રૂપિયામાં જોવાયેલો સુધારો ક્રુડના ઉછાળાથી ધોવાઈ ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક પડકારો વચ્ચે પણ દેશની આર્થિક કામગીરી સારી જોવા મળી: રિઝર્વ બેંક
મુંબઈ : ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) ૅ(એફસીએનઆર-બી) ડિપોઝિટ સ્કીમને પરિણામે સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં રૂપિયામાં ડોલર સામે જોવા મળેલો સુધારો સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં ધોવાઈ ગયો હતો. ક્રુડ તેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે રૂપિયા પર ફરી દબાણ વધ્યુ છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં જણાવાયું છે.
જૂનમાં વહેતી કરાયેલી એફસીએનઆર-બી સ્કીમ હેઠળ દેશની બેન્કોએ ૧૨૭ અબજ ડોલરની ડિપોઝિટ પ્રાપ્ત કરી હતી.
સપ્ટેમ્બરમાં રૂપિયામાં અડધા ટકાનો ઘટાડો થયો છે અને ફેબુ્રઆરીમાં પશ્ચિમ એશિયા યુદ્ધ ફાટી નીકળ્યા બાદ અત્યારસુધીમાં રૂપિયામાં પાંચ ટકા ઘટાડો થયો છે.
ક્રુડ તેલના ઊંચા ભાવથી દેશનું આયાત બિલ વધી ગયું છે જેની અસર રૂપિયાના મૂલ્ય પર પડી રહી છે. ડોલરના પ્રવાહને કારણે સપ્ટેમ્બરના પ્રારંભમાં રૂપિયો સાધારણ સુધર્યો હતો પરંતુ ક્રુડ તેલ ફરી પાછુ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જતા રૂપિયો નબળો પડયો છે.
સદર સ્કીમને કારણે બેન્કિંગ વ્યવસ્થામાં ઓગસ્ટમાં લિક્વિડિટી વધી ગઈ હતી જો કે ટેકસ સંબંધિત આઉટફલોસ તથા રિઝર્વ બેન્ક દ્વારા લિક્વિડિટી પાછી ખેંચવાના લેવાયેલા પગલાંને પરિણામે નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી ઘટવા પામી છે.
ક્રુડ ઓઈલના ભાવ વધવાને કારણે ઓગસ્ટમાં રિટેલ ફુગાવો વધી ૪.૮૦ ટકા પર પહોંચી ગયો હતો.
પશ્ચિમ એશિયામાં સંઘર્ષમાં વધારો થતાં ફુગાવાજન્ય દબાણ વધવાની શકયતા હોવાનું પણ બુલેટિનમાં જણાવાયું છે. આ ઉપરાંત પૂરવઠા સાંકળ પણ વધુ ખોરવાઈ શકે છે.
વૈશ્વિક સ્તરે પડકારરૂપ વાતાવરણ વચ્ચે પણ દેશનો આર્થિક વિકાસ સ્થિતિસ્થાપક રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા જેટલો મજબૂત જોવા મળ્યો છે.
ઓગસ્ટમાં હાઈ ફ્રિકવન્સી ઈન્ડીકેટર્સ પણ પોઝિટિવ રહ્યા હોવાનું બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે.
જુલાઈમાં નેટ એફડીઆઈ ૭.૪૦ અબજ ડોલર સાથે પાંચ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યું છે.




