ફક્ત રશિયાનું ઓઈલ નહીં પણ ભારતની આ વાતને લઈને પણ ટ્રમ્પને પેટમાં દુઃખે છે!
India-US Trade: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. જે 27મી ઓગસ્ટ સુધીમાં ભારત પર લાગુ કરવામાં આવશે, જેની પાછળનું કારણ ભારત દ્વારા રશિયાનું ઓઈલ ખરીદવું હોવાનું કહેવાય છે. જોકે, ભારત પર ટેરિફ લાદવાનું એક જ કારણ નથી, પરંતુ તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે.
ભારત સામે કડક વલણ અપનાવતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.' તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાની ટીમ વેપાર વાટાઘાટો (ભારત-યુએસ ટ્રેડ ટોક) માટે ભારત આવવાની છે. ત્યારે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમેરિકા ભારત પર દરેક રીતે દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી ભારત દબાણમાં આવીને અમેરિકાની શરતો સ્વીકારે.
ટ્રમ્પ ભારત પાસેથી શું ઇચ્છે છે?
અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અમેરિકાના કૃષિ ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે, જેથી આ અમેરિકાના ઉત્પાદનો ભારત જેવા મોટા બજારમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ ભારત આ ક્ષેત્રોને વધુ પ્રાથમિકતા આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે,'જો ભારત આ ક્ષેત્ર અમેરિકા માટે ખોલશે, તો ખેડૂતોની આવક પર અસર પડશે, જેથી ભારત સમાધાન કરવા માંગશે નહીં.'
અમેરિકા કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ટેરિફમાં 100 ટકા ઘટાડો કરવાની માંગ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકા એ પણ ઇચ્છે છે કે ભારત રશિયાનું ઓઈલ આયાત ઘટાડે અને અમેરિકાથી વધુ ઓઈલ આયાત કરે. જ્યારે ભારત અમેરિકા કરતા રશિયા પાસેથી સસ્તું તેલ મેળવી રહ્યું છે.
ટ્રમ્પ ડોલર વિશે કેમ ચિંતિત છે?
અમેરિકન ડૉલર એ આખી દુનિયામાં વપરાતી કરન્સી છે. છેલ્લા આઠ દાયકાથી એટલે કે વર્ષ 1944થી બધા દેશો વેપાર માટે યુએસ ડૉલરનો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો ડૉલર રિઝર્વ રાખે છે. અહેવાલો અનુસાર, લગભગ 90 ટકા વિદેશી વ્યવહારો ડોલરમાં થાય છે. પરંતુ બ્રિક્સ દેશોએ તેના પર નિર્ભરતા ઘટાડવા માટે પગલાં લીધાં છે, જેનાથી ટ્રમ્પ નારાજ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિક્સ દેશોથી પણ ડરે છે કારણ કે આ સંગઠનના દેશો મળીને વિશ્વ અર્થતંત્રમાં 35 ટકા યોગદાન આપે છે. આવી સ્થિતિમાં જો આ દેશો અમેરિકા અને ડૉલરનો વિરોધ કરે છે, તો અમેરિકા એક મહાસત્તા તરીકેનું પોતાનું સ્થાન ગુમાવી શકે છે.આ ઉપરાંત ડૉલરને વિશ્વ ચલણમાંથી દૂર કરી શકાય છે.