12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ
TCS Layoff: આકર્ષક સેલેરી પેકેજ સાથે સુરક્ષિત રોજગારી માટે જાણીતી દેશની ટોચની આઈટી કંપની ટીસીએસની છટણીની જાહેરાતથી આઈટી કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. કર્ણાટક સ્ટેટ આઈટી એમ્પ્લોયીઝ યુનિયને આ મામલે એક કેસ પણ ફાઈલ કર્યો છે. ટીસીએસે થોડા સમય પહેલાં જ 12 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ ભવિષ્યનીટેક્નોલોજીથી સજ્જ બનવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
આઈટી યુનિયનના લેબર કમિશનરે છટણીનો કેસ નોંધ્યો છે. યુનિયને જણાવ્યું હતું કે, ટીસીએસે નિયમોનું ઉલ્લંઘન કરતાં છટણી કરવાનો નિર્ણય લીધો હતો. ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પુટ્સ એક્ટ, 1947 હેઠળ કંપની પર નિયમોથી વિપરિત છટણી કરવાનો આરોપ મૂકાયો હતો. ટીસીએસે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26માં પોતાના વર્કફોર્સમાં 2 ટકાનો ઘટાડો કરશે. જેમાં 12,000 લોકો નોકરી ગુમાવશે. આ નિર્ણય વિરૂદ્ધ કર્ણાટક આઈટી યુનિયનના પ્રતિનિધિઓએ એડિશનલ લેબર કમિશનર જી. મંજુનાથ સાથે મુલાકાત કરી કર્મચારીઓની સમસ્યા વિશે માહિતી આપી હતી. તેમજ ફરિયાદ પણ નોંધાવી હતી.
સરકાર પાસે મંજૂરી લેવી આવશ્યકઃ યુનિયન
યુનિયને ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પુટ્સ એક્ટનો હવાલો આપતાં કહ્યું કે, કોઈ કંપનીમાં જો 100થી વધુ કર્મચારીઓ હોય, તો છટણી પહેલાં સરકારની મંજૂરી લેવી આવશ્યક છે. તેના માટે એક્ટમાં અમુક નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. યુનિયને જણાવ્યું હતું કે, ટીસીએસ મેનેજમેન્ટે આ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેના અધિકારીઓ વિરૂદ્ધ ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવે લેબર ડિપાર્ટમેન્ટે આ મામલે તાત્કાલિક ધોરણે ન્યાયની માગ કરી છે.
શ્રમ વિભાગે પણ આપી સ્પષ્ટતા
શ્રમ વિભાગના સુત્રોએ જણાવ્યું કે, ટૂંકસમયમાં ટીસીએસના મેનેજમેન્ટ સાથે બેઠક કરશે. જેમાં ચર્ચા કરવામાં આવશે કે, અંતે આ પ્રકારની છટણીનો નિર્ણય કેમ લેવામાં આવ્યો. હજી તારીખ નક્કી થઈ નથી. પરંતુ કર્ણાટકના શ્રમ મંત્રીએ સ્પષ્ટતા આપી કે, ટૂંકસમયમાં બેઠક યોજાશે. યુનિયને ચિંતા વ્યક્ત કરી હતી કે, જો નિયમોનું ઉલ્લંઘન કરી છટણી કરવામાં આવી તો તે ભવિષ્ય માટે જોખમી ટ્રેન્ડ સ્થાપિત કરશે.