Business

ટ્રમ્પ હારી ગયા... હવે નહીં ચાલે મનમાની? 7 મોટા દેશોના બજારોમાં ખુશીની લહેર

By GS Team
5 Nov 20264 mins read
TukuTouch Logo
અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીના પરિણામોએ વૈશ્વિક બલબજારમાં તેજી લાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ઝટકો લાગતા ડેમોક્રેટ્સે સંસદ પર નિયંત્રણ મેળવ્યું છે. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને વેપાર યુદ્ધ પર બ્રેકની આશાએ ભારત, ચીન, યુરોપ સહિતના બજારોમાં ઉત્સાહ જોવા મળ્યો. ક્રૂડ ઓઇલ ઘટીને 93 ડૉલર પર આવતા સામાન્ય જનતાને રાહત મળવાની આશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ હારી ગયા... હવે નહીં ચાલે મનમાની? 7 મોટા દેશોના બજારોમાં ખુશીની લહેર

US Result Impact : અમેરિકામાં યોજાયેલી મિડ-ટર્મ ચૂંટણીના પરિણામોએ સમગ્ર રાજકીય અને આર્થિક સમીકરણ પલટી નાખ્યું છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અને ડેમોક્રેટ્સે અમેરિકન સંસદ (કોંગ્રેસ) પર નિયંત્રણ મેળવી લીધું છે. સંસદમાં ટ્રમ્પની પકડ નબળી પડતાં હવે તેમની આક્રમક અને મનમાની નીતિઓ, ખાસ કરીને ટૅરિફ અને કડક વ્યાપારિક નિયમો પર લગામ લાગવાની પ્રબળ આશા જાગી છે. અમેરિકન વહીવટીતંત્રના વલણમાં નરમાશ આવવાની શક્યતા વચ્ચે સમગ્ર વિશ્વના શેરબજારોમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ખાસ કરીને ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને કડક ટૅરિફથી પરેશાન મુખ્ય દેશો ચીન, ભારત, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, બ્રાઝિલ, સ્પેન અને જર્મની-ફ્રાન્સ સહિતના વૈશ્વિક બજારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને ટ્રેડ વોર પર બ્રેકની આશા

ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો મુખ્ય આધાર 'અમેરિકા ફર્સ્ટ' રહ્યો છે, જેના અંતર્ગત તેમણે વિશ્વભરમાંથી અમેરિકા આયાત થતા સામાન પર તોતિંગ ટૅરિફ ઝીંક્યા હતા. આ નીતિના કારણે ચીન, ભારત અને યુરોપિયન યુનિયન જેવા અગ્રણી નિકાસકાર દેશોની કંપનીઓ પર ભારે દબાણ ઊભું થયું હતું. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પરાજય બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરારોમાં વધુ સરળતા અને નરમાશ આવવાની આશા જાગી છે, જેનાથી વૈશ્વિક અર્થતંત્ર પરનું દબાણ ઘટશે.

1… ભારત: સેન્સેક્સમાં 2.60 ટકાનો ઉછાળો, નિકાસકારોને રાહત

અમેરિકા ભારતીય ઉત્પાદનો માટેનું એક વિશાળ નિકાસ કેન્દ્ર છે. કડક આયાત શુલ્ક અને જટિલ વ્યાપારિક નિયમોના કારણે ભારતીય ઉત્પાદનોને યુએસ માર્કેટમાં તીવ્ર સ્પર્ધા અને અડચણોનો સામનો કરવો પડી રહ્યો હતો, જેનાથી નિકાસકારો પર સતત દબાણ હતું. જોકે, ચૂંટણી પરિણામો આવતાં જ ગુરુવારે ભારતીય શેરબજાર સેન્સેક્સમાં 2.60 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો, જ્યારે તે પહેલાં બુધવારે પણ બજારમાં મજબૂત તેજી જોવા મળી હતી.

2… ચીન: માર્કેટમાં 2 ટકાની મજબૂત તેજી, મેન્યુફેક્ચરિંગને ટેકો

અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. યુએસ દ્વારા લાદવામાં આવેલા ભારે ટૅરિફના કારણે ચીનની નિકાસ પર સીધી વિપરીત અસર પડી હતી, જેનાથી તેના મેન્યુફેક્ચરિંગ આધારિત અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો. હવે સત્તા સંતુલન બદલાતાં દબાણ ઘટવાની અપેક્ષાએ બુધવારે ચીનના શેરબજારમાં આશરે 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

3… હોંગકોંગ: બજારમાં 3.66 ટકાનો મોટો વધારો

વૈશ્વિક વ્યાપાર તણાવમાં ઘટાડો થવાની સંભાવના વચ્ચે એશિયન બજારોમાં હોંગકોંગના શેરબજારે સૌથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. હોંગકોંગના શેરબજારમાં 3.66 ટકાની જબરદસ્ત તેજી જોવા મળી હતી, જેનાથી સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રના રોકાણકારોનો ઉત્સાહ બેવડાયો હતો.

