Business

13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી

By GS Team
12 Mar 20261 min read
13.26 કરોડ  સાથે  ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી

મુંબઈ : દેશની આર્થિક સ્થિતિ તથા માલસામાનની હેરફેરનું ચિત્ર પૂરુ પાડતા ઈ-વે બિલની સંખ્યા ફેબુ્રઆરીમાં નોંધપાત્ર ઊંચી રહી છે. ગત મહિનાના ઈ-વે બિલની સંખ્યા ત્રીજી મોટી માસિક સંખ્યા છે. 

વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં ઈ-વે બિલ જારી થવાની માત્રા વાર્ષિક ધોરણે ૧૮.૮૦ ટકા વધી ૧૩.૨૬ કરોડ રહી હોવાનું ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ નેટવર્ક (જીએસટીએન) દ્વારા જારી કરાયેલા ડેટા જણાવે છે. 

જો કે જાન્યુઆરીમાં જનરેટ થયેલા ૧૩.૬૮ કરોડની સરખામણીએ ફેબુ્રઆરીની સંખ્યા ભલે નીચી છે પરંતુ તે કોઈ એક મહિનાની ત્રીજી મોટી સંખ્યા છે.  ડિસેમ્બર ૨૦૨૫માં ઈ-વે બિલની સંખ્યા ૧૩.૮૪ કરોડ રહી હતી. 

રૂપિયા ૫૦,૦૦૦થી વધુના મૂલ્ય સાથેના માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે. 

ઈ-વે બિલની ઊંચી સંખ્યા દેશમાં આર્થિક પ્રવૃત્તિ મજબૂત હોવાના સંકેત આપે છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.  ઉપભોગ માગમાં વધારો થઈ રહ્યાનું તથા વેપારજગત જીએસટીના નિયમોનું પાલન કરી રહ્યાનું બિલની સંખ્યા પરથી કહી શકાય એમ છે. 

ઈ-વે બિલ્સની સંખ્યામાં વધારો આગળ જતા જીએસટી મારફતની આવકમાં પણ સરકારને વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા છે.અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં  ગત મહિનાના વાહનોના રિટેલ વેચાણ આંક   પ્રોત્સાહક રહ્યા છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં જીએસટીના દરમાં ઘટાડા બાદ ઓટો ક્ષેત્ર માટે સ્થિતિ સાનુકૂળ રહી છે.