Business

ઊચા ટેરિફ છતાં ટેકસટાઈલ નિકાસમાં નવેમ્બરમાં 9 ટકાથી વધુનો વધારો

By GS TEAM
19 Dec 20251 min read
ઊચા ટેરિફ છતાં ટેકસટાઈલ નિકાસમાં નવેમ્બરમાં 9 ટકાથી વધુનો વધારો

મુંબઈ : અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં વર્તમાન વર્ષના નવેમ્બરમાં ભારતની ટેકસટાઈલ તથા એપરલ નિકાસ વાર્ષિક ધોરણે ૯.૪૦ ટકા વધી ૨૮૫.૫૮ કરોડ ડોલર રહેવા પામી છે. ગયા વર્ષના નવેમ્બરમાં આ આંક ૨૬૦.૧૫ કરોડ ડોલર રહ્યો હતો. 

અમેરિકા ભારતના ટેકસટાઈલ તથા એપરલનું મુખ્ય નિકાસ મથક છે. વર્તમાન વર્ષના ઓગસ્ટથી ભારતના માલસામાન પર અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ લાગુ કર્યા છે. 

ગત નાણાં વર્ષમાં ભારતની ટેકસટાઈલ તથા એપરલ ક્ષેત્રનું કદ ૧૭૯ અબજ ડોલર રહ્યાનો અંદાજ છે જેમાં ૩૭ અબજ ડોલરની નિકાસ થઈ હતી, જ્યારે ઘરઆંગણેની બજારનો આંક ૧૪૨ અબજ ડોલર રહ્યો હતો એમ ટેકસટાઈલ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું હતું. 

ટેકસટાઈલમાં રેડીમેડ ગારમેન્ટસના વેચાણમાં  ૧૧.૩૦ ટકા વધારો થયો છે જ્યારે કોટન યાર્ન, ફેબ્રિકસ તથા મેડ-અપ્સ તથા હેન્ડલુમ પ્રોડકટસની નિકાસમાં ૪ ટકા વધારો જોવા મળ્યો છે. 

વર્તમાન વર્ષના જાન્યુઆરીથી નવેમ્બરના ગાળામાં ટેકસટાઈલ તથા એપરલની એકંદર નિકાસ  ૦.૨૫ ટકા વધી ૩૨૫૬ કરોડ ડોલર રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકા દ્વારા જંગી ટેરિફ વચ્ચે પણ રેડીમેડ ગારમેન્ટસની નિકાસમાં વધારો થયો છે. રેડીમેડ ગારમેન્ટસ ક્ષેત્રે ભારતે મુખ્યત્વે બંગલાદેશનો સામનો કરવો પડી રહ્યો છે. 

સસ્તા લેબર ખર્ચને કારણે અમેરિકા તથા યુરોપના દેશોમાં બંગલાદેશના માલ સામે ભારતે સ્પર્ધા કરવી પડે છે.