ચેતવણી આપી કે, વિદેશી મુદ્રા-ભંડાર માત્ર આર્થિક સાધન નથી, પરંતુ રાજકીય હથિયાર પણ બની શકે છે. આ ઘટનાએ ઘણા દેશોને વિચારતા કરી દીધા કે, 'આજે જે રશિયા સાથે થયું એ કાલે અમારી સાથે પણ થઈ શકે છે.' પરિણામે, અનેક દેશોએ ડોલર આધારિત સંપત્તિ ઘટાડીને એનું રૂપાંતર સોનામાં કરવાનું શરૂ કર્યું. સોનું કોઈ પ્રતિબંધથી ફ્રીઝ થઈ શકતું નથી અને કોઈ વિદેશી સરકારના નિયંત્રણમાં નથી. જે-તે દેશ પોતાના સુવર્ણ- ભંડારનો પોતે માલિક હોય છે.
આ પણ વાંચો: લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ
શું સોનાની ચમક ભવિષ્યમાં પણ આવી જ રહેશે?
જો વૈશ્વિક રાજકીય તણાવ, મહાશક્તિઓ વચ્ચેનો સંઘર્ષ, યુદ્ધો અને નાણાકીય અસ્થિરતા ચાલુ રહેશે, તો સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને જો કેન્દ્રીય બેન્કો પોતાની ખરીદી ચાલુ રાખે તો સોનાને મજબૂત આધાર મળતો રહેશે.
સોનામાં રહેલું જોખમ પણ જાણી લો
સોનામાં રોકાણ કરવામાં રહેલું જોખમ પણ અવગણવા જેવું નથી. જો સોનામાં અતિશય રોકાણ થાય અને તેનો ભાવ તેના વાસ્તવિક ઉપયોગ અને માંગથી ઘણી ઊંચે પહોંચી જાય, તો સોનાના ભાવમાં આવેલો ફુગ્ગો ફૂટી શકે છે. ભવિષ્યમાં જો ડોલર ફરી મજબૂત બને, વૈશ્વિક તણાવ ઘટે, અથવા કેન્દ્રીય બેન્કો સોનાની ખરીદી ધીમી કરે, તો સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો પણ શક્ય છે.
અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે, 'Don't put all your eggs in one basket'એટલે કે, 'તમારી તમામ સંપત્તિનું રોકાણ એક જ માધ્યમ, સ્થાન, વ્યક્તિ અથવા વિકલ્પમાં ન કરો, જેથી તે નિષ્ફળ થાય તો સંપૂર્ણ નુકસાન થવાનો ભય ન રહે છે.' આ ઉક્તિ સૌથી ભરોસેમંદ ગણાતી સુવર્ણ-ધાતુને પણ લાગુ પડે છે.


