Get The App

ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં 1 - image

US Stock Market Crash: વૈશ્વિક આર્થિક જગતમાં મંગળવારે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકી શેરબજારમાં આજે મોટો કડાકા જોવા મળ્યો છે, તો બીજી તરફ તેની સીધી અસર સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર જોવા મળી છે. ભારતીય બજારમાં ચાંદીના ભાવમાં અંદાજે રૂ. 18,000 સુધીનો રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવ પણ નોંધપાત્ર રીતે તૂટ્યા છે. જણાવી દઈએ કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ અંગેના તાજેતરના નિવેદન બાદ રોકાણકારોમાં ફાળ પડી છે, જેના કારણે સુરક્ષિત ગણાતા સોના-ચાંદી અને શેરબજારમાંથી નાણાં ખેંચીને લોકો રોકડ તરફ વળ્યા છે. પરિણામે ડોલર ઇન્ડેક્સ સાત મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

ટ્રમ્પના નિવેદનથી બજારમાં ગભરાટ!

ગઈકાલે પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હાલ ચાલી રહેલું યુદ્ધ હજુ 4 થી 5 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. આ નિવેદન બાદ રોકાણકારોએ જોખમી એસેટ્સ વેચવાનું શરૂ કર્યું છે અને પોતાની મૂડી રોકડમાં શિફ્ટ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.

ડોલર ઇન્ડેક્સમાં 7 મહિનાનો સૌથી મોટો ઉછાળો

રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ડોલર તરફ વળતા અમેરિકી ડોલર મજબૂત થયો છે. વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતી દર્શાવતો ઇન્ડેક્સ 99.28 પર પહોંચી ગયો છે. છેલ્લા સાત મહિનામાં ડોલરમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે.

અમેરિકી શેરબજારમાં ભૂકંપ

ડોલર મજબૂત થતા વોલ સ્ટ્રીટ પર પણ તેની નકારાત્મક અસર પડી છે.

• Dow Jones: 1,028 પોઈન્ટથી વધુ (2.10%) તૂટીને 47,876 પર પહોંચ્યો છે.

• Nasdaq: ટેક-હેવી નાસ્ડેકમાં 462 પોઈન્ટ (2.03%) નો ઘટાડો નોંધાયો છે.

• S&P 500: આ ઇન્ડેક્સ પણ 1.93% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

• VIX (વોલેટિલિટી ઇન્ડેક્સ): બજારમાં ડરનું પ્રમાણ દર્શાવતો VIX ઇન્ડેક્સ 21.50% જેટલો ઉછળ્યો છે, જે બજારમાં ભારે અસ્થિરતા સૂચવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં કડાકો

ગયા મહિને સોના અને ચાંદીમાં જોવા મળેલી ઐતિહાસિક તેજી બાદ હવે ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે રોકાણકારોએ ઉધાર નાણાં દ્વારા સોના-ચાંદીમાં રોકાણ કર્યું હતું, તેઓ હવે નફો વસૂલવા અથવા નુકસાન ઘટાડવા માટે મોટા પાયે વેચવાલી કરી રહ્યા છે.

• સોનાના ભાવ કડાકો: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ઔંશ 5,085.90 ડૉલર પર ટ્રેડ થતા જોવા મળ્યો, જેમાં 225.70 ડૉલરનો ઘટાડો નોંધાયો છે, જે ટકાવારી મુજબ 4.25%ની ઘટ છે.

• ચાંદીમાં વધુ મોટો ઝટકો: ચાંદીનો ભાવ 80.060 પર પહોંચ્યો છે, જેમાં 8.793 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જે ટકાવારી મુજબ 9.90% નો ઘટાડો નોંધાયો છે.

ભારતીય બજારમાં સોના-ચાંદીમાં મોટો ઘટાડો

વૈશ્વિક ઘટાડાની સીધી અસર ભારતીય વાયદા બજાર પર પણ જોવા મળી છે.

• MCX Gold: સોનાનો ભાવ ₹5,374 તૂટીને ₹160,700 પર ટ્રેડ થઈ રહ્યો છે.

• MCX Silver: ભારતમાં ચાંદીના ભાવમાં પણ ₹18,000 સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં ઉર્જા ક્ષેત્રમાં તેજીનો માહોલ

• ક્રૂડ ઓઈલ WTIનો ભાવ 77.08 પર પહોંચ્યો છે, જેમાં 5.85 પોઈન્ટનો વધારો નોંધાયો છે, જે 8.21% જેટલો ઉછાળો દર્શાવે છે.

• બ્રેન્ટ ઓઈલ પણ 83.78 પર ટ્રેડ થઈ રહ્યું છે અને તેમાં 6.04 પોઈન્ટ એટલે કે 7.77% નો વધારો નોંધાયો છે.

• નેચરલ ગેસના ભાવ 3.141 પર પહોંચ્યા છે, જેમાં 0.181 પોઈન્ટનો વધારો સાથે 6.11% ની તેજી જોવા મળી છે. 

• કોપરનો ભાવ 5.7930 પર રહ્યો છે અને તેમાં 0.1550 પોઈન્ટ એટલે કે 2.61% નો ઘટાડો નોંધાયો છે.

આ રીતે આજે કૉમોડિટી બજારમાં કિંમતી ધાતુઓમાં ભારે દબાણ અને ઉર્જા કૉમોડિટીઝમાં મજબૂત તેજી જોવા મળી રહી છે.