Business

તહેવારોની મોસમ પહેલા ખાંડના ભાવમાં વધારો

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિત સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં એક મહિનામાં 10% અને જૂનથી આશરે 30%નો વધારો થયો છે. સરકારે ખાંડ મિલોને ડીલરોને વેચાયેલી ખાંડ 7 દિવસથી વધુ સમય માટે ગોદામમાં ન રાખવા આદેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ વધતા, સરકારે સ્ટોક પર પકડ મજબૂત કરી છે અને આયાત ડ્યુટી ઘટાડવા વિચારી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોની મોસમ પહેલા ખાંડના ભાવમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખાંડના ભાવમાં તીવ્ર વધારો : સરકારે સ્ટોક પર પોતાની પકડ મજબૂત કરી
એક મહિનામાં ભાવમાં ૧૦%નો વધારો, ગત જૂનથી ભાવમાં આશરે ૩૦%નો વધારો થયો
અમદાવાદ : સ્થાનિક બજારમાં ખાંડના સ્ટોક અને ભાવ અંગે અટકળો તેજ થઈ છે. ગ્રાહકો વાજબી ભાવે ખાંડ મેળવી શકે તે માટે સરકાર પૂરતો પુરવઠો જાળવવા અને ભાવને નિયંત્રિત કરવા માટે સતત પગલાં લઈ રહી છે. સરકારે હવે ખાંડ મિલોને નિર્દેશ આપ્યો છે કે તેઓ ડીલરો, એજન્ટો અથવા જથ્થાબંધ ગ્રાહકોને વેચાયેલી ખાંડને સાત દિવસથી વધુ સમય માટે તેમના પરિસરમાં સંગ્રહિત ન કરે. આમ છતાં, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ ઊંચા રહે છે.
સ્થાનિક બજારમાં ગયા મહિનામાં ખાંડના ભાવમાં આશરે ૧૦%નો વધારો થયો છે, અને જૂનથી તેમાં આશરે ૩૦%નો વધારો થયો છે. મુંબઈના જથ્થાબંધ બજારમાં ખાંડ હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫,૦૦૦ થી ૫,૦૯૦ ની આસપાસ વેચાઈ રહી છે. જૂનમાં, ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩,૮૦૦ની આસપાસ હતા.
વેપારીઓ કહે છે કે ઓછા વરસાદ અને ઉત્પાદનમાં વધુ વિક્ષેપ પડવાની આશંકાથી ભાવને ટેકો મળ્યો છે. તહેવારોની મોસમ દરમિયાન માંગ વધવાની અપેક્ષાએ પણ બજારમાં તેજીને વેગ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખાંડના ભાવમાં તીવ્ર વધારો થયો છે. કાચા ખાંડના ભાવ પ્રતિ પાઉન્ડ ૧૬.૬ સેન્ટની આસપાસ પહોંચી ગયા છે, જે એક વર્ષની ઊંચી સપાટી છે. સફેદ ખાંડના ભાવ ૧૫ મહિનાના ઊંચા સ્તરે છે.
બ્રાઝિલ, થાઇલેન્ડ અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. વધુમાં, ૨૦૨૬-૨૭ સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં વૈશ્વિક ખાંડની અછતનો ભય પણ ભાવને ટેકો આપી રહ્યો છે.
વધતા ભાવ વચ્ચે, સરકારે ખાંડના સ્ટોકનું નિરીક્ષણ વધુ તીવ્ર બનાવ્યું છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે ખાંડ મિલોને ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષમાં જેમને સીધી અથવા એજન્ટો દ્વારા ૫૦૦ ટન કે તેથી વધુ ખાંડ વેચી હતી તેમની વિગતો પૂરી પાડવા જણાવ્યું છે. વિવિધ રાજ્યોમાં વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ભૌતિક ચકાસણીમાં જાણવા મળ્યું છે કે મોટા ખરીદદારોને વેચાતી ખાંડ હજુ પણ મિલના ગોદામોમાં સંગ્રહિત હતી.
સરકારે નિર્ણય લીધો છે કે ડીલર, એજન્ટ અથવા જથ્થાબંધ ગ્રાહકને ખાંડ વેચ્યા પછી, મિલ તે સ્ટોક સાત દિવસથી વધુ સમય માટે તેના પરિસરમાં રાખી શકશે નહીં. જો કે, મિલના નિયંત્રણની બહારના સંજોગોમાં છૂટ આપી શકાય છે. આ વ્યવસ્થા ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરતી ખાંડ મિલો સામે કાનૂની કાર્યવાહી કરી શકાય છે. સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વેચાયેલી ખાંડ સમયસર બજારમાં પહોંચે અને સ્ટોક રોકીને કૃત્રિમ અછત ઊભી ન થાય.
કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંયુક્ત ટીમો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫નું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે ખાંડના સ્ટોકનું સઘન નિરીક્ષણ અને ભૌતિક ચકાસણી કરવાનું ચાલુ રાખશે. એક અલગ જોગવાઈમાં, સરકારે એવી પણ જોગવાઈ કરી છે કે ઓક્ટોબર ૨૦૨૬માં ઉત્પાદન શરૂ કરનારી મિલો ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન તે મહિનામાં ઉત્પાદિત ખાંડ વેચી શકશે.
ખાંડના ભાવ અંકુશમાં લેવા આયાત ડયુટીમાં ઘટાડો કરવા વિચારણા
ભારત સરકાર સ્થાનિક બજારમાં ખાંડના વધતા ભાવને નિયંત્રણમાં લેવા માટે ખાંડની આયાત પર લાગતી ૧૦૦ ટકા આયાત ડયુટી ઘટાડવા અથવા સંપૂર્ણપણે દૂર કરવા પર વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર, સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો વધારવા માટે આયાત ડયુટીમાં ઘટાડો કરવાની વિવિધ દરખાસ્તો પર અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચા એવા સમયે થઈ રહી છે, જ્યારે તહેવારોની મોસમ પહેલા ખાંડની માંગમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
ભારત વિશ્વમાં ખાંડનું બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક છે. જો કે, તાજેતરમાં દેશમાં ખાંડના ભાવમાં મોટો વધારો થયો છે. ભારતમાં સામાન્ય રીતે ઓગસ્ટના અંતથી જાન્યુઆરી સુધી ખાંડની માંગમાં વધારો થાય છે. તહેવારો દરમિયાન મીઠાઈ, પ્રોસેસ્ડ ફૂડ અને પીણાંમાં ખાંડનો વપરાશ વધતો હોવાથી બજારમાં માંગ વધુ મજબૂત બને છે.