ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી
- ગત મહિને કેશ રિઝર્વનો આંક વધી રૂપિયા ૨.૦૯ લાખ કરોડ

મુંબઈ : ભારતીય શેરબજારમાં નવેસરની રેલી અને વિદેશી રોકાણ પ્રવાહ ફરી શરૂ થવા છતાં દેશના સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડોએ ગયા મહિને પોતાના હાથમાં કેશની ઊંચી માત્રા જાળવી રાખી હતી જે હાલની વોલેટાઈલ બજારમાં ફન્ડ મેનેજરો સાવચેતી ધરાવતા હોવાના સંકેત આપે છે.
સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડો પાસે કેશ ઓન હેન્ડ જે સપ્ટેમ્બરમાં તેમની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ના ૪.૧૦ ટકા હતી તે ઓકટોબરમાં સાધારણ વધી ૪.૧૧ રહેવા પામી હતી.
રકમની દ્રષ્ટિએ કેશ રિઝર્વનો આંક રૂપિયા ૨.૦૯ લાખ કરોડ રહ્યો હતો જે સપ્ટેમ્બરમાં રૂપિયા ૧.૯૯ લાખ કરોડ હતો એમ એક રિસર્ચ પેઢીના ડેટામાં જણાવાયું હતું.
કેશની સ્થિતિ સામાન્ય કરતા ઊંચી જોવા મળી રહી છે. બજારના વેલ્યુએશનો ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચા પ્રવર્તતા હોવાથી ફન્ડ હાઉસો રોકાણમાં સાવચેતી ધરાવી રહ્યા હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.
ફન્ડ હાઉસો દ્વારા રોકાણનો આધાર અર્નિગ્સમાં વૃદ્ધિ તથા વ્યવહારિક મૂલ્યાંકન પર રહે છે. હાથમાં ઊંચી કેશ જાળવી રાખવાને કારણે ઘટાડાના સમયે ફન્ડોને રોકાણની યોગ્ય તક મળી રહે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.
ગયા મહિને વિદેશી રોકાણકારોએ ૧.૬૦ અબજ ડોલરની ઈક્વિટીસની ખરીદી કરી હોવા છતાં ફન્ડ હાઉસો ખરીદીની બાબતમાં સાવચેત રહ્યા હતા. ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થવાની ગણતરીએ વિદેશી રોકાણકારો ફરી ભારત તરફ વળવા લાગ્યા છે.
કેટલાક ફન્ડોએ પોતાની પાસેની કેશ રિઝર્વમાં ઘટાડો કર્યો હોવાનું પણ પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
૨૦૨૪ના સંપૂર્ણ વર્ષની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફન્ડો પાસે કેશ ઓન હેન્ડ રૂપિયા ૭૦,૦૦૦ કરોડ વધી વર્ષના અંતે રૂપિયા ૧.૮૦ લાખ કરોડ રહી હોવાનું અગાઉ એક અહેવાલમાં જણાવાયું હતું.

