Get The App

મેમરી ચીપ્સની અછતથી ઈલેકટ્રોનિકસ સાધનોના ઉત્પાદન પર થયેલી અસર

- વધી રહેલા ઉત્પાદન ખર્ચ વચ્ચે ચીપ્સની અછતથી ઉદ્યોગને પડેલો બમણો માર

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
મેમરી ચીપ્સની અછતથી ઈલેકટ્રોનિકસ સાધનોના ઉત્પાદન પર થયેલી અસર 1 - image

મુંબઈ : ઈલેકટ્રોેનિકસ સાધનોના ઉત્પાદનમાં વપરાતી મેમરી ચીપ્સની પૂરવઠા અછતને પરિણામે ઈલેકટ્રોનિકસ સાધનોના ઉત્પાદકોએ વર્તમાન વર્ષના બાકીના સમયગાળામાં ઉત્પાદનમાં ૧૦થી ૧૫  ટકા કાપ મૂકવાની ફરજ પડી છે.

મેમરી ચીપ્સની અછતને કારણે ટીવી, સ્માર્ટફોન્સ, સર્વર્સ, સેટ ટોપ બોકસ જેવા ઈલેકટ્રોનિક સાધનોના ઉત્પાદન પર અસર પડી હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. 

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) માળખા માટે ચીપ્સની માગમાં જોરદાર વધારાને કારણે તેની અછત ઊભી થઈ હોવાનું ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા છે. ચીપ્સના વૈશ્વિક ઉત્પાદકો હાઈ બેન્ડવિડથ મેમરીનું વધુ ઉત્પાદન કરવા તરફ વળ્યા છે. 

વધી રહેલા ઉત્પાદન ખર્ચ વચ્ચે મેમરી ચીપ્સની અછતને પરિણામે ઉદ્યોગને બમણો માર પડી રહ્યો છે. મોટાભાગના કન્ઝયૂમર ઈલેકટ્રોનિકસ સાધનોને અસર થઈ છે. સૌથી વધુ અસર મોબાઈલ ફોન્સના ઉત્પાદન પર જોવા મળી રહી છે. 

મોટા કદના ઈલેકટ્રોનિક સાધનો માટેની પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ માટે નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ અંતિમ વર્ષ હતું. આ સ્કીમને કારણે દેશમાં ઉત્પાદિત આઈફોનની નિકાસમાં જોરદાર વધારો થયો હતો. 

આ ઉપરાંત કોમ્પ્યુટર્સ, સર્વર્સ તથા સેટ-ટોપ બોકસના ઉત્પાદનને પણ ફટકો પડી રહ્યો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. 

વિવિધ પ્રકારના કન્ઝયૂમર ઈલેકટ્રોનિકસ સાધનોના મળીને વોલ્યુમની દ્રષ્ટિએ ઉત્પાદનમાં  વર્તમાન વર્ષમાં ૧૦થી ૧૫ ટકા જેટલો ઘટાડો જોવા મળવા સંભવ છે. 

છેલ્લા આઠથી નવ મહિનામાં મેમરી ચીપ્સના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે. અમેરિકા દ્વારા ટેરિફ નીતિ તથા ઈરાન યુદ્ધને કારણે ઈલેકટ્રોનિક ઉત્પાદન ખર્ચમાં તાજેતરમાં વધારો થયો છે.