4… ઓસ્ટ્રેલિયા: માર્કેટમાં 2.63 ટકાનો સુધારો

ઓસ્ટ્રેલિયન શેરબજારમાં પણ પરિણામો બાદ જોરદાર ખરીદી નીકળી હતી. વૈશ્વિક વેપાર સંબંધો સામાન્ય થવાની ગણતરી વચ્ચે ઓસ્ટ્રેલિયાનું માર્કેટ 2.63 ટકાના મોટા ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

5… સ્પેન: 1.37 ટકાનો વધારો, ટ્રાન્સ-એટલાન્ટિક તણાવ ઘટવાની આશા

યુરોપિયન દેશોમાં સ્પેનનું શેરબજાર 1.37 ટકા વધીને બંધ રહ્યું હતું. સ્પેન સહિત સમગ્ર યુરોપિયન બજારોમાં તેજી એટલા માટે જોવા મળી કારણ કે ટ્રમ્પની હાર બાદ અમેરિકા અને યુરોપ વચ્ચેના ટ્રાન્સ-એટલાન્ટિક વ્યાપારી તણાવમાં ઘટાડો થવાની સીધી શક્યતા ઊભી થઈ છે.

6… જર્મની અને ફ્રાન્સ: યુરોપિયન બજારોમાં પણ ગતિ

યુરોપના સૌથી મોટા ઔદ્યોગિક દેશ જર્મનીના શેરબજારમાં લગભગ 1 ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ફ્રાન્સના બજારમાં 1.17 ટકાની તેજી જોવા મળી હતી. યુરોપિયન યુનિયનમાંથી નિકાસ થતી ઓટોમોબાઇલ અને ઔદ્યોગિક પ્રોડક્ટ્સ પર અમેરિકન ટૅરિફનું જોખમ ઘટવાની ગણતરીએ આ બજારોને મજબૂતી આપી હતી.

7… બ્રાઝિલ: કોમોડિટી માર્કેટ અને નિકાસ ક્ષેત્રમાં ઉત્સાહ

ટ્રમ્પની કડક વ્યાપાર નીતિઓથી સૌથી વધુ પરેશાન દેશોની યાદીમાં બ્રાઝિલ પણ સામેલ હતું. અમેરિકા તરફથી આયાત નિયમો હળવા થવાની અપેક્ષાએ બ્રાઝિલના શેરબજાર તેમજ તેના કૃષિ અને ધાતુ નિકાસકારોમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમેરિકન બજારમાં 18 મહિનાનો રૅકોર્ડ ઉછાળો, ડાઉ જોન્સ 3 ટકા વધ્યો

ટ્રમ્પની પાર્ટીને ફટકો પડવા છતાં સૌથી મોટો ચમત્કાર અમેરિકન શેરબજાર વોલ સ્ટ્રીટમાં જ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ (Dow Jones) ઇન્ડેક્સમાં બુધવારે 3 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો હતો, જે છેલ્લા 18 મહિનાની સૌથી મોટી દૈનિક તેજી રહી છે. અમેરિકન સરકારી બોન્ડ યીલ્ડ (Bond Yields)માં ઘટાડો થતાં અને દેશ પરના દેવાના બોજ સંબંધિત ચિંતાઓ ઓછી થતાં યુએસ રોકાણકારોએ આ પરિણામોનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું હતું.

અમેરિકામાં મોંઘવારી, લોન અને સામાન્ય જનતાનું બજેટ

ટ્રમ્પની આક્રમક આર્થિક નીતિઓ અને તેનાથી સર્જાયેલી વૈશ્વિક ઉથલપાથલના કારણે ખુદ અમેરિકામાં પણ મોંઘવારી સતત વધી રહી હતી. મોંઘવારીને કાબૂમાં લેવા માટે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરો વધારવા પડ્યા હતા, જેના કારણે સામાન્ય અમેરિકનો માટે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન અત્યંત મોંઘા થઈ ગયા છે. વધુમાં, ડીઝલ-પેટ્રોલના ભાવ વધવાથી પરિવહન ખર્ચ વધ્યો હતો અને દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થતાં સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે, જેને પગલે અમેરિકન ગ્રાહક બજારમાં ભારે અસંતોષ ફેલાયેલો હતો.

ક્રૂડ ઓઈલ ઘટીને 93 ડોલર પર: સામાન્ય જનતાને રાહત મળવાની આશા

ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો અને ક્રૂડ તેલ ગગડીને પ્રતિ બેરલ 93 ડૉલર પર આવી ગયું હતું. છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવના કારણે ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા હતા, જેના લીધે ભારત સહિત વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને એકંદર મોંઘવારી વધી ગઈ હતી. જોકે, હવે રાજકીય પરિવર્તન પછી ભૌગોલિક-રાજકીય તણાવ શાંત કરવા નક્કર પગલાં લેવાશે તેવી આશા જાગી છે, જેનાથી ભારત સહિત સમગ્ર વિશ્વના સામાન્ય નાગરિકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે છે.