Business

વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28 ટકા વધી 78 લાખ ટન નજીક

By GS TEAM
16 Dec 20251 min read
વર્તમાન  મોસમમાં ખાંડ ઉત્પાદન 28 ટકા વધી 78 લાખ  ટન નજીક

મુંબઈ : વર્તમાન ખાંડ મોસમમાં દેશનું ખાંડ ઉત્પાદન ૨૮.૩૩ ટકા જેટલું વધી ૭૭.૯૦ લાખ ટન રહ્યું છે. ઉત્પાદનમાં વધારો થવા સાથે ખાંડ મિલોએ ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ વધારી આપવા સરકારને અનુરોધ કર્યો છે. 

એકતરફ સાકરના ભાવમાં ઘટાડો અને બીજી બાજુ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ખેડૂતોને શેરડી પેટેની ચૂકવણી કરવાનું મુશકેલ બની જશે એમ નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરિસ લિ.ના સુત્રોએ જણાવ્યું હતું. 

વર્તમાન ખાંડ મોસમના પ્રારંભથી ખાંડના એકસ-મિલ ભાવ પ્રતિ ટન રૂપિયા ૨૩૦૦ જેટલા ઘટી રૂપિયા ૩૭૭૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. 

દેશની ૪૭૯ કાર્યરત ખાંડ મિલોનું ખાંડ ઉત્પાદન વર્તમાન મોસમમાં અત્યારસુધી ૭૭.૯૦ લાખ ટન રહ્યું છે જે ગયા વર્ષના ૧૫ ડિસેમ્બર સુધીમાં ૪૭૩ મિલો દ્વારા ૬૦.૭૦ લાખ ટન રહ્યું હતું. 

શેરડીના પિલાણમાં ૨૫ ટકા વધારો થઈ ૯ કરોડ ટન રહ્યું છે એમ પણ ફેડરેશનના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

વર્તમાન મોસમમાં મિલો ખેડૂતોને રૂપિયા ૧.૩૦ ટ્રિલિયનની ચૂકવણીનો સામનો કરી રહી છે  જ્યારે વધારાના સ્ટોકને કારણે મિલોની રૂપિયા ૨૮૦૦૦ કરોડ જેટલી વર્કિંગ કેપિટલ અટવાઈ પડશે.