સેન્સેક્સમાં નોંધાયેલો 491 પોઈન્ટનો ઉછાળો અંતે 224 પોઈન્ટ નીવડયો

મુંબઈ : શેરોમાં સતત બીજા દિવસે ઉડાઉડ અટકી આજે બજારે મજબૂતી બતાવી હતી. અનેકના તેજીના પતંગને કાપીને રોકાણકારોની સંપતિનું મોટું ધોવાણ કરનાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) હજુ સતત શેરોમાં મોટાપાયે વેચવાલ રહેતાં અને લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બજારમાં મોટી તેજીનો સંચાર કરવામાં સમર્થ રહેશે કે એની વિશ્વાસની કટોકટીએ શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૭ પૈસા વધીને ૮૬.૩૭ થઈ જવા સાથે યુ.કે.માં ફુગાવાનો આંક ઘટયા સામે ફરી વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવ સાધારણ વધી આવ્યા હતા. આઈટી, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી સામે હેલ્થકેર શેરોમાં મોટું ધોવાણ થયું હતું. વૈશ્વિક મોરચે અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સની રિકવરી સામે નાસ્દાકમાં સતત નરમાઈ અને યુરોપમાં યુ.કે.નો ફુગાવો ઘટતાં યુરોપના બજારોમાં સતત મજબૂતી રહી હતી. એસ્ટ્રાઝેનેકા પાછળ હેલ્થકેર શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. સેન્સેક્સ આગલા બંધ ૭૬૪૯૯.૬૩ સામે ૭૬૯૦૦.૧૪ મથાળે ખુલીને ૪૯૧.૪૨ ઉછળીને ઉપરમાં ૭૯૯૯૧.૦૫ સુધી જઈ પાછો ફરી નીચામાં ૭૬૪૭૯.૭૯ સુધી આવી અંતે ૨૨૪.૪૫ પોઈન્ટ વધીને ૭૬૭૨૪.૦૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આગલા બંધ ૨૩૧૭૬.૦૫ સામે ૨૩૨૫૦.૪૫ મથાળે ખુલીને એક સમયે ૧૧૭.૬૦ પોઈન્ટ વધીને ઉપરમાં ૨૩૨૯૩.૬૫ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૩૧૪૬.૪૫ સુધી આવી અંતે ૩૭.૧૫ પોઈન્ટ વધીને ૨૩૨૧૩.૨૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં કવરિંગ
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં સતત નરમાઈ છતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ ઘટાડે કવરિંગ કર્યા સાથે પસંદગીની ખરીદી કરી હતી. ટેક મહિન્દ્રા રૂ.૨૬.૬૫ વધીને રૂ.૧૬૭૩.૯૦, ઈમુદ્રા રૂ.૧૩.૬૫ વધીને રૂ.૧૬૭૩.૯૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૫૨.૪૫ વધીને રૂ.૫૮૦૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૨.૬૫ વધીને રૂ.૧૮૨૬.૬૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરો વધ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ વેચવાલી અટકી આજે પસંદગીની ખરીદી થઈ હતી. થર્મેક્સ રૂ.૨૯૧.૫૫ ઉછળી રૂ.૪૦૨૯.૧૦, એનબીસીસી રૂ.૨.૧૯ વધીને રૂ.૮૬.૨૬, ભેલ રૂ.૪.૯૫ વધીને રૂ.૨૦૨.૨૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૨.૧૫ વધીને રૂ.૩૫૦૭.૫૦, એલએમડબલ્યુ રૂ.૧૬૧ વધીને રૂ.૧૬,૦૮૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં મિશ્ર ટ્રેન્ડ
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. મધરસન સુમી રૂ.૩.૬૫ વધીને રૂ.૧૪૯.૪૦, મારૂતી સુઝુકી રૂ.૧૯૮.૧૦ વધીને રૂ.૧૧,૯૪૦.૬૦, ટીવીએસ મોટર રૂ.૧૫.૯૫ વધીને રૂ.૨૨૫૨ રહ્યા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૮.૬૦ ઘટીને રૂ.૨૯૬૦.૦૫, અશોક લેલેન્ડ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૨૦૬.૭૦, ટાટા મોટર્સ રૂ.૭.૧૫ ઘટીને રૂ.૭૬૩.૪૫, બોશ રૂ.૧૮૪.૩૦ ઘટીને રૂ.૩૧,૪૭૪.૩૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં વેચવાલી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે એકાએક વેચવાલી થઈ હતી. ચાઈનામાં એસ્ટ્રાઝેનેકા સામે ગેરકાયદે ડ્રગ્ઝ આયાત, ડાટા ભંગઅને ઈન્સ્યોરન્સ સંબંધિત કથિત છેતરપિંડી, ભ્રષ્ટાચારની તપાસના અહેવાલોએ એસ્ટ્રાઝેનેકા રૂ.૩૧૮.૩૫ તૂટીને રૂ.૬૭૧૨, હેસ્ટર બાયો રૂ.૬૩.૮૦ ઘટીને રૂ.૨૧૭૦, મેનકાઈન્ડ રૂ.૭૬.૦૫ ઘટીને રૂ.૨૫૯૫.૪૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૪૨ ઘટીને રૂ.૧૬૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૧૬.૭૬ પોઈન્ટ ગબડીને ૪૨૪૯૨.૫૬ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં આજે આરંભમાં ખરીદીનો વ્યાપ વધ્યા બાદ ઉછાળે ઘણા શેરોમાં વેચવાલી રહી હતી. અલબત માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૫૦ અને ઘટનારની સંખ્યા ૧૮૦૬ રહી હતી.
DIIની રૂ.૩૬૮૩ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં રૂ.૪૫૩૩.૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૬૮૨.૫૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
રોકાણકારોની સંપતિ વધીને રૂ.૪૨૪.૩૧ લાખ કરોડ
ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઉછાળા સાથે ઘણા શેરોમાં લેવાલી થયા બાદ ઉછાળે વેચવાલી છતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૦૮ લાખ કરોડ વધીને રૂ.૪૨૪.૩૧ લાખ કરોડ પહોંચ્યું હતું.




