Get The App

લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ

- ઘરાકી ઘટી જતા વેચાણ વોલ્યુમમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો થયાનો દાવો

- સોના-ચાંદીના સતત ઊંચા ભાવને પરિણામે થયેલી અસર

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ 1 - image

મુંબઈ : સોનાના ઊંચા ભાવને પરિણામે રિટેલ માગ પર અસર થતા નાના જ્વેલર્સ ખાસ કરીને પરિવારો દ્વારા દાયકાઓથી ચાલતી આવતી રિટેલ જ્વેલર્સ દૂકાનો હાલમાં લિક્વિડિટીની ખેંચનો અનુભવ કરી રહ્યાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા માટે મોટા જ્વેલર્સ વિવિધ સ્કીમ ઉપરાંત ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા હોવાથી ગ્રાહકોની પસંદગીમાં બદલાવ આવી રહ્યો છે. 

સ્થાનિક જ્વેલરો અને સોનીઓના વેચાણ વોલ્યુમમાં તાજેતરના મહિનાઓમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો થયાનો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબજા) દ્વારા અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. 

મધ્યમ વર્ગના ખરીદદારોને હાલના ભાવે સોનુ ખરીદવાનું પરવડી શકે એમ નથી. હાલના ઊંચા ભાવ તેમની આવક સાથે બંધબેસતા નથી, માટે મધ્યમ વર્ગ દ્વારા સોનાની ઈન્વેસ્ટમેન્ટ માગ પણ ઘટી ગઈ હોવાનું એક સ્થાનિક જ્વેલર્સ દ્વારા જણાવાયું હતું.

સોનું સેફ હેવન એસેટસ છે, પરંતુ તે થોડી માત્રામાં પણ ખરીદવાનું સામાન્ય નાગરિકની પહોંચની બહાર થઈ ગયું છે. બીજી બાજુ ભારે વોલેટિલિટીને પરિણામે નાના જ્વેલર્સ તથા સોનીઓ માટે હાજરમાં સોનાની ખરીદી કરવાનું મુશકેલ બનતુ જાય છે. 

એક અંદાજ પ્રમાણે ભારતમાં ૩.૨૫  લાખથી ૩.૫૦ લાખ જેટલા સામાન્ય જ્વેલર્સ વેપાર કરી રહ્યા છે. સામાન્ય રીતે આ જ્વેલર્સ લગ્નસરા માટેની માગ પૂરી પાડતા હોય છે.

સોના માટે ભારત આયાત પર નિર્ભર રહેતું હોવાથી ઊંચા ભાવે જંગી લિક્વિડિટીની આવશ્યકતા રહે છે. નાના જ્વેલર્સ જ્યાંસુધી તેમની પાસેના સ્ટોકસને  ક્લિઅર ન કરી શકે ત્યાંસુધી આયાતી સોનું મેળવવાનું તેમની માટે શકય નહીં બને એમ ઈબજાના સુત્રોએ જણાવ્યું હતું. 

હાલમાં સોનાના ભાવ એકદમ પ્રવાહી રહ્યા કરે છે, જ્યાંસુધી તેમાં લાંબા ગાળા સુધી સ્થિરતા જોવા નહીં મળે ત્યાંસુધી વેપાર કરવાનું મુશકેલ રહેશે એમ અન્ય એક સ્થાનિક જ્વેલર્સે મત વ્યકત કર્યો હતો. 

હાલમાં ભાવ એટલા ઊંચે ગયા છે કે ઓછા કેરેટનું સોનું ખરીદવામાં પણ લોકો રસ ધરાવતા નહીં હોવાનો તેમણે દાવો કર્યો હતો.