Today Gold and Silver Rates : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઈતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા મળી છે. આ આંચકાજનક તેજી-મંદીને કારણે બજારમાં ભારે અચોક્કસતાનો માહોલ સર્જાયો હતો, જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચીને ફરી પાતાળમાં પટકાયા હતા.
ચાંદીના ભાવમાં રૂ.65,047ની ઉથલ-પાથલ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ચાંદીના ભાવમાં ઐતિહાસિક કુલ રૂ. 65,047ની ભારે ઉથલ-પાથલ નોંધાઈ હતી. ગુરુવારે રાત્રે 10.00 કલાક સુધીમાં ચાંદીનો ભાવ રૂ.3,94,227 પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદી રૂ. 3,99,000ના સ્તરે ખુલી હતી અને જોતજોતામાં રૂ. 4,20,048ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. જોકે, બજારમાં આવેલા તીવ્ર ઘટાડાને કારણે તે રૂ. 3,55,001ના નીચલા સ્તર સુધી પણ પટકાઈ હતી. અગાઉના રૂ. 3,85,366ના બંધ ભાવની સરખામણીએ આજે ચાંદીના બજારમાં રોકાણકારો માટે ભારે જોખમી અને અચોક્કસ માહોલ જોવા મળ્યો હતો.
સોનાના ભાવમાં રૂ.22,971ની ઉથલ-પાથલ
જ્યારે આજે સોનાના ભાવમાં પણ ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં આખા દિવસ દરમિયાન કિંમતોમાં રૂ. 22,971ની મોટી ઉથલ-પાથલ નોંધાઈ હતી. ગુરુવારે રાત્રે 10.00 કલાક સુધીમાં સોનાનો ભાવ રૂ.1,68,564 પર ટ્રેડ કરી રહ્યો છે. દિવસની શરૂઆતમાં સોનું રૂ. 1,69,882 પર ખુલ્યા બાદ રૂ. 1,80,779ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જોકે ત્યારબાદ તેમાં ઘટાડો થતા તે રૂ. 1,57,808ના નીચલા સ્તર સુધી પટકાયું હતું. અગાઉના રૂ. 1,65,915ના બંધ ભાવની સરખામણીએ બજારમાં જોવા મળેલી આ તેજી-મંદીની વધઘટે રોકાણકારોની ચિંતા વધારી છે.
આ પણ વાંચો : ડોલર સામે કેમ ગગડી રહ્યો છે રૂપિયો! આર્થિક સર્વેમાં સરકારે જણાવ્યું કારણ
રૂપિયો ગગડીને 91.95ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો
ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે ડૉલર સામે રૂપિયો ગગડીને 91.95ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. આર્થિક સર્વેક્ષણ 2026 મુજબ, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવા અને ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિઓના કારણે રૂપિયા પર આ નકારાત્મક દબાણ જોવા મળ્યું છે. આ વર્ષે ભારતીય ચલણમાં અત્યાર સુધીમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર દેશના આયાત બિલ પર પડી રહી છે. જોકે, નાણાં મંત્રાલયના અહેવાલ મુજબ આ ઘટાડો ભારતની આર્થિક પાયાની સ્થિતિ નબળી હોવાનું સૂચવતો નથી, પરંતુ તે વૈશ્વિક પરિબળો અને કેપિટલ આઉટફ્લોમાં થયેલા અવરોધનું પરિણામ છે.
ભાવ કેમ વધી રહ્યા છે? જાણો 10 કારણ
છેલ્લા ઘણા સમયથી ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની પાછળ અનેક કારણો જવાબદાર છે.
1... વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતામાં વધારો
2... અમેરિકા પર વધતું દેવું
3... વિવિધ દેશો વચ્ચે તણાવ
4... અનેક દેશોની સેન્ટ્રલ બૅંક દ્વારા મોટાપાયે સોનાની ખરીદી
5... અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કોઈપણ ફેરફાર નહીં
6... ડૉલર નબળો પડવાથી પણ ભાવ પર અસર
7... મોટાભાગના દેશોમાં સોના-ચાંદીની માંગમાં વધારો
8... માંગ સામે સપ્લાયમાં અછત
9... ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીની માંગમાં વધારો
10... સોલાર પેનલ, મોબાઇલ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીક વાહન, ઓટોમોબાઇલમાં ચાંદીની જરૂરીયાતમાં વધારો
ભારતે ચાંદીની આયાત વધારી
ભારતની ચાંદીની જરૂરીયાત આયાત પર નિર્ભર છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતે 2025માં 9.2 બિલિયન ડૉલર(લગભગ 75 હજાર કરોડ રૂપિયાથી વધુ) કિંમતની ચાંદીની આયાત કરી હતી, જે 2024ની તુલનાએ 44 ટકા વધુ છે. આમ ભારત ચાંદીનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે.
આ પણ વાંચો : આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ


